Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

રોટરી દ્વારા ૭ મીએ વર્ચ્યુઅલ સાયકલોફન

ઓનલાઇન જોડાયા બાદ તમારી પસંદગીના સ્થળે સાઇકલ ચલાવી ભાગ લઇ શકાશ : બાન લેબના સહયોગથી પ્રતિ કિ.મી. લેખે દવાનું વિતરણ : ઓનલાઇન ફ્રી રજીસ્ટ્રેશન : મેડલ માટે શુલ્કની વ્યવસ્થા

રાજકોટ તા. ૨૫ : સ્વાસ્થ્ય અને પર્યાવરણ ફ્રેન્ડલી સાયકલ સામાન્ય માણસના જીવનનો મહત્વનો હિસ્સો છે. જે ખુબજ સામાન્ય મેઈનટેનેન્સની સાથેનું પરિવહનનું માધ્યમ છે. રાજકોટવાસીઓ પણ સાયકલ તરફ પ્રેરીત થાય તેવા હેતુથી સાયકલોફનની ૫ મી સીઝનનું આયોજન કરવામાં આવ્યું છે.

રોટરી ડિસ્ટ્રિકટ ૩૦૬૦ તેમજ રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉનના સહયોગથી વર્ચુઅલ સાયકલોફન ૨૦૨૧ ઇવેન્ટ આગામી ૭ માર્ચે યોજાશે.

આ સાયકલોફનની વિશેષતા એ છે કે પ્રતિ કિલોમીટર માટે જે સ્પર્ધકો સાયકલ ચલાવશે તેમને રોટરી ૩૦૬૦ અને ઇવેન્ટના મુખ્ય આયોજક એવા બાનલેબ તરફથી પ્રતિ કિલોમીટર દીઠ ૧ રૂ. ની દવા આપવામાં આવશે તેમજ એલીગન્ટ વેલ્થ મેનેજમેન્ટ દ્વારા પણ આ ઇવેન્ટમાં કો સ્પોન્સર દ્વારા યોગદાન આપવામાં આવેલું છે. અર્થાત જો સ્પર્ધકો ૧ લાખ કી.મી. સાયકલ ચલાવશે તો તેના વળતર સ્વરૂપે રૂ. ૧ લાખની દવા રોટરી કલબ દ્વારા આપવામાં આવશે અને બદલામાં રોટરી કલબ દ્વારા આ દાનની રકમમાંથી જરૂરીયાતમંદ વર્ગના લોકોને દવાઓ સહિતની પાયાની સવલતો પ્રદાન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રોટરી ડિસ્ટ્રિકટ ૩૦૬૦ માં ૧૦૦ થી વધુ રોટરી કલબ્સ છે જેમાં ૪૮૦૦ સભ્યો જરૂરિયાતમંદ લોકોને જીવન આવશ્યક ચીજો પ્રદાન કરવા માટે કાર્યરત છે. વર્ષ ૨૦૨૦-૨૧ ના રોટરી ડિસ્ટ્રિકટ ૩૦૬૦ નું સંચાલન ડીજી રોટે. શ્રીમાન પ્રશાંત જાની દ્વારા કરવામાં આવશે. દાનના આ સુખદ કાર્યમાં સહભાગી થવા ઇચ્છતા લોકો માટે આ સુંદર અવસર છે.

રોટરી મિડટાઉન લાઇબ્રેરી દ્વારા શરૂ કરાયેલ આ વર્ચ્યુઅલ ઇવેન્ટ સમગ્ર દેશમાં સેવા અને સ્વાસ્થ્યનો એક નવો અધ્યાય રચશે. રાજકોટ સાયકલ કલબની વાત કરીએ તો આ સંસ્થાની સાથે બાળકોથી લઈને વડીલો હોંશભેર જોડાયેલા છે. ત્યાં રાજકોટના સાઇકલ પ્રેમીઓ દ્વારા નિયમિત પણે સાઇકલ ચલાવીને સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાનો સંદેશ આપવામાં આવે છે.

સાયકલોફન ૨૦૨૧ માં ભાગ લેવા માટે  કેટલીક માર્ગદર્શિકા ઘડવામાં આવી છે. તા. ૦૭/૦૩/૨૦૨૧ ના રોજ તમે તમારી અનુકૂળતા અનુસાર ઘરના પટાંગણમાં કે તમારા ઘરની આસપાસના વિસ્તારમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાને અનુસરીને સાઇકલ ચલાવવાની રહેશે.

આ સ્પર્ધામાં ભાગ સ્પર્ધકો એ Google Fit, Strava, Garmin, Runtastic, Runkeeper, Map My Run, Samsung Health, Apple Activity   વગેરે જેવી એપીકેશનના માધ્ય્મથી પોતાની સાઇકલ ચલાવવી એકટીવીટીને રેકોર્ડ કરીને મોકલવાની રહેશે.

ભાગ લેનારાઓને સ્પર્ધકોને એક ઇમેઇલની લિંક પ્રાપ્ત થશે, જેમાં સ્પર્ધકોએ સવારી પૂર્ણ કર્યા પછી તેનો સ્ક્રીનશોટ અપલોડ કરવાનો રહેશે.  આ સ્ક્રીનશોટ અપલોડ કરવાની લિંક ૦૭/૦૩/૨૦૨૧ થી ઓનલાઇન થશે.

સ્પર્ધકો અહીં રાઇડનો  માત્ર એક જ સ્ક્રીનશોટ અપલોડ કરવાનો રહેશે. ઇ-સર્ટિફિકેટ અને મેડલ મેળવવા માટે ડેટા સબમિશન આવશ્યક છે, મેડલ આપવું એ સ્પર્ધકો દ્વારા ચૂકવવામાં આવતી આવશ્યક ફીને આધિન રહેશે.

 આ સ્પર્ધામાં ઈ-સર્ટીફેટ રાઇડ ટિકિટ તદ્દન નિઃશુલ્ક છે. મેડલ મેળવવા માટે સ્પર્ધકોએ પ્રતિ રાઇડ દીઠ ચાર્જ ચૂકવવાનો રહેશે. જયારે મેડલ અને ઇ-સર્ટિફિકેટ તમારી પસંદ કરેલી ટિકિટ અનુસાર વિતરિત કરવામાં આવશે.

સવારી પૂર્ણ કરનારા દરેક  સ્પર્ધકોને વર્ચ્યુઅલ રાઇડના પહેલા અઠવાડિયામાં ઇ-ર્ટિકિટ મોકલવામાં આવશે.

સાયકલોફન ૨૦૨૧ થી સંબંધિત કોઈપણ સૂચન માટે, તમે રોટે.  દિવ્યેશભાઈ અઘેરા - ઇવેન્ટ ચેર અને આર.સી.સી.ના સ્થાપકનો સંપર્ક કરવા અથવા રોટરી મિડટાઉન લાઇબ્રેરી (૭૪૦૫૫૧૩૪૬૮) અમીનમાર્ગ, રાજકોટ ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે.

આ પ્રોજેકટ માટે રોટરી કલબ ઓફ રાજકોટ મિડટાઉનના પ્રમુખ દિનેશભાઈ જીવરાજાની, સેકેટરી તપનભાઇ ચંદારાણા તેમજ રાજકોટ સાયકલોફનના ઇવેન્ટ ચેર નીતાબેન મોટલા તેમજ રાજકોટ સાયકલિંગ કલબના લીડર  પ્રતિકભાઈ સોનેજી અને ભાવિનભાઈ ડેડકિયા જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:18 pm IST)