Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

રાજકોટમાં પાણીનો ઉપાડ વધ્યોઃ પાણી ચોરીની પણ આશંકા

દરરોજ ૨૭૫ એમએલડીની જરૂરીયાત સામે ૩૧૧ એમએલડી પાણીનું વિતરણ

રાજકોટ, તા. ૨૫ :. શહેરમાં દરરોજ ૨૭૫ એમએલડી સામે ૩૧૧ એમએલડી પાણીનું વિતરણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યુ છે. ઉનાળાની ગરમીમાં શહેરમાં પાણીનો ઉપાડ વધ્યો છે કે પાણી ચોરીની આશંકા તંત્રવાહકોમાં સેવાઈ રહી છે.

આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત ચોમાસુ નબળુ જતા શહેરના જળાશયો ખાલીખમ રહ્યા હતા. શહેરમાં પાણી વિતરણનો આધાર નર્મદા નીર પર રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૈનિક ૨૭૫ એમએલડી પાણી વિતરણ કરવામાં આવી રહ્યુ છે પરંતુ છેલ્લા ૮ થી ૧૦ દિવસમાં પાણીની માંગ વધવા પામી છે. ત્રણેય ઝોનમાં પાણી વિતરણના આંકડા પર નજર ફેરવીએ તો વેસ્ટઝોનમાં ૧૦૬ એમએલડી ડિમાન્ડ સામે ૧૨૫ એમએલડી પાણી વિતરણ કરવામાં આવી રહ્યુ છે. આમ ૧૮ ટકા વધુ પાણી વિતરણ થઈ રહ્યુ છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં ૫૯ એમએલડીની ડીમાન્ડ સામે ૬૬ એમએલડી એટલે ૧૨ ટકા તથા ઈસ્ટ ઝોનમાં ૭૪ એમએલડીની સામે ૮૪ એમએલડી પાણી વિતરણ થઈ રહ્યુ છે. આમ ત્રણેય ઝોનમાં કુલ ૩૬ એમએલડી પાણી વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

આ અંગે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યુ હતુ કે, શહેરમાં વેસ્ટ ઝોનમાં કોઠારીયા અને વાવડી વિસ્તારના કારણે આ ઝોનમાં ૧૯ એમએલડી વધુ પાણી વિતરણ થઈ રહ્યુ છે.(૨-૧૯)

(3:27 pm IST)