Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

લોકડાઉન પછી સતત ડીપ્રેશનમાં રહેતા વૃધ્ધ ચંદુલાલભાઇ નંદાણીએ ઝેર પી જીવન ટુંકાવ્યું

શાસ્ત્રીનગરમાં બનાવ : એકલા રહેતા વૃધ્ધ છુટક મજુરી કામ કરતા'તા

રાજકોટ તા. ૨૫ : લોકડાઉન પછી સતત ડીપ્રેશનમાં રહેતા શાસ્ત્રીનગરના વૃધ્ધે ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ હંસરાજનગર મેઇન રોડ પર શાસ્ત્રીનગર શેરી નં. ૨/૩માં એકલા રહેતા ચંદુલાલભાઇ વૃજલાલભાઇ નંદાણી (ઉ.વ.૬૬) એ ગઇકાલે પોતાના ઘરે ઉંદર મારવાનું લીકવીડ પી લીધું હતું. આસપાસ રહેતા લોકો વૃધ્ધને બેભાન પડેલા જોઇ તેને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતક ચંદુલાલભાઇ બે ભાઇમાં મોટા હતા અને છૂટક મજૂરી કામ કરતા હતા તે અપરણીત હોવાથી એકલા જ રહેતા હતા તે લોકડાઉન પછી તે ઘણા સમયથી ડીપ્રેશનમાં રહેતા હતા તેથી વૃધ્ધે આ પગલુ ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ અંગે પ્ર.નગર પોલીસ મથકના એએસઆઇ હરેશભાઇ રત્નોતર તથા માયાબેન સાટોડીયાએ તપાસ હાથ ધરી છે.

બેભાન હાલતમાં મુંબઇના વૃધ્ધનું મોત

ન્યુ કોલેજવાડી-૨ સામ્રાજ્ય સી-૨ની સામે એક મહિનાથી મિત્રના ઘરે રહેતા મુંબઇના મનુભાઇ મણીભાઇ શાહ (ઉ.૭૮) ગઇકાલે ઘરે હતા ત્યારે બીમારી સબબ બેભાન થઇ જતા તેને સારવાર માટે ગીરીરાજ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતક વૃધ્ધ એક ભાઇ અને એક બહેનમાં મોટા હતા. આ અંગે તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. પ્રવિણભાઇ જીલરીયાએ કાર્યવાહી કરી હતી.

પાવન પાર્કમાં દાઝી જતા કાંતાબેનનું મોત

મોટામવા સત્યસાંઇ મેઇન રોડ પર પાવન પાર્ક બી/૦૮માં રહેતા કાંતાબેન મનસુખભાઇ કનેરીયા (ઉ.વ.૬૬) ગઇકાલે ચાલુ ગેસે સફાઇ કરતા હતા ત્યારે પહેરેલ કપડાનો છેડો અડી જતા હાથે તથા પગે દાઝી જતા તેને સારવાર માટે દોશી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. રમેશભાઇ ચૌહાણે પ્રાથમિક કાગળો કરી એ.એસ.આઇ. ડી.વી.ખાંભલાએ તપાસ હાથ ધરી હતી.

(3:12 pm IST)