Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ધર્મદર્શન એપાર્ટમેન્ટમાં નેહા પિત્રોડાનો ચહેરો બગાડવાનો પ્રયાસ અને લૂંટના ગુનામાં સામેલ અફઝલ પકડાયો

૮મીએ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં જ્યાં નેહા રહે છે ત્યાં જ વૃદ્ધાનો ચેઈન અને પ્રૌઢના મોબાઈલની લૂંટ ચલાવી હતીઃ ભકિતનગર પોલીસે વંથલીના અફઝલ ઘાંચીની ધરપકડ કરીઃ બે દિ'ના રિમાન્ડ પર

રાજકોટ, તા. ૨૫ :. ધર્મદર્શન એપાર્ટમેન્ટમાં રહેતી નેહા નામની યુવતિનો ચહેરો બગાડવા માટે આવેલા ત્રણ શખ્સોએ યુવતી ન મળતા ત્યાં વૃદ્ધાના સોનાની માળા અને પ્રૌઢના મોબાઈલની લૂંટ ચલાવવાના પ્રકરણમાં વધુ એક શખ્સની ભકિતનગર પોલીસે ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ ધર્મદર્શન એપાર્ટમેન્ટમાં ગત તા. ૮-૩ના રોજ શારદાબેન મનસુખભાઈ આશર (ઉ.વ. ૭૨) નામના લોહાણા વૃદ્ધાના ગળામાંથી ૩૦ હજારની સોનાની માળા તેમજ નરેન્દ્રભાઈ નામના પ્રૌઢના ફોનની લૂંટ ચલાવવાના બનાવમાં ભકિતનગર પોલીસે સુરતનો ચેતન હસમુખ રાઠોડ (ઉ.વ. ૨૮) અને અનમોલ રમેશભાઈ વાળા (ઉ.વ. ૧૯)ની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં પોલીસે બન્નેની પૂછપરછ કરતા અગાઉ જમીન કૌભાંડ સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા બિલ્ડર કમલેશ રામાણીએ પોતાની જૂની દુશ્મન એવી નેહા નામની યુવતીનો ચહેરો બગાડી નાખવાની સોપારી આપી હોવાનું બહાર આવ્યું હતુ. જો કે તે વખતે યુવતી એપાર્ટમેન્ટમાં હાજર ન હોય તેથી ત્રણેય શખ્સોએ વૃદ્ધાની માળા અને મોબાઈલની લૂંટ ચલાવી હતી. આ પ્રકરણમાં અફઝલ નામનો શખ્સ ભાગી ગયો હતો. દરમ્યાન ગઈકાલે ભકિતનગર પોલીસ મથકના પીએસઆઈ ધાંધલ્યા તથા રાઈટર પ્રવિણભાઈએ વંથલી અખેડા સોલંકી પાવર લોન્ડ્રી સામે રહેતો અફઝલ ઈબ્રાહીમ ઉર્ફે બરી અમરેલીયા (ઉ.વ. ૨૧) (ઘાંચી)ની ધરપકડ કરી હતી. પોલીસે તેની પૂછપરછ કરતા તે કાવતરામાં અને લૂંટમાં સામેલ હતો. પોલીસે તેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

(4:25 pm IST)