Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

શિવરાજ પટેલ લોકસભા ચૂંટણી નહી લડે

ચોતરફથી જામેલ આગ્રહભરી વિનંતીને નરેશભાઈના પરિવારે વિનમ્રતાથી કહી દીધી ના...: ખોડલધામના માધ્યમથી સામાજીક ઉત્થાનના કાર્યોમાં જ યોગદાન આપવા પરિવારના વડીલોની સલાહ

રાજકોટ, તા. ૨૫ :. છેલ્લા ઘણા દિવસોથી જાહેરમાં ચર્ચાતા અહેવાલોને અંતે પટેલ બ્રાસ પરિવારના મોભીઓએ વિનમ્રતાથી ખંડન કરતા જણાવ્યું છે કે પરિવારના મુખ્ય સામાજીક પ્રણેતા રવજીભાઈ પટેલના આદર્શોને જ ધ્યાને લઈને પાટીદાર સમાજ સહિતના સમાજોના ઉત્થાન માટે જ યોગદાન આપી ખોડલધામ ટ્રસ્ટના માધ્યમથી ધાર્મિક અને સામાજીક કાર્યોને જ આગળ ધપાવવાના શુભ હેતુથી શિવરાજ નરેશભાઈ પટેલ કે નરેશભાઈ પટેલ રાજકારણમાં સક્રિય થઈ લોકસભાની બેઠક લડવાનો કોઈ નિર્ણય નહી લ્યે. શિવરાજ પટેલ રાજકોટ લોકસભા બેઠક લડી રહ્યો છે તે વાતનું સત્તાવાર ખંડન થયું છે.એમ મનાય છે કે વિવિધ રાજકીય પક્ષોએ પણ જો શિવરાજ પટેલ ચૂંટણી લડે તો તેમનો પક્ષ ગંભીરતાપૂર્વક આગળ વધી શકે છે. આ ઉપરાંત ખોડલધામ પરિવારની યુવા બ્રિગેડ પણ શિવરાજ પટેલ ચૂંટણી લડે તે માટે પટેલ પરિવાર ઉપર દબાણ લાવી રહી હતી પરંતુ તમામ આગ્રહને બે હાથ જોડીને વિનમ્રતાપૂર્વક દરગુજર કરવા કહી દેવાયું હોવાનું જાણ વા મળે છે.

નરેશભાઈ પટેલના પરિવારના નજીકીદી સૂત્રોમાંથી જાણ વા મળતી મુજબ છેલ્લા બે ત્રણ દિવસથી શહેરમાં લાગેલા પોસ્ટરો, ન્યુઝ મીડીયાના અહેવાલો, રાજકીય આગેવાનોની વિનંતી સહિતની બાબતો અંગે પરિવારના અત્યંત સાદગી, સાબરા અને અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા મોભી રમેશભાઈ પટેલ, મહેશભાઈ પટેલ તથા નરેશભાઈ પટેલે તમામ મિત્રો, સ્નેહીઓ, સગાસંબંધી વિગેરેને લાગણી બદલ આભાર વ્યકત કરી વિનમ્રતાથી આવી બાબત શકય નહીં હોવાનું કહી દીધુ છે.

રાજકોટના રાજવી સદ્ગત મનોહરસિંહજી જાડેજા સાથે અંગત લાગણીસભર સંબંધો ધરાવતા અને લેઉવા પાટીદાર સમાજના મુઠીઉચેરા માનવી સદ્ગત રવજીભાઈ પટેલના સિદ્ધાંતો અને કર્મઠ જીવનના આદર્શોને આગળ ધપાવવાના એક માત્ર ઉદ્દેશથી જ જાહેર જીવનમાં રહેવાની વાતને વળગી રહેવાની લાગણી અંગત વર્તુળો સમક્ષ વ્યકત કરાઈ છે.

એમ કહેવાય છે કે, સાંપ્રત પરિસ્થિતિની ચર્ચાઓ અંગે ઘરના મોભીઓ સાથે અનૌપચારી મીટીંગમાં ચર્ચાઓ થયાનું અને શિવરાજ પટેલ ચૂંટણી લડશે કે લડવા ઉત્સુક છે ? તે વાતનું ખંડન કરી પરિવાર માત્ર ધાર્મિક તથા સેવાકીય ક્ષેત્રે જ કાર્યરત રહેવાનું હાલ વિચારી શકે તેવી વાત કહેવામાં આવી છે. ગઈકાલ સાંજથી જ નરેશભાઈ કે શિવરાજ પટેલ રાજકીય ક્ષેત્રે સક્રિય થવાની ચર્ચા ઉપર પરિવારે પૂર્ણવિરામ મુકી દીધુ છે.

(11:47 am IST)