Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

વીર સાવરકરજીએ કરેલું ત્યાગ, સમર્પણ અને તપસ્યાનું ઋણ ચુકવી શકાય તેમ નથી

ક્રાંતિકારી વીર સાવરકરજીની પુણ્યતિથિની પૂર્વ સંધ્યાએ અંજલી પાઠવતા રાજુભાઈ ધ્રુવ : અટલજીએ કહેલું સાવરકર એટલે તેજ, સાવરકર એટલે ત્યાગ, સાવરકર એટલે તપ સાવરકર એટલે તલવાર

રાજકોટઃ મા ભારતીનાં વીર સપૂત, પ્રખર રાષ્ટ્રવાદી અને આઝાદીનાં મહાન લડવૈયા વિનાયક દામોદર સાવરકરની પુણ્યતિથિ નિમિત્તે ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે અંજલિ પાઠવતા જણાવ્યું હતું કે, વિનાયક દામોદર સાવરકર (૨૮ મે ૧૮૮૩ - ૨૬ ફેબ્રુઆરી ૧૯૬૬) ભારતીય સ્વતંત્રતા આંદોલનનાં અગ્રિમ હરોળનાં સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા જેથી તેઓ વીર સાવરકર નામથી જાણીતા થયા. સાવરકરજી વિશે એક અદભૂત વર્ણન અટલ બિહારી વાજપેયીજીએ કર્યું છે. અટલજીએ કહ્યું હતું - સાવરકર એટલે તેજ, સાવરકર એટલે ત્યાગ, સાવરકર એટલે તપ, સાવરકર એટલે તત્ત્વ, સાવરકર એટલે તર્ક, સાવરકર એટલે તારૂણ્ય, સાવરકર એટલે તીર, સાવરકર અર્થાત્ તલવાર. રાજપુરુષ અટલ બિહારી વાજપેયીજીએ સિંહપુરુષ વીર સાવરકરજીનું સચોટ ચિત્રણ તેમના શબ્દોમાં રજૂ કર્યું છે. દેશહિત કાજે પ્રખર રાષ્ટ્રવાદી વીર સાવરકરજીએ કરેલું ત્યાગ, સમર્પણ અને તપસ્યાનું ઋણ ચૂકવી શકાય તેમ નથી.

હિંદુ રાષ્ટ્રની રાજનીતિક વિચારધારા (હિંદુત્વ)ને વિકસિત કરવાનો સંપૂર્ણ શ્રેય સાવરકરને ફાળે જાય છે. સ્વતંત્રતા સેનાની હોવાની સાથેસાથે તેઓ મહાન ક્રાંતિકારી, વિચારક, સિદ્ધહસ્ત લેખક, કવિ, પ્રખર વકતા તથા દુરદર્શી રાજનેતા પણ હતા. તેઓ એક એવા ઈતિહાસકાર પણ હતા કે જેમણે હિંદુ રાષ્ટ્રનાં વિજયનાં ઈતિહાસને પ્રમાણિકપણે શાબ્દિક રીતે કંડાર્યો હતો. તેમણે ૧૮૫૭ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામનો જીવંત અહેવાલરૂપી ઈતિહાસ ધ ઈન્ડિયન વૉર ઓફ ઈન્ડિપેન્ડન્સ નામના પુસ્તકમાં લખ્યો જેનાથી બ્રિટિશ શાસકોમાં ખળભળાટ મચી ગયો. આ પુસ્તક પર બ્રિટિશ શાસકો દ્વારા પ્રતિબંધ લગાવાયો હતો. પ્રતિબંધ દરમિયાન ડૉ. ક્યુતિન્હોએ આ પુસ્તકને એક ધાર્મિક ગ્રંથની જેમ સાચવીને રાખેલો. આ પ્રતિબંધને ૧૯૪૬નાં મે મહિનામાં મુંબઈ સરકાર દ્વારા હટાવાયો હતો.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, ભારત દેશ આઝાદ થયો તેની પાછળ અનેક નાના-મોટા ક્રાંતિકારી લોકોનો પુરુષાર્થ છે. એ નામોની ગણતરી કરીએ ત્યારે સાવરકરનું નામ સૌથી આગળનાં નામોમાંનું એક ગણાશે. માત્ર છવ્વીસ વર્ષનાં યુવાન સાવરકરને પચાસ વર્ષની જેલની સજા થઈ અને એમની છાતી પર ટિંગાડેલા લોખંડી બિલ્લા પર 'તા. ૧૦ જાન્યુઆરી, ૧૯૧૦થી તા. ૧૦ જાન્યુઆરી, ૧૯૬૦ સુધી' શબ્દો કોતરાયા હતા. વીર સાવરકરજીને કાલા પાનીની કારાવાસની સજા થઈ અને એમને આંદામાન મોકલાયા. તેઓના આગમનથી ત્યાં રહેલા રાજકીય કેદીઓમાં આશાનું નવું કિરણ પ્રગટયું. કારાવાસની સજાથી પ્રારંભમાં તેઓ હતાશ પણ થયા હતા. વર્ષો સુધી જેલમાં રહેવાને કારણે દેશની આઝાદીની લડતમાંથી વંચિત રહેવાનો વસવસો મનમાં સતાવતો હતો પરંતુ થોડા દિવસમાં જ તેમને નવો ઉત્સાહ, નવો વિચાર, નવો પ્રાણ પ્રાપ્ત થતાં જ રહ્યા. તેમના મોટાભાઈ ગણેશપંત પણ આંદામાનમાં જ હતા. બે ભાઈઓ વચ્ચે કડક બંદોબસ્તને કારણે મુલાકાત શક્ય નહોતી. સાવરકરજી પોતાના સાથીઓને કહેતા અપમાન અને લાંછનોથી હતોત્સાહ ન થતાં. આજે જ્યાં તમારા પર સિતમ ગુજારાય છે એ કારાગૃહમાં એક દિવસ તમારી પ્રતિમાઓ ઊભી કરાશે. સ્વતંત્ર ભારતની પ્રજા તમને પુષ્પોથી પોંખશે.

(3:12 pm IST)