Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

રેલ દુર્ઘટના નિવારવા સતર્ક બની ફરજ બજાવનાર ૩ કર્મચારીઓનું સન્માન

રાજકોટઃ ડીસેમ્બર-જાન્યુઆરી મહિના દરમિયાન સજાકતા અને સતર્કતાથી ફરજ બજાવી રેલ દુર્ઘટના નિવારવા મહત્વનું યોગદાન આપનાર ૩ કર્મચારીઓનું ડીવીઝન રેલ્વે મેનેજર પરમેશ્વર ફુંકવાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ગેઇટમેન તરીકે ફરજ બજાવતા રાજીવ કુમાર પંડીતે ટ્રેન નં. રર૯૪પ મુંબઇ-ઓખા સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ એકસપ્રેસમાં સુરેન્દ્રનગર પાસે ટ્રેનના પૈડામાંથી ધુમાડા નીકળતા જોઇ તરત ટ્રેન રોકી મરામત કરવા માટે યોગ્ય કાર્યવાહી સંબંધીત વિભાગ સાથે મળી કરી દુર્ઘટના નિવારી હતી. આવી જ રીતે ટ્રેક મેન્ટેનર રમેશ વાલજીએ મોરબી-બરવાળા સેકશનમાં રેલ્વે ટ્રેક નીચેથી મોટી કપચી (બાલાસ્ટ) ધસી ગયાનું  નજરે પડતા જ ટ્રેન વ્યવહાર રોકી દઇ સમારકામની કાર્યવાહી કરાવી મોટી દુર્ઘટના થતી અટકાવી દીધી હતી. તેમજ હડમતીયા સ્ટેશન ઉપર સ્ટેશન માસ્તર તરીકે ફરજ બજાવતા વિજય સારઠીયાએ માલગાડીના વ્હીલમાં રાત્રે તણખા ઝરતા જોઇ ટ્રેન રોકાવી જરૂરી છાનબીન બાદ માલગાડીને આગળ વધવા દીધી હતી. આ ત્રણેય કર્મચારીઓએ પોત-પોતાની ફરજ સતર્કતા પુર્વક બજાવી દુર્ઘટના થતી અટકાવી હતી. જે બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

(3:30 pm IST)