Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

હોળીમાં થયેલા ડખ્ખાઓનો ખાર રાખી પ્રદિપ મકવાણા પર આઠ શખ્સોનો હુમલો

શીવરાજ વાળા, તેનો ભાઇ સહિત આઠ શખ્સો સામે રાયોટ અને એટ્રોસીટીનો ગુનો

રાજકોટઃ કુવાડવા  ગામમાં હોળીના દિવસે કાર ધીમી ચલાવવા પ્રશ્ને થયેલા ડખ્ખાનો ખાર રાખી કાઠી દરબાર બંધુ સહિત આઠ શખ્સોએ વણકર યુવાનને માર મારી હડધૂત કરી છરી ઝીંકી દેતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રફાળા ગામમાં રહેતા પ્રદિપભાઇ મનસુખભાઇ મકવાણા (ઉ.વ.રર) ગઇ કાલે કુવાડવા ગામ શકિત હોટલ સામે હતા ત્યારે ફાળદંગ ગામનો શીવરાજ ધીરુભાઇ વાળા તેનો ભાઇ તથા છ અજાણ્યા શખ્સોએ આવી પ્રદિપભાઇ તથા તેના ભાઇ મહેન્દ્રભાઇને ગાળો આપી ઝઘડો કરી ઉશ્કેરાઇને પ્રદિપભાઇને  વાંસામા છરીના બે ઘા ઝીંકી દીધા હતા. અને મહેન્દ્રભાઇને માથામા તથા પગમાં પાઇપ મારી ઇજા કરી હતી. અને ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી નાસી ગયા હતા. બાદ બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવમાં હોળીના દિવસે રફાળા ગામમાં પ્રદિપભાઇના ઘર પાસે હોળી પ્રગટાવેલ હતી ત્યારે શીવરાજ વાળા ફોરવ્હીલ લઇને ત્યાંથી  પૂરઝડપે પસાર થતા તેને કાર ધીમી ચલાવવા બાબતે ઠપકો આપતા તેનો ખાર રાખી હુમલો કર્યો હતો.  આ અંગે કુવાડવા રોડ પોલીસે પ્રદિપભાઇની ફરિયાદ પરથી આઠ શખ્સો સામે એટ્રોસીટી તથા રાયોટની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

(12:25 pm IST)