Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

પ્રજાના મત એળે જવા દેશું નહી : વિજયભાઇ રૂપાણીનો લલકાર

શહેર ભાજપ દ્વારા વિરાટ વિજય લોક અભિવાદન સમારોહ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સંપન્ન : ૪૫ વર્ષથી રાજકોટ અને ભાજપ એકબીજાનો પર્યાય : જુસ્સાભેર ધનસુખ ભંડેરીનું સંબોધન : ભાજપનો પ્રચંડ વિજય થતા આપણી જવાબદારી વધી જાય છે : ગોવિંદ પટેલ : શહેરીજનોએ ભાજપને ૬૮ બેઠકો પર વિજય આપીને અવિરત પ્રેમવર્ષા કરી છે : મીરાણી

રાજકોટ તા. ૨૫ : મહાનગર પાલિકાની ચૂંટણીમાં એક અભૂતપૂર્વ રેકોર્ડ જોવા પરિણામ સાથે રાજકોટમાં ૧૮ વોર્ડ અને ૭૨ બેઠકો પૈકી ૧૭ વોર્ડમાં ૬૮ બેઠકો પર ભવ્ય વિજય થયો છે. અભિવાદન માટે રાજકોટ શહેર ભાજપ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં  અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અઘ્યક્ષતામાં બહુમાળી ભવન ખાતે ભવિરાટ વિજય લોકઅભિવાદન ભ સમારોહ યોજાયેલ હતો.

આ તકે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે રાજકોટની પ્રજાએ જનસંઘના સમયથી લઈને આજ સુધી આપણને વિશ્વાસ મુકીને આપણને સેવા કરવાની જવાબદારી સોંપેલ છે. ત્યારે જનતાને નત મસ્તકથી વંદન કરી ને  તેમનો આભાર વ્યકત કરુ છું. ૬ મહાનગરપાલિકાની ચૂંટણીમાં લોકોએ ભાજપ પર અવિરત સ્નેહ વરસાવ્યો છે, તે બદલ ખુબ ખુબ અભિનંદન તેમજ પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ ભાજપના લાખો કાર્યકર્તાઓ દિવસ–રાત ચૂંટણીમાં કાર્ય કરેલ છે તે માટ સંગઠનને પણ અભિનંદન પાઠવેલ હતા. વધુમાં તેઓએ જણાવેલ કે ભારતીય જનતા પાર્ટી પંચનિષ્ઠાને વરેલી પાર્ટી છે. ભાજપ માટે દેશહીત સર્વોપરી છે.રાજકોટની જનતાનો પ્રેમ ભાજપને શકિત અને પ્રેરણા આપશે ત્યારે છેલ્લા ચાર વર્ષોમાં રાજકોટને વિકાસના અનેક આપેલ અનેક પ્રોજેકટો તો હજુ શરૂઆત છે આગામી વર્ષોમાં રાજકોટ વિકાસની ચરમસિમાએ પહોંચશે. ત્યારે 'સૌના સાથ, સૌના વિકાસ'ના મંત્રને સાર્થક કરતા આપણે આગળ વધીએ.

મુખ્યમંત્રી વિજયભાઇએ વધુ માં જણાવ્યું હતું કે, 'જનસંઘ થી આજ સુધી રાજકોટની સેવાની જવાબદારી મારા શિરે છે, હાલ હું રાજકોટમાં પ્રજાનો આભાર માનવા હું આતુર હતો અને અત્યારે તમારી સમક્ષ છું, ત્યારે આજે નત મસ્તક કરી અભિવાદન ઝીલી જનતાનો આભાર માનું છું. અને ખાસ તો આ ચૂંટણીને ધ્યાને લઇ ટિકિટ મળી કે ન મળી એ બધું ભૂલી સી.આર.પાટીલ ના માર્ગદર્શન મુજબ કામ કરવા બદલ સંગઠનને અભિનંદન આપું છું.

શ્રી વિજય રૂપાણીએ વધુ માં જણાવ્યું હતું કે, '૧૯૬૭ માં ગુજરાત વિધાનસભાન એક સીટ હતી ત્યારે રાજકોટે ચીમનભાઇ શુકલને ચૂંટી અને મોકલ્યા હતા. ત્યારથી વિજયની હરણફાળ ચાલી છે.૧૯૭૫ માં પહેલી વાર ચૂંટણી થઇ ત્યારથી હું સાક્ષી છું એ વખતે કાઉન્ટીગમાં વાવાઝોડુ આવ્યું હતું, અમારા કોર્પોરેટરો હમેશા પ્રજાની વચ્ચે જ હોય છે. આ ૪૫ વર્ષોનો લાંબો સમય છતાં જનતાનો વિશ્વાસ છે અમારા પર છે, આપણે નસીબદાર છીએ નરેન્દ્રભાઇ મોદી જેવું જબરદસ્ત નેતૃત્વ આપણી પાસે છે. વિકાસની રાજનીતિ નરેન્દ્ર ભાઇ એ પ્રસ્થાપિત કરી છે.

જિ.પ.ની ચૂંટણી વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હવે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે અને તેમાં પણ આવું જ પરિણામ આવશે, હવે અમે તમારા મતને એડે જવા દેશું નહીં , વિજય પચાવી વિનમ્ર થઇ, વધુ જવાબદારી સાથે છેવાડાના વિસ્તાર સુધી અમે વિકાસ કરીશું. દુનિયામાં શ્રેષ્ઠ હોય એ બધું ગુજરાતમાં આવે છે. કોઈએ દિલ્લી જવું નથી પડતું, નરેન્દ્રભાઈ ફોન પર માંગવા કરતા સવાયું મોકલી આપે છે.

આ કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ શહેરીજનો નો આભાર વ્યકત કરતા જણાવેલ કે પ્રજાએ ભાજપને પ્રેમ આપેલ છે અને આ મહાવિજયમાં ૬૮ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો  છે, રાજકોટના પનોતા પુત્ર અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ છેલ્લા ચાર વર્ષમાં રાજકોટને અનેક મહત્વકાંક્ષી પ્રોજેકટો આપેલ છે તેનુ પ્રજાએ વળતર આપેલ છે.

આ તકે ધનસુખ ભંડેરીએ જણાવેલ કે રાજકોટની જનતાએ ૪પ વર્ષથી ભાજપને સમર્થન અને પુરો પ્રેમ આપેલ છે. ત્યારે પ્રજાની સેવાના સંકલ્પ સાથે આવ્યા છીએ. આપણા લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છેલ્લા ચાર વર્ષથી ગુજરાતની સેવા કરી રહયા છે અને તેમના નેતૃત્વમાં અનેકવિધ વિકાસકાર્યો અને પ્રજા કલ્યાણના કાર્યો થઈ રહયા છે.

આ તકે ગોવીંદભાઈ પટેલે જણાવેલ કે જનતા એ ૬૮ બેઠકો પર ભાજપને પ્રચંડ વિજય બહુમતી આપી છે ત્યારે આપણી જવાબદારી વધી જાય છે, તેમણે લોકોના કાર્યો કરવા અને કેન્દ્ર તથા રાજય સરકારની વિવિધ યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોચાડવા જણાવેલ હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારઘ્વાજ, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહીલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, પુર્વ મેયરો  જનકભાઈ કોટક, ઉદય કાનગડ, ડો. જૈમનભાઈ ઉપાઘ્યાય, રક્ષાબેન બોળીયા, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, કાશ્મીરાબેન નથવાણી, માંધાતાસિહ જાડેજા, જયોતીન્દ્રભાઈ મહેતા, મૌલેશભાઈ ઉકાણી, રાજયસભાના નવનિયુકત સાંસદ રામભાઈ મોકરીયા,,વી.પી. વૈષ્ણવ, ડી.વી. મહેતા, લાભુભાઈ ખીમાણીયા, ઘનશ્યામભાઈ હેરભા, દર્શીત જાની, કશ્યપ શુકલ, મુરલીભાઈ દવે, રાજુભાઈ બોરીચા, પ્રતાપભાઈ કોટક, માધુભાઈ બાબરીયા, ગુણવંતભાઈ ડેલાવાળા, પરેશભાઈ ગજેરા,  સહીતના ભાજપ અગ્રણીઓ, સમાજશ્રેષ્ઠીઓ તેમજ તમામ નવનિયુકત ચૂટાયેલ કોર્પોરેટરો સહીતના ઉપસ્થિત રહયા હતા.

આ કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારીએ અને અંતમાં આભાર વિધિ  શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોેડે કરી હતી. આ કાર્યક્રમની વ્યવસ્થા ધારાસભ્ય અરવીંદ રૈયાણી, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ,  શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, રઘુભાઈ ધોળકીયા, શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનીલભાઈ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળેલ હતી.

(3:16 pm IST)