Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

વડોદરા કોર્ટના નવા સંકુલમાં વકીલોની બેઠક વ્યવસ્થાના મુદ્દે ૩૦મીએ ધરણાંનો કાર્યક્રમઃરાજકોટ બાર એસો.નું સમર્થન

રાજકોટ : વડોદરામાં નવું કોર્ટ બિલ્ડીંગ બનેલ છે. પરંતુ તેમાં વકીલોની બેઠક વ્યવસ્થાના મુદ્દે કોઇ યોગ્ય આયોજન કરવામાં આવેલ ન હોય છેલ્લા દસેક માસથી આ પ્રશ્ને વકીલો દ્વારા વિરોધ કરીને આંદોલન કરાયુ રહ્યું છે.

આ અંગે આગામી તા. ૩૦ એપ્રિલે વડોદરાના વકીલો દ્વારા ધરણા, રામધુન, સહિતના કાર્યક્રમ યોજાનાર હોવાનું જાણવા મળે છે. અત્રેએ ઉલ્લેખનીય છે કે, આ બાબતે વડોદરા બાર વકીલ પ્રમુુખ સાથે પોલીસે ગેરવર્તન પણ કર્યુ હતું. તેના સંદર્ભે પણ રાજયભરના વકીલોના મંડળોને વાકેફ કરીને એક મીટીંગ યોજવામાં આવી હતી.

વડોદરાની કોર્ટનું નવુ બિલ્ડીંગ તો બની ગયું પરંતુ વકીલો માટેની બેઠક વ્યવસ્થા સહિતની પ્રાથમિક જરૂરીયાતોનું ધ્યાન રાખવામાં નહિ આવતાં વકીલો વિરોધ કરી રહ્યા છે. છેલ્લા દસેક માસથી થઇ રહેલા પ્રોબ્લેમ અંગે વકીલો રજૂઆત કરી રહ્યા છે. પરંતુ તેના ઉપર ધ્યાન નહિ દેવાતા વકીલોએ આગામી તા. ૩૦ મીએ ધરણાં રામધુન સહિતના કાર્યક્રમનું આયોજન કરેલ છે.

વડોદરા વકીલ મંડળને  રાજકોટ બાર એસો. દ્વારા પણ ઠરાવ કરીને સમર્થન અપાયાનું બારના સેક્રેટરી જીજ્ઞેશભાઇ જોષીએ જણાવ્યું છે. રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત વકીલ મંડળો દ્વારા પણ વડોદરા બારને સમર્થન અપાઇ રહ્યું છે. રાજકોટ બાર એસો.એ આ અંગે કોઇ હડતાલનું એલાન કરેલ નથી. પરંતુ સમર્થન આપેલ છે. વડોદરાના વકીલો દ્વારા વિરોધરૂપે વિવિધ કાર્યક્રમો કરનાર હોવાનું જાણવા મળે છે.

(3:52 pm IST)