Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

શકિત ઉર્ફ ટબૂડીનો સગીર ભાઇ ચાર વાહન ચોરીમાં ઝડપાયોઃ બીજા ભાઇ વિજય ઉર્ફ કાયડીનું નામ ખુલ્યું

થોરાળા પોલીસ મથકના યુવરાજસિંહ, જયદિપભાઇ, કિરણભાઇ અને રમેશભાઇની બાતમી પરથી પરથી પીઆઇ જી. એમ. હડીયા અની પીએસઆઇ જી.એસ. ગઢવીની ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૫: અનેક ગુનાઓમાં સામેલ કુબલીયાપરાના શકિત ઉર્ફ ટબુડીના સગીર ભાઇને થોરાળા પોલીસે ચાર વાહનની ચોરીમાં પકડી લીધો છે. બીજા ભાઇનું પણ આરોપી તરીકે નામ ખુલ્યું છે. લોક વગરના વાહનો આ બંનેએ ચોરી લીધા હતાં અને વેંચવાનો પ્લાન ઘડ્યો હતો. પણ ગ્રાહક મળે એ પહેલા પોલીસનો ભેટો થઇ ગયો હતો.

થોરાળા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. યુવરાજસિંહ રાણા, જયદિપભાઇ ધોળકીયા, કિરણભાઇ પરમાર અને રમેશભાઇ માલકીયાને બાતમી મળી હતી કે ભાણજીબાપાના પુલ પાસે ટ્રેકટર ચોક કુબલીયાપરા જવાના રસ્તે એક સગીર ચોરાઉ વાહન સાથે ઉભો છે. બાતમીને આધારે તેને અટકાયતમાં લઇ પુછતાછ કરતાં તેણે પોતાના ભાઇ વિજય ઉર્ફ કાયડી વિનુભાઇ સોલંકી સાથે મળી ચાર ટુવ્હીલર જેમાં ત્રણ એકસેસ અને એક એકટીવાની ચોરી કર્યાનું કબુલતાં પોલીસે આ વાહનો કબ્જે કર્યા હતાં. વિજય ઉર્ફ કાયડી હાથમાં આવ્યો નથી.

બંને ભાઇઓ લોક કર્યા વગરના વાહનો ઉઠાવી લેતાં હતાં. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને એસીપી એચ. એલ. રાઠોડ તથા ડી. વી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ જી. એસ. ગઢવી, હેડકોન્સ. ભુપતભાઇ વાસાણી, આનંદભાઇ પરમાર, શૈલેષભાઇ ભીસડીયા, નરસંગભાઇ ગઢવી, વિજયભાઇ મેતા, જયદિપભાઇ ધોળકીયા, કિરણભાઇ, યુવરાજસિંહ, રમેશભાઇ અને દિવ્યેશભાઇ ઉપરાએ આ કામગીરી કરી હતી.

(12:46 pm IST)