Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

જિલ્લા પંચાયતના ડઝનેક બાગીઓ ભાજપના દ્વારેઃ કોંગી શાસન પર ખતરો

લોકસભાની ચૂંટણી ટાણે જ ભાજપ ઘા કરવાની તૈયારીમાં: આજે સામાન્ય સભા બાદ બાગીઓની બેઠકમાં રણનીતિ ઘડાઈઃ ભાજપના બે સભ્યો ચૂંટાયેલા છેઃ અગાઉ બાવળિયા જુથના ૬ સભ્યો ભાજપમાં જોડાયેલા તેના સહિત ૧૧ સભ્યો સામે પક્ષાંતર ધારાનો કેસ ચાલે છેઃ કાલે બીજા ૧૧ જોડાય તો ભાજપની સાદી બહુમતી (૧૯ સભ્યો) થઈ જાયઃ ફરી અવિશ્વાસ દરખાસ્તના લબકારા

રાજકોટ, તા. ૨૫ :. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ શાસન પર વધુ એક વખત સંકટના વાદળો ઘેરાય તેવા એંધાણ છે. કોંગ્રેસના બાગીઓ ભાજપમાં જોડાઈ કોંગ્રેસને આંચકો આપવાની તૈયારીમાં છે. આજે સામાન્ય સભા પૂર્ણ થયા બાદ પંચાયતમાં બાગી જુથની બેઠક મળેલ. જેમાં આવતીકાલે ભાજપના વિજય વિશ્વાસ સંમેલન પ્રસંગે કેસરીયો ખેસ ધારણ કરવાનું નક્કી થયુ હતું. જો આજે નક્કી થયા મુજબ કોંગ્રેસના બાગી સભ્યો આવતીકાલે ભાજપમાં જોડાઈ જાય તો પંચાયતમાં કોંગ્રેસના શાસન પર જોખમ સર્જાશે.

૨૦૧૫ની સામાન્ય ચૂંટણી વખતે ૩૬ પૈકી માત્ર બે જ સભ્યો ભાજપના ચૂંટાયેલા. ગયા જુલાઈ મહિનામાં સમિતિઓની રચના વખતે ભાજપ પ્રેરીત બળવાથી ૨૨ સભ્યો કોંગ્રેસથી વિમુખ થયેલ. જેનુ અત્યારે સમિતિઓમાં સામ્રાજ્ય છે. તે પૈકી ૧૦ જેટલા સભ્યો પાર્ટી લાઈનમાં પાછા ફરેલ. ૧૨ સભ્યો સામે નામોનિર્દેશ અધિકારી સમક્ષ પક્ષાંતર ધારાનો કેસ ચાલે છે. તેની મુદત ૨૯ માર્ચની છે. અગાઉ જસદણની પેટાચૂંટણી વખતે બાવળિયા જુથના ૬ કોંગી સભ્યો ભાજપમાં જોડાયેલા. હાલ ભાજપનું સંખ્યા બળ ૮ સભ્યોનું છે. જો ૧૦ થી ૧૨ સભ્યો કાલે ભાજપમાં જોડાય તો ભાજપ પાસે સાદી બહુમતી માટે જરૂરી ૧૯ સભ્યોનું બળ થઈ જશે. પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મુકવા માટે ઓછામાં ઓછા ૨૪ સભ્યોના બળની જરૂર પડે. જો લોકસભાની ચૂંટણી પૂર્વેનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડે તો નજીકના ભવિષ્યમાં જ અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરવાનો ભાજપનો ઈરાદો છે.

બાગી જુથમાં પૂર્વ પંચાયત પ્રમુખ નિલેશ વિરાણી, કારોબારી અધ્યક્ષ રેખાબેન પટોળિયા વગેરેનો સમાવેશ થાય છે. બાગી જુથ પૈકી મોટા ભાગના સભ્યો ભાજપ તરફ ઢળ્યા છે. પંચાયતના રાજકારણમાં વધુ એક વખત ગરમાવો આવી ગયો છે.

(3:38 pm IST)