Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ગુજરાત હાઉસીંગ વસાહત સામે દોઢ લાખ પરિવારોએ બાંયો ચઢાવી : ૨૬મીએ રણનીતિ નક્કી થશે

સવા લાખ દસ્તાવેજો કરવાના બાકી : મોટાભાગના ૪૦ વર્ષ જૂના : ફાઇલ ચાર્જના નામે ઉઘાડી લૂંટ

રાજકોટ તા. ૨૪ : ગુજરાત હાઉસિંગ વસાહતના સ્ટેમ્પ ડ્યૂટી, જંત્રી, ફાઇલ ચાર્જના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા દોઢ લાખ પરિવારો આંદોલન કરશે. તેવી ચીમકી વસાહત મંડળે ઉચ્ચારી છે. આગામી ૨૬મી મેના રોજ મળનારી મંડળની બેઠકમાં રણનીતિ તૈયાર કરાશે તેમ પ્રસિધ્ધ થયું છે.

વસાહત મંડળના અગ્રણી શ્રી દિનેશ બારડે કહ્યું હતું કે તાજેતરમાં મળેલી બેઠકમાં હાઉસિંગ બોર્ડના હોદ્દેદારોએ નિરાકરણ લાવવામાં ખાસ કોઇ રસ દાખવ્યો નહતો. હોદ્દેદારોએ હાઉસિંગના એક મકાનમાં ચાર પાવર ઓફ એટર્ની હોય તો ચાર વખત તેની સ્ટેમ્પ ડ્યૂટી ના વસૂલાય તે માટે મહેસૂલ વિભાગને ખો આપી હતી.

વધારાના બાંધકામમાં ચો.મી.માં જંત્રી પ્રમાણે દંડ વસૂલવાના મુદ્દે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા જણાવાયું હતું. આ ઉપરાંત મકાનના થઇ ગયેલા દસ્તાવેજોના રેકર્ડ નહીં હોવાની વાત કરી હતી અને બીજીબાજુ નોટિસોમાં પેનલ્ટી અને વ્યાજની રકમ દર્શાવી છે. તો રકમ કયાંથી આવી, તેવું પૂછતા સ્પષ્ટ જવાબ આપી શકયા નહતાં. બેઠકમાં હોદ્દેદારોએ પૂરતો સહકાર નહીં આપતા આગામી ૨૬મી મેના રોજ અમદાવાદના નારણપુરા આકાશગંગા ખાતે રાત્રિના આઠ વાગે મળનારી હાઉસિંગના સભ્યોની બેઠકમાં આંદોલન માટે રણનીતિ તૈયાર કરાશે. ચૂંટણી અગાઉ કરાયેલા વાયદા પૂરા કરવા ખાતરી નહીં અપાય તો સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની મંડળે ચીમકી ઉચ્ચારી હતી. હાલમાં અંદાજે સવા લાખ જેટલા દસ્તાવેજો બાકી છે. મોટાભાગના ૪૦થી વર્ષ સુધીના જૂના છે. જેમાં પ્રતિવર્ષ એક હજાર રૂપિયા ફાઇલ ચાર્જ લાદી ઉઘાડી લૂંટ કરાય છે. જે રદ અને બેફામ ટ્રાન્સફર ફી નહીં લેવા રજૂઆત કરી તો વિચારવાનું કહી વાત ટાળી દીધી હતી.(૨૧.૧૬)

(3:03 pm IST)