Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

હિન્દી સિને જગતમાં સંગીતનો સુવર્ણ યુગ 'કલ્યાણજી-આણંદજી'

આર્ટિસ્ટ બનવું હોય તો બ્લોટિંગ પેપર જેવા બનોઃ પદ્મશ્રી આણંદજીભાઇ શાહ

ઘણા લોકોને સંગીત શિખવાથી પણ નથી મળતું, કુદરતની કૃપા હોય તો સંગીત મળે : શબ્દોના ઉચ્ચારણ, સ્પષ્ટ હિન્દી શબ્દો કેવી રીતે બોલાય તેની ગાયનમાં તાલીમ આપે છે : અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રાએ મુંબઇ ખાતે લીધેલો આણંદજીભાઇનો એકસકલુઝીવ ઇન્ટરવ્યુ જે akilanew.com ઉપર લાઇવ પ્રસારિત થયેલ અને હજારો ભાઇ-બહેનોએ નિહાળેલ

રાજકોટ : મિત્રો તમે પેલું ગીત ''પલ પલ દિલ કે પાસ...તુમ રહેતી હો...'', ''મેરે અંગને મેં તુમ્હારા કયા કામ હૈ,'' ''જો તુમ કો હો પસંદ વહી બાત કરેંગે'', ''ના ના કરતે પ્યાર તુમહી સે કર બૈઠે'', ''વાદા કરલે સાજના'' જેવા ગોલ્ડન એરાના અનેક મીઠા - મધુરા - હૃદયને છૂ લેનારા ગીતો સાંભળ્યા છે ને ?! આ ગીતો આપણે અનેકવાર ગણગણાવીએ છીએ. અરે-! હજી  આજે પણ યાદ કરી ગાઇએ પણ છીએ. આ અને આવા સેંકડો ગીતોનાં જન્મદાતા એટલે ગીતોને સંગીતમાં શણગારનાર સંગીતકાર બેલડી કલ્યાણજી-આણંદજી માહેના શ્રી આણંદજીભાઇ વિરજીભાઇ શાહે અકિલાને મુંબઇ ખાતે ખાસ મુલાકાત આપી હતી. અકિલાનાં મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ શ્રી આણંદજીભાઇનો ઇન્ટરવ્યૂ લીધો અને 'અકિલા ન્યુઝ ડોટ કોમ'ના ફેઇસબુક લાઇવમાં હજારો લોકોએ તેને નિહાળ્યો.

રપ૦ થી વધુ ફિલ્મોમાં સંગીત આપનાર અને માત્ર ગુજરાત જ નહિ દેશ સમસ્ત માટે ગૌરવસમા સ્વ. કલ્યાણજીભાઇ અને શ્રી આણંદજીભાઇનું નામ લેતા પ્રત્યેક ગુજરાતીનું હૈયું હરખાઇ આવે તેવી આ મહાન હસ્તી પણ અત્યંત સરળ હૃદયના શ્રી આણંજીભાઇએ દિલ ખોલીને વાતો કરી હતી. તેમની પહેલી ફિલ્મ ''સમ્રાટ ચંદ્રગુપ્ત'' હતી. જે ૧૯પ૮માં આવેલી. તેમાં કલ્યાણજી વિરજી નામ હતું. એ વખતે નાગીનની બીને ધૂમ મચાવેલ જે હજુ આજે પણ એવી જ સુપ્રસિધ્ધ છે. એ વગાડનાર એટલે શ્રી કલ્યાણજીભાઇ. તેઓ કહે છે કે, ત્યારથી અમે પ્રોગ્રામની શરૂઆત કરી અને નાના-નાના પ્રોગ્રામો કરતા. એમ કરતા બે-ત્રણ વર્ષ નીકળી ગયા. ત્યારે સુભાષ દેસાઇ નામના એક પ્રોડયુસર હતા. તેમણે સમ્રાટ ચંદ્રગુપ્ત નામનું પિંકચર બનાવેલું અને તેમાં અમને મ્યુઝિક આપવા જણાવ્યું. મ્યુઝિક કરવાની વાત આવી ત્યારે ખ્યાલ નહોતો કે મ્યુઝિકમાં શું કરવુ ? 'હા' પાડયા પછી વિચાર કરતા હતા ત્યારે બાપુજીએ કહ્યું ગભરાવ નહિં. સામેથી જે વસ્તુ આવી છે. તે કરવી જોઇએ. તેમાં કામ કર્યું અને નસીબજોગે તેનું આ ગીત સુપરહિટ બન્યું. 'ચાહે પાસ હો ચાહે દુર હો...' એ વખતે ફિલ્મો પણ બહુ જલદી બનતી. 'બેદર્ર્દ ઝમાના કયા જાને, ફિલ્મ આવી તેમાં બે ગીતો ચાલ્યા.' 'નૈના હૈ જાદુ ભરે' મૂકેશજીનું ગીત પણ ખુબ વખાણાયું. પાંચેક ફિલ્મો ચાલી પછી સુભાષભાઇએ વિચાર કર્યો કે, આપણે તમારા ભાઇને પણ સાથે લઇએ. જેમ મૂકેશજી-રાજકપૂર અને તેમ તમે બંને ભાઇઓ કલ્યાણજી - આણંદજી તરીકે સંગીત આપો. બસ..ત્યારથી કલ્યાણજી-આણંદજીનો સિલસિલો ચાલુ થયો. એ પછી 'મદારી' ફિલ્મ આવેલું.

ર માર્ચ ૧૯૩૩ માં જન્મેલા ૮૬ વર્ષના શ્રી આણંદજીભાઇની તંદુરસ્તી, તેમનો રૂવાબ, તેમની છટા અને તેમનું જોમ જોઇને આપણામાં જાણે એક નવા ઉત્સાહનો સંચાર થતો હોય તેવું લાગે. શ્રી આણંદજીભાઇએ હળવા મુડમાં કહ્યું કે, 'મારામાં જે આ સંચાર છે તેની પ્રેરણા અહિં બાજુમાં છે.' બાજુમાં બેઠલા તેમના પત્નિ શ્રીમતિ શાંતાબેન તરફ ઇશારો કરી આણંદજીભાઇએ તેમની નિખાલસતાનો પરિચય આપ્યો હતો. કલ્યાણજીભાઇના દેહાવસાન પછી આણંદજીભાઇનાં દેશ-વિદેશમાં થતા શો અને સેહતનું ધ્યાન શાંતાબેન જ રાખે છે.

આપ આટલી ઉંચાઇએ પહોંચ્યા છો છતાં માંસ-મદિરાથી દુર રહી શાકાહારીને જ અપનાવ્યું છે. આટલા બધા ફિલ્મસ્ટારો, હસ્તીઓ સાથે રહ્યાંં છતાં આનાથી દુર કઇ રીતે રહ્યા ? શ્રી આણંદજીભાઇ કહે છે, એ આપણા મન પર છે. અમેરિકામાં એક મિત્ર મળેલા. પ્રોગ્રામ પછી મને કહે તમે દારૂ પીવો. આણંદજીભાઇ કહે હું દારૂ પીતો નથી. મિત્રએ કહ્યું પીધા વિના આવા સુંદર ગીતો કઇ રીતે બને? આણંદજીભાઇએ તેમને સામો પ્રશ્ન કર્યો. તમે કેટલા વર્ષથી દારૂ પીવો છો ? જવાબ મળ્યો ઘણા વર્ષોથી. આણંદજીભાઇ કહે તો તમે કેટલા ગીતો બનાવ્યા ? દારૂ પીવાથી જ ગીતો બને એવું નથી. ગીતો બનાવવા અંદરની આગ હોવી જરૂરી છે. એ પછી તેમનાં મિત્રએ દારૂ મૂકી દીધો.

કચ્છી વેપારી કુટુંબ ગણાય. આપનાં વડવાઓ મુંબઇ આવ્યા અને પ્રોવિઝન સ્ટોર કર્યો તો તેમાંથી સંગીતની દુનિયામાં કઇ રીતે આવ્યા ? શ્રી આણંદજીભાઇ કહે છે, ઘણા લોકોને સંગીત શિખવાથી  પણ મળતું નથી. કુદરતની તમારી ઉપર કૃપા હોય તો સંગીત મળે છે. હું કલ્યાણજીભાઇ, બાબલાભાઇ મ્યુઝિક ડિરેકટરો બન્યા, ક્રિએટર બન્યા. ક્રિએટીવીટી શિખવાથી નથી આવતી એ અંદર પડેલી હોય છે. એને પ્રોત્સાહન મળવું જરૂરી છે. અમારા બાપુજીએ કહેલું, તમે આગળ વધો તેમાં  ભૂલો થશે. જો ભૂલ થાય તો 'હા' પાડજો પણ ખોટું નહિં બોલતા. કારણ હું વિશ્વાસ પર તમને આ લાઇનમાં જવા દઉં છું.

(3:47 pm IST)