Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા ફરમાવતી કોર્ટ, ચેક રકમનું વળતર પણ ચુકવવા કોર્ટનો હુકમ

રાજકોટ તા. રપઃ ચેક રિટર્ન કેસના આરોપી જતીનભાઇ શાંતીલાલ ફળદુને એક વર્ષની સજા અને વળતર આપવા ફોજદારી કોર્ટે હુકમ કર્યો હતો. વધુમાં ચેક જેટલી રકમનું વળતર ૬૦ દિવસમાં ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ કોર્ટે ફરમાવેલ હતો.

આ કેસની હકીકત એવી છે કે આરોપી જતીનભાઇ શાંતીલાલ ફળદુએ ફરીયાદ કૃણાલ ઉમેદભાઇ જરીયા પાસેથી મિત્રતાના સંબંધે જુલાઇ-ર૦૧૮માં અંગત કામ સબબ રૂ. ૧,૦૦,૦૦૦/- હાથ ઉછીના લીધેલા બાદ આરોપીએ તે રકમની ચુકવણી પેટે ચેક આપેલો  જે ચેક ફરીયાદીએ વટાવવા નાંખતા ફંડ ઇન સફિશ્યન્ટના શેરા સાથે વટાવાયા વગર પરત ફરતા ફરીયાદીએ પોતાના એડવોકેટ મારફત એક મુજબની રકમ ચુકવવા અંગેની નોટીસ આપેલ. જે નોટીસ આરોપી બજી જતાં છતાં નોટીસમાં જણાવ્યા મુજબના સમયમાં રકમ ન ચુકવતા ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ ધી નેગોશ્યેબલ એકટ મુજબની ફરીયાદ દાખલ કરેલ હતી.

આ કામે ફરીયાદીની ફરીયાદ ચાલી જતા ફરીયાદી તરફે રજુ કરવામાં આવેલ પુરાવા તથા ફરીયાદીના એડવોકેટ હિતેષ આર. ભાયાણીની દલીલો તથા સુપ્રિમ કોર્ટ તથા હાઇકોર્ટના રજુ રાખેલા ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે આરોપી જતીનભાઇ શાંતીલાલ ફળદુને એક વર્ષની સજા તથા ચેક રકમ મુજબની રકમ વળતર તરીકે ચુકવવા તેમજ જો વળતર દિન-૬૦માં ન ચુકવે તો વધારાની ૬ માસની સજાનો હુકમ કોર્ટે ફરમાવેલ હતો.

આ કામમાં ફરીયાદી કૃણાલ ઉમેદભાઇ જરીયાવતી રાજકોટના ધારાશાસ્ત્રી હિતેષ આર. ભાયાણી તથા કોમલ કોટક રોકાયેલા હતા.

(3:28 pm IST)