Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ભાષા એ તો વહેતી નદી છેઃ જય વસાવડા

માતૃભાષા-સપ્તાહ અંતર્ગત જય વસાવડા, સતીશ વ્યાસ અને રાજેશ પંડયાએ પોતાના વિચારો રજુ કર્યા

રાજકોટ તા. રપ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનમાં યોજાયેલા માતૃભાષા- સપ્તાહ અંતર્ગત જય વસાવડા, સતીશ વ્યાસ અને રાજેશ પંડયાએ પોતાના વિચારો રજુ કર્યા.

જય વસાવડાએ ''મુકામ પોસ્ટ માતૃભાષા'' વિષય પર પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે ભાષા એ તો વહેતી નદી છે, એ સતત વહેતી રહે છે અને વહેતી જ રહેવી જોઇએ. અને એટલે જ તો ભાષામાં સતત પરિવર્તન થતું રહે છે, જુદી જુદી ભાષાના શબ્દો ઉમેરાતા રહે છે. અને એમ ભાષા સમૃદ્ધ થતી રહે છે. આપણી ભાષાની સમૃધ્ધિ અનેવૈવિધ્યની વાત કરીને તેમણે આપણી ભાષાપ્રીતિ વધતી રહે એવી હિમાયત પણ કરી હતી.

રાજેશ પંડયાએ બોલતી ભાષા કાવ્ય ભાષા કઇ રીતે બને છે. એની વાત કરવા ઉપરાંત ''શતાબ્દી વંદના'' નિમિતે ''ઉશનસની કવિતા'' વિશે રસપ્રદ વકતવ્ય આપ્યું હતું તેમણે ઉશનસની કવિતામાં થયેલા તૃણબ્રહ્મનો મહિમા સદ્રષ્ટાંત ચીંધી બતાવો હતો તેમજ ઉશનસની પ્રકૃતિ કવિતા, પ્રણ્યભાવની કવિતા અને કુટુંબભાવનાની કવિતાનો પરિચય કરાવ્યો અન્ય વકતા સતીશ વ્યાસે ''જયંત પાઠક''ની કવિતા વિશે વકતવ્ય આવતા જયંત પાઠકના મુકતક, સોનેટ,  ગીત, ગઝલ, અછાંદયીની ઉદાહરણ સાથે વાત કરીને આ કવિની કવિતાની લાક્ષણીકતાઓ દર્શાવી આપી હતી.

કાર્યક્રમના આરંભે ગુજરાતી ભવનના અધ્યક્ષ નિતીન વડગામાએ માતૃભાષા સપ્તાહના આયોજન સંદર્ભે વાત કરીને સૌનું શાબ્દિક સ્વાગત કર્યું.

કાર્યક્રમમાં સિન્ડીકેટ સભ્ય અને શિક્ષણ ભવનના અધ્યક્ષ્ ા ડો. ભરત રામાનુજ ઉપસ્થિત રહ્યા તેમજ અન્ય ભવનના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ તથા સર્વશ્રી સંજુ ાળા, ભાસ્કર ભટ્ટ, દીપક ત્રિવેદી, આર.પી. જોષી, વગેરે જેવા નગરના સાહિત્યકારો અને સાહિત્ય રસિકોએ માતૃભાષાનો કાર્યક્રમ મનભરીને માણ્યો હતો.

(3:56 pm IST)