Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

વાંકાનેરના વણઝારા ગામની ખેતીની જમીન અંગેની વેચાણ નોંધ નામંજુર

રાજકોટ, તા. ૨૫ :. વાંકાનેરના મામલતદારશ્રી દ્વારા વેચાણની નોંધ નામંજુર કરતો હુકમ કરેલ છે.

કેસની હકીકત જોવામાં આવે તો જેરામભાઈ વેલાભાઈ બાવરીયાએ તેમની વડીલોપાર્જીત મિલ્કત મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વણઝારા ગામની ખેતીની જમીન જેના ખાતા નં. ૧૦થી તેમની વારસાઈ ખેતીની જમીન આવેલ છે. સદરહુ ખેતીની જમીનમાં જેરામભાઈ વેલાભાઈએ તેમની વારસાઈ જમીન હોવા છતા સદરહુ ખેતીની જમીન રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી સદરહુ ખેતીની જમીન તેમને ખોડાભાઈ વાલાભાઈ કુમખાણીયાને રજીસ્ટર દસ્તાવેજ કરી આપેલ.

સદરહુ દસ્તાવેજમાં તેમના કાયદેસરના તમામ વારસદારોની સંમતી લેવાને બદલે નરશીભાઈ જેરામભાઈ બાવરીયા સિવાયના તમામ વારસદારોની લેખીત સંમતી લેવામાં આવેલ અને નરશીભાઈ જેરામભાઈ બાવરીયાને સદરહુ દસ્તાવેજની કોઈ માહિતી આપ્યા વગર બારોબાર દસ્તાવેજ કરી દીધેલ અને તેમની ૧૩૫-ડી ની નોટીસ નરશીભાઈ જેરામભાઈ બાવરીયાને મળતા તેઓએ તાત્કાલીક વાંધા અરજી આપેલ.

ત્યાર બાદ બધા પેપર્સ કઢાવતા ખબર પડેલ કે સદરહુ જમીનનો દસ્તાવેજ થઈ ગયેલ છે, આથી નરશીભાઈ જેરામભાઈ બાવરીયા વતી એડવોકેટ રાકેશ ટી. કોઠીયા હાજર થઈને મામલતદાર સમક્ષ તકરારી કેસ રજીસ્ટરે લેવડાવી તકરારી કેસમાં તમામ લેખીત તથા મૌખીક પુરાવાઓ રજુ કરી દલીલો રજુ કરેલ અને દલીલો રજુ કરેલ અને સદરહુ રજીસ્ટર વેચાણ દસ્તાવેજની કાચી નોંધ પડેલ હતી તે નોંધ નામંજુર કરાવેલ અને મામલતદાર દ્વારા એવો હુકમ કરેલ કે સદરહુ નોંધ જોવામા આવે તો તેમા વિવાદી સિવાયના તમામ વારસદારોની લેખીત સંમતી લેવામાં આવેલ છે પરંતુ વિવાદીની લેખીત સંમતી લેવામાં આવેલ નથી તેમજ શા માટે સંમતી લેવામાં આવેલ નથી તેના કોઈ લેખીત કારણો રજુ કરેલ નથી.

વિવાદીના એડવોકેટ રાકેશ કોઠીયા મારફતે એવી રજુઆત કરવામાં આવેલ કે જો સદરહુ નોંધ પ્રમાણીત થાય તો હાલના વિવાદી બંધારણની જોગવાઈ મુજબ કયારેય પણ ખાતેદાર થઈ શકે નહી જેથી આમ નોંધ મંજુર કરવામાં આવે તો વિવાદીને ઘણુ બધુ સહન કરવુ પડે તેમજ ખૂબ જ નુકસાન થાય તેમ છે. જેથી તમામ રજૂઆતો તથા લેખીત દલીલોને ધ્યાને લઈ મામલતદારશ્રી વાંકાનેર દ્વારા સદરહુ વણઝારા ગામની નોંધ નં. ૮૫૬ નામંજુર કરવા હુકમ કરેલ છે.

આ કામમાં વિવાદી નરશીભાઈ જેરામભાઈ બાવરીયા વતી રાજકોટના એડવોકેટ શ્રી રાકેશ ટી. કોઠીયા તથા કલ્પેશ સાકરીયા તથા નિશાંત ગોસ્વામી રોકાયેલા હતા.

(3:53 pm IST)