Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

હળવદનો જાકાસણિયા પરિવાર રાહ ચિંધે છે... બારમાનો જમણવાર ન કર્યો અને રોટરી કલબના સહયોગથી ચાર ગરીબ પરિવારના ચુલા પ્રગટતા કર્યા

રાજકોટ : બારમાની વિધિમાં જમણવાર કેન્સલ કરી કોઇ ગરીબનો ચુલો બારે માસ ચાલતો રહે તેવું કઇક કરવાનો પ્રેરક નિર્ણય હળવદના જાકાસણિયા પરિવારે લઇ લોકોને નવો રાહ ચિંધ્યો છે. મૂળ જેતપર ગામના અને હાલ હળવદમાં હરિનગર સોસાયટીમાં રહેતા આઇ.ટી.આઇ.ના કર્મચારી રવિભાઇ જાકાસણીયાના માતુશ્રુનું અવસાન થતા આ પરિવારે વિચાર્યુ કે એક ટંકના જમણવારનો ખર્ચ કરવાને બદલે આ રકમમાંથી કોઇ ગરીબ પરિવારને કાયમી ભોજન મળે તેવી વ્યવસ્થા ઉભી કરીએ. બસ પછી રોટરી કલબનો સંપર્ક કરાયો અને અતિ જરૂરતમંદ કહી શકાય તેવા ચાર પરિવારને અનાજ કરીયાણાની કીટ આજીવન મળતી રહે તે માટે રૂ.૨૪૦૦૦ નુ અનુદાન અપાયુ. અહીં ઉલ્લેખનીય છે કે રવિભાઇના લગ્ન સમયે પણ આ પરિવારે આવુ જ પ્રેરક કાર્ય કર્યુ હતુ. ધામધૂમ પાછળનો ખોટો ખર્ચ બચાવી સાદગીથી લગ્ન કર્યા અને બચેલ રૂ.૧,૬૧,૦૦ ની રકમનું દાન જુદી સંસ્થાઓમાં અર્પણ કરી દીધુ. રવિભાઇના પિતાશ્રી રામજીભાઇ નિવૃત્ત શિક્ષક છે અને સેવા ભાવી સ્વભાવ ધરાવે છે. નિવૃત્ત હોવા છતા વિદ્યાર્થીઓના અભ્યાસ હેતુ વિવિધ ૩૦૦ જેટલી સ્કુલોમાં જઇ ગણિત અને વિજ્ઞાનના પ્રયોગો કરાવેલ છે. આમ સમગ્ર જાકાસણિયા પરિવાર ઉમદા વિચારો ધરાવતો પરિવાર છે.

(3:38 pm IST)