Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

યુપીએસસી, જીપીએસસી માટે પત્રકાર હેમેન ભટ્ટના વિદ્યાર્થીઓ, યુવાનો માટે બહુ ઉપયોગી પુસ્તકો

'લક્ષ્યવેધ', 'ફલાઈંગ કલર્સ', 'ટારગેટ- જીપીએસસી': ''ફલાઈંગ કલર્સ''- પુસ્તકની તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ પ્રશંસા કરી છે

રાજકોટઃ વરિષ્ઠ પત્રકાર હેમેન ભટ્ટના વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષા આપવા ઈચ્છતા યુવાઓ માટે બહુ ઉપયોગી એવા ત્રણ પુસ્તકો આપ્યા છે. જેના થકી ઘણાં વિદ્યાર્થીઓ અને યુવાઓને પ્રેરણારૂપ માર્ગદર્શન મળ્યું છે.

હેમેન ભટ્ટના આ પુસ્તકોમાં (૧) લક્ષ્યવેધઃ- જેની  ૪ આવૃતિ પ્રસિધ્ધ થઈ ચુકી છે, (૨) ફલાઈંગ કલર્સ- જે લક્ષ્યવેધનો અંગ્રેજી અનુવાદ છે. તેમજ, (૩) ટારગેટ જીપીએસસી આ ત્રણ પુસ્તકો વિદ્યાર્થીઓ અને યુવાનોને જીપીએસસી તથા યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખુબ સારૂ માર્ગદર્શન આપી શકે તેમ છે.

હેમેન ભટ્ટ 'ફૂલછાબ'માં 'યુથફન્ડા' કોલમમાં યુપીએસસી પરીક્ષા આપીને આઈએએસ, આઈપીએસ, આઈએફએસ, આઈઆરએસ બનેલા અધિકારીઓની સંઘર્ષ ગાથા અને સફળતા ગાથા આલેખેલ છે. તેમના આ લેખોનો સંગ્રહ ''લક્ષ્ય વેધ''માં જોવા મળે છે. જે યુવાનો અંગ્રેજી મીડિયમમાં ભણે છે. એમના માટે તેમણે ''લક્ષ્યવેધ''નું અંગ્રેજી સંસ્કરણ ''ફલાઈંગ કલર્સ'' રૂપે આપ્યું છે.

હવે જીપીએસસી પણ યુપીએસસી જેવી જ બની રહી છે, યુવાનો જીપીએસસી ભણી વળી રહ્યા છે, એ ધ્યાને રાખીને હેમેન ભટ્ટે તાજેતરમાં ''ટારગેટ જીપીએસસી'' પુસ્તક આપ્યું છે. તેમાં જીપીએસસી પરીક્ષા આપીને કલાસ-૧ ઓફિસર બનેલા ડેપ્યુટી કલેકટર, ડીવાયએસપી, જિલ્લા રજિસ્ટ્રાર સહિતના અધિકારીઓની મુલાકાતો રજૂ કરી છે.

હેમેન ભટ્ટે અત્યાર સુધીમાં ૪૦૦ થી વધુ યુપીએસસી પાસ ઉમેદવારો અને ૨૦૦ જેટલા જીપીએસસી પાસ ઉમેદવારોની મુલાકાતો લઈ ચૂકયા છે.

હેમેન ભટ્ટના પુસ્તક ''લક્ષ્ય વેધ''ની પહેલી આવૃત્તિનું વિમોચન વિદ્યાનગરમાં સી.એલ.પટેલની ઉપસ્થિતિમાં પૂર્વ ચીફ સેક્રેટરી પ્રવીણભાઈ લહેરીના હસ્તે થયું હતું. બીજી આવૃત્તિનું વિમોચન ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલના હસ્તે થયુ હતું. ત્રીજી આવૃત્તિનું વિમોચન મ્યુનિ.કમિશ્નર- આઈએએસ વિજય નહેરાના હસ્તે થયું હતું. જયારે  ચોથી આવૃત્તિનું વિમોચન બેંગ્લોરમાં કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળાના હસ્તે થયુ હતું.ફલાઈંગ કલર્સનું 'લક્ષ્ય વેધની' અંગ્રેજી આવૃતિ વિમોચન  મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે થયુ હતું. હેમેન ભટ્ટે આ પુસ્તક દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મોકલ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ પુસ્તક વાંચીને ખુબ ખુશ થયા હતાં. એમણે હેમેન ભટ્ટને આ પુસ્તક માટે અભિતંદન આપતા પત્રમાં જણાવ્યું હતું કે, આપણાં દેશની યુપીએસસી જેવી અઘરી ગણાતી પરીક્ષાઓ આ ઉમેદવારોએ કેવી સહજતાથી, સરળતાથી પાસ કરી છે. તેનું તાદ્રશ્ય વર્ણન આ પુસ્તકમાં છે. આ પુસ્તક આપણાં યુવાઓને બહુજ પ્રેરણારૂપ બની રહેશે એ નિશંક છે. એમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પત્રના અંતમાં જણાવ્યું હતું.

જીપીએસસીના સભ્ય રહી ચુકેલા 'ટારગેટ- જીપીએસસી' પુસ્તકનું વિમોચન  જીટીયુના કુલપતિ ડો.નવીનભાઈ શેઠના હસ્તે થયુ હતું. આ અવસરે કુલપતિ ડો.શેઠે એવુ જણાવ્યું હતું કે, અત્યાર સુધી આપણા યુવાનો આવી સ્પર્ધાત્મક પરીક્ષા બહુ આપતા ન હતાં. પરંતુ હેમેન ભટ્ટના લેખો અને આવા પુસ્તકો વાંચીને યુવાનો હવે યુપીએસસી- જીપીએસસી જેવી અઘરી પરીક્ષાઓ આપવા લાગ્યા છે અને પાસ પણ થવા લાગ્યા છે.

આ પુસ્તકો અંગે વધુ વિગતો માટે હેમેન ભટ્ટ (મો.૯૪૨૬૯ ૦૭૫૯૯)નો સંપર્ક કરવા જણાવાયું છે.

(3:47 pm IST)