Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

પુરવઠા નિગમમાં મજૂરો નથીઃ રાશનીંગ દુકાનદારોને લાખોનો ખર્ચ!!

મે મહિનાના પૈસા ૧૬ એપ્રિલે ભરી દીધા છતા માલ મળ્યો નથીઃ દુકાનદારોએ પોતે જાતે મજૂરો રાખવા પડે છેઃ બે મહિનાથી જથ્થો અનિયમિત : એક દુકાનદારને દર મહિને મજૂરીના રII થી ૩ હજાર ચુકવવા પડે છેઃ ડોર સ્ટેપ ડિલીવરી કોન્ટ્રાકટ ઠપ્પઃ ફાટી નિકળેલ રોષઃ કલેકટરને આવેદન

રાજકોટ પુરવઠા નિગમના ગોડાઉનમાં ડોર સ્ટેપ ડિલીવરીના કોન્ટ્રાકટર પાસે મજૂર ન હોય, દુકાનદારોએ પોતે એક કટ્ટે ૨૦-૨૦ રૂ. ચુકવવા પડે છે, દુકાનદારોને દર મહિને રII થી ૩ હજારની નુકશાની સહન કરવી પડે છે, આજે આગેવાનોએ કલેકટરને આવેદન આપી રજુઆતો કરી હતી.

રાજકોટ તા. રપઃ રાજકોટના સસ્તા અનાજના દુકાનદારોની માઠી બેઠી છે, ડોરસ્ટેપ ડિલીવરી કોન્ટ્રાકટ મજુરોના અભાવે સાવ ઠપ્પ જેવી હાલતમાં હોય, અને બે મહિનાથી આ સ્થિતિ હોય અને દર મહિને દરેક દુકાનદારને મજૂરીના જ રાા થી ૩ હજાર ચુકવવા પડતા હોય પ્રચંડ રોષ ફાટી નિકળ્યો છે, આજે આ મુદ્દે અને છેલ્લા ૮ મહિનાથી આવેલ નવી પદ્ધતિ-જથ્થો આવે પછી જ કાર્ડ હોલ્ડરોના અંગુઠાના નિશાન લેવામાં એ નવા નિયમ સામે પ્રથમ શ્રી નરેન્દ્રભાઇ ડવ, માવજીભાઇ રાખશીયા, અશોક સીંધી, વી.એસ. શાહ, બગડા વિગેરે ૧૦ થી ૧૫ આગેવાનો, દુકાનદારોએ રોષપૂર્વક કલેકટરને આવેદન પાઠવી રજુઆતો કરી હતી.

આવેદન બાદ ''અકિલા'' સાથેની વાતચીતમાં નરેન્દ્રભાઇ ડવ અને માવજીભાઇ રાખશીયાએ ઉમેર્યું હતું કે છેલ્લા ર મહિનાથી પુરવઠા નિગમના ગોડાઉનમાંથી જથ્થો સમયસર મળતો નથી, આમ તો ૮ માસથી દુકાનદારો હેરાન થાય છે, કમ્પ્યુટર સિસ્ટમ બદલાવી છે, અંગુઠો લીધા બાદ જથ્થો લેવાનો તેના કારણે દુકાનદારો-ગ્રાહકો હેરાન પરેશાન થઇ ગયા છે, ત્યાં આ માલ હોવા છતા પુરવઠા નિગમના ગોડાઉનમાંથી જથ્થો મળતો ન હોવાની બબાલ ઉભી થઇ છે.

ઉપરોકત બંન્ને આગેવાનોએ ઉમેર્યું હતું કે, દુકાનદારોને પપ૦૦ કમિશન મહિને મળે છે, એમાંથી રાા થી ૩ હજાર છેલ્લા બે મહિનાથી મજૂરી ચુકવવામાં જાય છે.

દુકાનદારો પાસે પોતાના બાળકની સ્કૂલની ફી ભરવાના પણ પૈસા હોતા નથી. તેમણે જણાવેલ કે છેલ્લા ર મહિનાથી

રાજકોટ પુરવઠા નિગમના ગોડાઉનમાં મજુર જ નથી, ડોર સ્ટેપ ડિલીવરીનો કોન્ટ્રાકટ આશીયાના કોટન વર્કસ પાસે છે, પરંતુ તેમની પાસે મજૂર નથી, એટલે માલ સમયસર મળતો નથી, દુકાનદારોએ પોતાના મજુર લઇ જવા પડે છે. અને એક કટ્ટો ઉતારવા ચડાવવાના થઇને કુલ ૨૦ રૂ. ચુકવવા પડે છે.

આ અગાઉ ડીએસઓ સમક્ષ રજુઆતો થઇ ત્યારે એવું જણાવાયેલ કે હાલ મજુરીના પેૈસા દુકાનદારો દઇ દયે, પછી તંત્ર પાછા અપાવી દેશે તેવી ખાત્રી અપાયેલ, પરંતુ કોન્ટ્રાકટમાં મજૂરીના રાા થી ૩ રૂ. ફાઇનલ થયા છે, આથી હવે દુકાનદારોને મજુરીમાં ગયેલા પૈસા પાછા મળે તેવી શકયતા નથી.

મે મહિનાના જથ્થાના એપ્રિલની ૧૬મી તારીખે ૭૦ થી ૮૦ દુકાનદારોએ પૈસા ભરી દીધા છે, છતાં માલ મળ્યો નથી, છેલ્લા બે મહિનાથી કાર્ડ હોલ્ડરોને પણ અનિયમિત પુરવઠો મળી રહે છે.

આખા રાજકોટ ઉપરાંત ગોંડલ-પડધરીને બાદ કરતા તમામ સેન્ટરમાં આ દશા છે, દુકાનદારો સુધી માલ પહોંચતો કરવામાં  ડોર સ્ટેપ ડિલીવરીમાં ભારે ધાંધીયા હોવાનું આગેવાનોએ ઉમેર્યું હતંુ

(3:24 pm IST)