Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

કોરોના પોઝીટીવ વ્યકિત રજીસ્ટ્રેશન વગર મતદાન કરી શકશે નહિ, જોગવાઈનો ભંગ કરશે તો કડક કાર્યવાહી કરાશે

કલેકટર અને અધિક કલેકટર દ્વારા ચુંટણી અધિકારીઓને મતદાનની કામગીરી સુપેરે- સુચારુ પાર પડે તે માટે દરેક મુદાની સમજણ અપાઈ

રાજકોટ, તા. ૨૫: રાજકોટ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને ગોંડલ નગરપાલિકાની સામાન્ય ચુંટણી તેમજ જેતપુર નગરપાલિકાની એક બેઠકની પેટા ચુંટણી આગામી તા.૨૮ના રોજ યોજાશે. સ્થાનિક સ્વરાજયની આ ચુંટણીઓ શાંતિપૂર્ણ અને સુચારૂ સંચાલન થઇ શકે તે માટે  જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને ચુંટણી સાથે સંકળાયેલ અધિકારીઓની મીટીંગ યોજાઇ હતી.

આ મીટીંગમાં કલેકટરશ્રી ઉપરાંત અધિક કલેકટરશ્રી દ્વારા મતદાનની કામગીરી કોઇપણ પ્રકારની મુશ્કેલી વગર થઇ શકે અને વિવિધ રીપોર્ટ પણ સમયસર મળી શકે તે માટે અધિકારીઓને વિસ્તૃત માર્ગદર્શન આપી ચૂંટણી સબંધિત તમામ પાસાઓની વિગતવાર સમજણ આપવામાં આવી હતી. આ બેઠકમાં પ્રિસાઇડીંગ ઓફિસર સહિત પોલીંગ સ્ટાફને આપવાની થતી બે તાલીમ સહિત થયેલી કામગીરીની પણ વિગતો મેળવી  મતદાન મથકમાં બજાવવાની થતી કામગીરી અને આગળના દિવસે કરવાની થતી કામગીરી અને તકેદારી અંગેની માહિતી આપવામાં આવી હતી.

સંવેદનશીલ મતદાન મથકોમાં રાખવાની થતી તકેદારી, સંખ્યા અને જરૂરી બંદોબસ્ત અંગે ચુંટણી અધિકારી તેમજ પોલીસ અધિકારી વચ્ચે સંકલન રહે તે માટે પણ માર્ગદર્શન  આપવામાં આવ્યું હતું. આ તકે રૂરલ એસ.પી શ્રી બલરામ મીનાએ પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના પોઝીટીવ વ્યકિતઓ દ્વારા થતા મતદાન અંગે રાજય ચુંટણી પંચ દ્વારા માર્ગદર્શીકા બહાર પાડવામાં આવેલ છે. કોરાના પોઝીટીવ દર્દી મતદાન કરવા ઇચ્છે તો તેમણે તા.૨૭ સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તેઓએ મતદાન માટે ફીટ હોવાનું તબીબી પ્રમાણપત્ર પણ રજુ કરવાનું રહેશે. તેઓએ પ્રોપર પીપીઇ કીટ સ્વખર્ચે લઇ પહેરવાની રહેશે. જેનું રજીસ્ટ્રેશન થયેલ ન હોય , પીપીઇ કીટ પહેરેલ ન હોય  તે સહિતના નિયમોનો ભંગ કરશે તો પોલીસ કાર્યવાહી  કરવામાં આવશે. કોરાના પોઝીટીવ  રજી. થયેલ  વ્યકિત, પીપીઇ કીટ  પહેરેલ  સહીતના નિયમોનું પાલન કર્યું હશે તે માટે સાંજે ૫ વાગ્યા બાદ મતદાનની વ્યવસ્થા કરવામાં આવશે.મતદાન મથકને સેનેટાઇઝ કરવા, મતદાન વખતે ગલોવ્ઝ આપવા, માસ્ક પહેરવા સહિતની સુચના આપવામાં આવી હતી.

(12:43 pm IST)