Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ગુજરાતી ફિલ્મ 'ચાલ જીવી લઇએ'ના બેકગ્રાઉન્ડ સ્કોર તૈયાર કરવાનો શ્રેય રાજકોટના રાજીવ ભટ્ટને

રાજેશ્રી એન્ડ પાર્ટીવાળા રાજશ્રીબેન અને જીતેન્દ્રભાઇ ભટ્ટના પૂત્ર થાય છે : કી બોર્ડ પ્લેયર અને મ્યુઝિક એરેન્જર તરીકે દેશ વિદેશમાં અનેક શો કર્યા

રાજકોટ તા. ૨૫ : અપાર લોક ચાહના મેળવી આઠમાં સપ્તાહમાં પ્રવેશી ચુકેલ ગુજરાતી ફિલ્મ 'ચાલ જીવી લઇએ' ના બેકગ્રાઉન્ડ સ્કોર તૈયાર કરવાનો શ્રેય રાજકોટના રાજીવ ભટ્ટના ફાળે જાય છે.

છેલ્લા ૪૦ વર્ષથી સંગીત ક્ષેત્રે દેશ વિદેશમાં પ્રોગ્રામો આપનાર રાજેશ્રી એન્ડ પાર્ટીવાળા રાજેશ્રીબેન અને જીતેન્દ્રભાઇ ભટ્ટના પુત્ર એવા રાજીવભાઇ છેલ્લા રર વર્ષથી મુંબઇને કર્મભૂમી બનાવી મ્યુઝીક ક્ષેત્રને ધમરોળી રહ્યા છે.

મુંબઇમાં આવી કીબોર્ડ પ્લેયર સંભાળી ૧હજારથી વધુ શો દેશ વિદેશમાં કર્યા. લાઇવ સ્ટેજ શોની સાથે ઘણા બધા આલ્બમ અને ફિલ્મ સોંગ માટે પણ મ્યુઝીક પ્રોગ્રામીંગ અજમાવ્યુ. અવની દવે સાથે લગ્ન થયા. સંગીત વિશારદ પત્નિ અવનીના સંગાથે સંગીતની દુનિયામાં ઉતરોતર પ્રગતિ હાંસલ કરી. મુંબઇ રંગમંચના સંજય ગોરડીયાનો સંપર્ક થયો અને તેઓએ વિપુલ મેહતાનો સંપર્ક કરાવ્યો. બસ પછી તો અનેક નાટકોમાં બેક ગ્રાઉન્ડ મ્યુઝીક સંભાળવાની તક મળતી ગઇ.

એ રીતે ટેલીવિઝન ફિલ્મો અને ટી.વી. સીરીયલોમાં પણ બેક ગ્રાઉન્ડ મ્યુઝીક અને બેકગ્રાઉન્ડ મ્યુઝીક સ્કોરનું કામ બખુબીપૂર્વક સંભાળ્યુ. એ રીતે હાલ ખુબ પ્રસિધ્ધી મેળવી જનાર ગુજરાતી ફિલ્મ ચાલ જીવી લઇએમાં પણ બેક ગ્રાઉન્ડ સ્કોર આપી રાજીવ ભટ્ટે અપાર લોકચાહના હાંસલ કરી છે.

(3:44 pm IST)