Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

પીડીએમ કોલેજ ખાતે કુલનાયકની ઉપસ્થિતિમાં ગરીમાપૂર્વક યોજાયો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ

ડો. નેહલ શુકલ, હરદેવસિંહ જાડેજા, લાભુભાઇ ખિમાણીયાની પણ ઉપસ્થિતિ : સંસ્થાના પ્રમુખ ઘનશ્યામભાઇ હેરભાએ સંસ્થાના ભાવિ વિકાસકાર્યોની ઝલક આપીઃ ડો.કમલેશભાઇ જાનીએ મહેમાનોનું કર્યું સ્વાગત

રાજકોટ,તા.૨૫: રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રખ્યાત પ્રથમ હરોળની કોમર્સ કોલેજ એવી શ્રી પી. ડી. માલવિયા કોલેજ ઓફ કોમર્સનો ૧૨ મો વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલનાયક ડો. વિજયભાઈ દેશાણીના પ્રમુખસ્થાને ભવ્ય અને ગરિમામય રીતે ઉજવાયો હતો. સ્થાપના કાળથી આજ સુધીમાં શૈક્ષણિક અને અન્ય શિક્ષણેતર પ્રવૃતિઓમાં સદાય અગ્રેસર રહેતી આ સંસ્થાના ઇન્ફરન્ટી NCC (બોયઝ/ગર્લ્સ) અને નેવલ  NCC 4 ના એમ કુલ ૬૯ કેડેટ્સને તથા  NSS ( બોયઝ/ગર્લ્સ ) ના કુલ ૦૮ વોલન્ટિયર્સને ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આપવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેમેસ્ટર પરીક્ષાઓમાં યુનિવર્સિટી કક્ષાએ અને કોલેજ કક્ષાએ પ્રથમ/દ્વિતીય/તૃતિય તેમજ કુલ ૧૧૬ વિષયમાં પણ પ્રથમ ત્રણ ક્રમે આવનારને રોકડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટી કક્ષાની સ્પોર્ટ્સ અને યુથ ફેસ્ટિવલમાં પણ વ્યકિતગત અને ટીમ લેવલે ૫૯ વિજેતાઓને ટ્રોફી/પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

પ્રમુખસ્થાનેથી ડો. દેસાણીએ જણાવ્યું હતું કે આ સંસ્થા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપનાથી પણ જૂની સંસ્થા છે. આ સંસ્થાએ કોઈ વૈધિક સંસ્થાથી પણ ઉચ્ચ   ઋષિમુનિઓનો આશ્રમ હોય તેવું મને લાગે છે. વધુમાં સંસ્થાના નવા ટ્રસ્ટી મંડળ દ્વારા સંસ્થાના વિવિધ પ્રકારના કાયાકલ્પ કાર્યોની સરાહના કરી સંસ્થાને સહૃદય શુભેચ્છાઓ અને આશીર્વચન આપ્યા હતા. આ સમારોહના અતિથિવિશેષ પદેથી યુવા સિન્ડિકેટ સભ્ય અને આ જ સંસ્થાના પૂર્વ વિઘાર્થી ડો. નેહલ શુકલ દ્વારા આ સંસ્થામાં પોતાના વિદ્યાર્થી કાળના સંસ્મરણો વાગોળી ઉપસ્થિત વિશાળ વિઘાર્થી સમુદાયને પ્રેરક વકતવ્ય આપ્યું હતું. અન્ય અતિથિપદેથી સિન્ડિકેટ સભ્ય શ્રી હરદેવસિંહ જાડેજાએ પણ પોતાની શુભકામનાઓ આપી હતી. આ સમારોહમાં ઉપસ્થિત સંસ્થાના મોભી શ્રી લાભુભાઈ ખીમાણિયાએ આશિર્વાદ આપ્યા હતા તો સંસ્થાના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ હેરભાએ સંસ્થાની ભાવિ વિકાસ અયોજનો વિશે વાત કરી સંસ્થામાંથી ઉત્ત્।મ વિદ્યાર્થીઓ સમાજમાં જાય અને સામાજિક, આર્થિક તેમજ રાષ્ટ્રીય વિકાસમાં આ સંસ્થાના વિદ્યાર્થીઓ યોગદાન આપી શકે તે માટે ટ્રસ્ટીઓ તમામ પ્રયત્નો કરશે તેવી તત્પરતા દર્શાવી હતી. શહેરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને સંસ્થાના ટ્રસ્ટી શ્રી રાજુભાઇ રાવલ, અગ્રણી ઉઘોગપતિ અને સંસ્થાના ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ ડોબરીયા તેમજ યુવા ટ્રસ્ટી શ્રી મયુરભાઈ ખીમાણિયાએ પણ વિઘાર્થીઓને પ્રોત્સાહક વકતવ્યો આપ્યા હતા.

આ વાર્ષિક ઈનામ વિતરણ સમારોહમાં સંસ્થાના ભૂતપૂર્વ વિઘાર્થીઓ કે જેઓ હાલ શિક્ષણ અને પોલીસ ખાતામાં ઉત્કૃષ્ટ કામગીરી કરતા જેઓને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેવા લીંબડીની સખીદા કોલેજના પ્રોફેસર અને એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડો. કિશોર ભેંસાણીયા, ડીવાયએસપી શ્રી પિયુષ પીરોજીયા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ શ્રી રાજુભાઈ જાનીનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓએ પણ પોતાની ઝળહળતી કારકિર્દીનો યશ આ સંસ્થાને, આચાર્યશ્રી અને અધ્યાપક ગણને આપ્યો હતો.

આ સમારોહમાં સંસ્થા વતી સ્વાગત પ્રવચન દ્વારા આચાર્યશ્રી ડો. કમલેશભાઈ જાનીએ સર્વેને ઉમળકાભરઆવકારો આપ્યો હતો. સમારોહનું સંચાલન અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. વિભાબેન ભટ્ટ અને અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડો. અનિલ કિંગર દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રા. રાજેશ વોરાએ સંસ્થા વતી સર્વે મહેમાનોનો આભાર વ્યકત કર્યો હતો.

(3:50 pm IST)