Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

કોરોના વિસ્ફોટના પગલે કોર્ટમાં પક્ષકારો-અસીલોને પ્રવેશબંધી

બાર એશો. દ્વારા કોર્ટો બંધ કરવા રજુઆતઃ બીજી બાજુ બીસીઆઇના મેમ્બર દિલીપ પટેલ દ્વારા કોર્ટો બંધ નહી કરવા ચીફ જસ્ટીસને પત્રઃ વકીલોમાં ભારે મુંઝવણઃ કેટલાક વકીલો : દ્વારા કોર્ટો ચાલુ રાખવા સહી ઝુંબેશ સાથે સુત્રોચ્ચારઃ આજે અને કાલે બે દિવસ માટે પક્ષકારોને નહી આવવા અપાતી સુચનાઃ શની, રવી, સોમ ત્રણ દિવસની જાહેર રજા છે

રાજકોટઃ કોરોનાના પગલે કોર્ટો બંધ કરવાની રજુઆતના વિરોધમાં કેટલાક વકીલોઍ આજે કોર્ટો ચાલુ રાખવા સહી ઝુંબેશ કરીને સુત્રોચ્ચાર કર્યા હતા. ઍક બાજુ કોર્ટ બંધ કરવાની રજુઆત થતી હોય બીજી બાજુ કોર્ટો ચાલુ રાખવાની વકીલો માંગણી કરતા હોય વકીલોમાં બંને તરફી વાતાવરણ ઉભુ થઇ રહયું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. રપ :.. કોરોનાના કારણે છેલ્લા એક વર્ષથી બંધ રહેલ અદાલતોમાં ન્યાયાધીશો અને કોર્ટ સ્ટાફને કોરોના પોઝીટીવ થતાં આજે રાજકોટના કેટલાંક વકીલો દ્વારા  કોર્ટો બંધ નહિ કરવા સહિ ઝૂંબેશ હાથ ધરી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગઇકાલે બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણી દ્વારા રાજકોટની સીવીલ કોર્ટ, ફેમેલી કોર્ટમાં કોરોનાના કારણે બંધ કરવા રજાુઆત કરી હતી. આજે વકીલો સિવાય પક્ષકારો - અસીલોએ કોર્ટમાં સ્વૈચ્છીક પ્રવેશબંધી ફરમાવાઇ હતી.

તો આજે બીજી બાજુ બાદ કાઉન્સીલના પ્રમુખ દિલીપભાઇ પટેલે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસશ્રીને પત્ર પાઠવી ન્યાયાલયમાં ન્યાયાધીશો, કોર્ટ સ્ટાફને કોરોનાના થાય તો અદાલતો બંધ નહિ કરવા પત્ર પાઠવેલ છે. આજે કેટલાંક વકીલો દ્વારા કોર્ટ બંધ નહિ કરવા સુત્રોચ્ચાર પણ કરાયાનું જાણવા મળે છે.

ગુજરાત રાજયની કોર્ટ સિવાયની તમામ  સરકારી કચેરીઓના કર્મચારી - અધિકારીઓને કોરોના થતો હોવા છતાં કોઇપણ કચેરીઓને બંધ કરવામાં આવેલ નથી છેલ્લી એક વર્ષથી વકીલોના વ્યવસાય ઉપર માઠી અસર ઉભી થયેલ છે.

વધુમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર દિલીપભાઇ પટેલે જણાવેલ છે કે, કોરોના હવે લાંબો સમય ચાલે તેમ છે ત્યારે ન્યાયાધીશોએ ડર કાઢીને કાર્યવાહી ચાલુ રાખવી જોઇએ હવે તો કોરોના વેકસીન પણ આવી ગયેલ છે. ત્યારે દરેકને વેકસીન આપી કોર્ટ કાર્યવાહીને અટકાવવી જોઇએ નહિ.

છેલ્લા એક વર્ષની કોર્ટો બંધ હોય પહેલાં વકીલો કોર્ટો શરૂ કરવા ઘણાં સહિતનાં આંદોલન કર્યા હતાં. જયારે હવે બાર એસો. હોદેદારો દ્વારા કોર્ટ બંધ કરવાની રજૂઆત કરતાં કેટલાંક વકીલોએ સહિ ઝૂંબેશ આદરી અદાલતોને ચાલુ રાખવા માગણી કરી રહ્યા છે.

દરમ્યાન હાલના પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં લઇને વકીલો પક્ષકારોને કોર્ટમાં બોલાવવા નહિ તેમજ તારીખ લઇ લેવી તેવી સુચના આપવામાં આવી હતી. જો કે, આજે ગેઇટ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અને આજે અને આવતીકાલે પક્ષકારોને કોરોના મહમારીને ધ્યાનમાં લઇને કોર્ટમાં પ્રવેશવું નહિ અને પોતપોતાના પક્ષકારોને કોર્ટે આવવું નહિ તેવી સુચના આપવા વકીલો દ્વારા તેમના પક્ષકારોને સુચના આપવામાં આવી હતી.

છેલ્લા બે દિવસ દરમ્યાન કુલ ૧૦ જણા કોરોના સંક્રમીત થયેલ છે. રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણીએ જણાવેલ કે, એડવોકેટ સિવાય કોઇએ કોર્ટમાં પ્રવેશવું નહિ. તેવી સુચના મળેલ હોય પક્ષકારોને કોર્ટમાં સ્વૈચ્છીક પ્રવેશબંધી ફરમાવાઇ છે.

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર દિલીપ પટેલના ચીફ જસ્ટીસને પત્ર લખી જણાવેલ છે કે લખી જણાવેલ છે કે સમગ્ર વિશ્વ છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીના હેઠળ જીવી રહેલ હતા અને આ સમય દરમ્યાન અસંખ્ય લોકોના મૃત્યુ પણ થયેલ હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસથી કોરોના મહામારી સામે વેકસીનની શોધ ભારત દેશે પ્રથમ કરી અને સારૂ પરીણામ આવેલ હતું.

ગુજરાત અને દેશની અંદર પ્રથમ ચાર પાંચ મહીના બાદ સમગ્ર સરકારી કચેરીઓ કાર્યરત થયેલ હતી અને કોરોના મહામારી હેઠળ જીવતા શીખી લીધું હતું. અને ડર વગર તેઓ પોતાની ફરજ સરકારી નોકરીમાં બજાવતા હતા. માત્ર ગુજરાત હાઇકોર્ટ  દ્વારા ન્યાયધીશો અને સ્ટાફ કોરોના મહાારીનો ડર અનુભવી રહેલ હતી અને ન્યાય મંદિરો લાંબો સમય બંધ રાખેલ હતા.

હાલમાં કોરોના મહામારી કાબુમાં છે. ગુજરાતની અદાલતો ધીરે ધીરે કાર્યરત થઇ રહેલ છે. પરંતુ ગુજરાતમાં કોઇ અદાલતોમાં જજ કે કોર્ટના સ્ટાફને કોરોના પોઝીટીવ આવે તો અદાલતોમાં કામકાજ બંધ કરી દેવાય છે. સામાન્ય રીતે આવા સંજોગમાં કોર્ટો બંધ નહી કરો અન્ય જજને ચાર્જ આપી અને અદાલત ચાલુ રાખવી જોઇએ તેવું માનવું છે.

 જો હાઇકોર્ટ અને અદાલતોને કોરોના મહામારીનો ડર હોય તો તમામે વેકસીન લઇને પણ રાજયની તમામ કચેરીની જેમ કામ કરવું જોઇએ અને હાલમાં લોક અદાલતો પણ ડર હોય તો બંધ કરી દેવી જોઇએ. અન્યથા કોર્ટમાં કેસોનો ભરાવો જોતા રેગ્યુલર કામ કરવુ જોઇએ અને વધતા લાખો પેન્ડીંગ કેસોનો ભરાવો દુર કરવો જોઇએ તે માટે  હાઇકોર્ટ દ્વારા યોગ્ય આદેશ કરવા માટે ગુજરાતના વકીલોના હીતમાં વિનંતી છે.

ચીફ કોર્ટ બિલ્ડીંગ અને ફેમીલી કોર્ટ બિલ્ડીંગમાં બે દિવસ માટે પક્ષકારોને પ્રવેશબંધી : ડિસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગમાં પક્ષકારો આવી શકશેઃ પક્ષકારો વતી વકીલો રજુઆત કરી શકશે

રાજકોટ, તા., ૨૫: રાજકોટ ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા અપાયેલ સતાવાર માહીતી મુજબ માત્ર ચીફ કોર્ટ બિલ્ડીંગ અને ફેમીલી કોર્ટ બિલ્ડીંગમાં સામાન્ય જનતા એટલે કે પક્ષકારો અસીલોને આજે અને આવતીકાલ એમ બે દિવસ માટે કોર્ટમાં પ્રવેશવાની મનાઇ ફરમાવવામાં આવેલ છે. જો કે વકીલો કોર્ટમાં પ્રવેશી શકશે. કોર્ટમાં રાબેતા મુજબ કાર્યવાહી ચાલુ હોય અસીલો વતી વકીલો કોર્ટમાં પ્રવેશી શકશે. કોર્ટમાં રાબેતા મુજબ કાર્યવાહી ચાલુ હોય અસીલો વતી વકીલો કોર્ટમાં રજુઆત  કરી શકશે.

સેસન્સ એન્ડ ડિસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગમાં વકીલ ઉપર પક્ષકારોને પણ પ્રવેશવાની મંજુરી આપવામા આવી છે. ડિસ્ટ્રીકટ કોર્ટમાં કોરોનાના કોઇ કેસ ન હોય વકીલો અને પક્ષકારો બંન્નેને પ્રવેશવાની છુટી આપવામાં આવેલ હોવાનું ડીસ્ટ્રીકટ કોર્ટના સતાવાર અધિકારીઓએ જણાવ્યું હતું.

(4:42 pm IST)