Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

સિંચાઇનગરના સોની યુવાન વિશાંત પર પૂર્વ એએસઆઇના પુત્ર યોગીરાજસિંહે કાવત્રુ ઘડી હુમલો કરાવડાવ્યોઃ હાથમાં ફ્રેકચર

મુંબઇથી યોગીરાજસિંહે ૯ લાખના હીરા ખરીઘ્ કર્યા તેમાં વિશાંત સોની સાથે રહ્યો હતોઃ બાદમાં હીરાના ભાવ ઘટી જતાં યોગીરાજસિંહે ખોટની રકમ વિશાંત પાસે માંગી ધમકીઓ આપી અને છેલ્લે ત્રણ મિત્રો મોકલી લોખંડના પાઇપથી હુમલો કરાવ્યોઃ પ્ર.નગર પોલીસે યોગીરાજસિંહ તથા મિલન માંડવીયા, અમિત ભટ્ટ અને રવિરાજસિંહ ઝાલા વિરૂધ્ધ કાવત્રા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૫: સિંચાઇ નગરમાં રહેતાં અને સોના-ચાંદીની દલાલીનું કામ કરતાં સોની યુવાન પર શહેર પોલીસના પૂર્વ એએસઆઇના પુત્રએ કાવત્રુ ઘડી પોતાના ત્રણ માણસો-મિત્રોને મોકલી એરપોર્ટ ફાટક નજીક હુમલો કરાવડાવી હાથ ભંગાવી નાંખતાં સારવાર માટે દાખલ થયો છે. મુંબઇથી એકાદ મહિના પહેલા ૯ લાખના હીરાની ખરીદી કરવામાં આવી તેમાં સોની યુવાન વચ્ચે રહ્યો હતો. એ પછી હીરાના ભાવ રાજકોટમાં પુરતા ન મળતાં ખોટ જવાથી આ ખોટની ભરપાઇ સોની યુવાન પાસે માંગી તેને ધમકી આપવામાં આવતી હતી અને ગઇકાલે તેના પર હુમલો કરાવવામાં આવ્યો હતો.

બનાવ અંગે પ્ર.નગર પોલીસે એરપોર્ટ રોડ પર સિંચાઇ નગર શેરી નં. ૨માં રહેતાં અને સોની કામ કરતાં વિશાંત લલિતભાઇ રાણપરા (ઉ.વ.૩૯) નામના સોની યુવાનની ફરિયાદ પરથી પૂર્વ એએસઆઇના પુત્ર યોગીરાજસિંહ વાઢેર તથા તેની સાથેના તેના મિત્રો રવિરાજસિંહ ઝાલા, મિલન માંડવીયા તથા અમિત ભટ્ટ વિરૂધ્ધ આઇપીસી  ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૧૨૦ (બી) તથા ૧૩૫ મુજબ કાવત્રુ રચી પાઇપથી હુમલો કરી હાથમાં ફ્રેકચર કરી નાંખવા સબબ ગુનો નોંધ્યો છે.

વિશાંત રાણપરાએ પોલીસને જણાવ્યું હતું કે તે પરિવારજનો સાથે રહે છે અને સોના-ચાંદીના દાગીના તથા અન્ય ચીજવસ્તુની દલાલીનું કામ કરે છે. સોમવારે બપોએ અઢી વાગ્યા આસપાસ તે તેનું એકસેસ જીજે૦૩એફસી-૩૦૦૧ લઇ રેસકોર્ષ રીંગ રોડ પાછળ આદર્શ સોસાયટી મેઇન રોડ પર થઇ તેના ઘર તરફ જતો હતો ત્યારે રસ્તામાં યોગીરાજસિંહ વાઢેરે કાવત્રુ રચી તેના માણસો-મિત્રો રવિરાજસિંહ, મિલન અને અમિતને લોખંડના પાઇપ સાથે મોકલ્યા હતાં. આ બધાએ વિશાંતને અટકાવી યોગીરાજસિંહ વાઢેર સાથેના હીરાના હિસાબના ૯ લાખ રૂપિયાની માંગણી કરી  ગાળો દઇ પાઇપથી હુમલો કર્યો હતો.

જેમાં વિશાંતને ડાબા હાથની કોણી નીચેના ભાગે તેમજ આંગળીઓ વચ્ચે ઇજા થઇ હતી. આ મારને કારણે હાથમાં ફ્રેકચર થઇ ગયું હતું. ત્રણેય મારામારી કરતાં હોઇ લોકો ભેગા થઇ જતાં ત્રણેય ત્યાંથી ભાગી ગયા હતાં. એ પછી તેણે મિત્ર પ્રકાશને ફોન કરતાં તે આવી ગયેલ અને તેને ૧૦૮ બોલાવી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને બાબુલાલ ખરાડીએ પીઆઇ બી.એમ. કાતરીયાની રાહબરીમાં ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

વિશાંત રાણપરાના કહેવા મુજબ હું એકાદ મહિના પહેલા મારા કામ સબબ મુંબઇ ગયો હતો. એ વખતે મારા બે મિત્રો   દિવ્યરાજસિંહ અને ધર્મરાજસિંહ મારફત યોગીરાજસિંહ વાઢેરે મારો કોન્ટેકટ કર્યો હતો અને મુંબઇથી ડાયમંડ (હીરા) ખરીદવા છે તેવી વાત કરી હતી. આથી મેં તેને મને હીરામાં ખબર નહિ પડે તમે તેના માટે તમારો માણસ લઇને આવજો. હીરા વેંચવા વાળા સાથે હું કોન્ટેકટ કરાવી દઇશે. આ વાત પછી યોગીરાજસિંહ સહિતના મુંબઇ આવ્યા હતાં અને હું તેને હીરા વેંચવાવાળા પાસે લઇ ગયો હતો. ત્યાંથી તેણે પોતાની સાથે આવેલા માણસ મારફત ખરાઇ કરાવી રૂ. ૯ લાખના ૪ હીરા ખરીદ કર્યા હતાં.

જે તે વખતે વેંચનારે હીરા પાછા રાખવામાં નહિ આવે અને જો પાછા રખાશે તો બજાર ભાવ ચાલતા હશે એ ભાવ મળશે તેવી વાત કરી હતી. ત્યારબાદ યોગીરાજસિંહે રાજકોટ આવી હીરા ચેક કરાવતાં કિંમત વધુ ચુકવી દીધાનું કોઇએ તેને કહ્યું હતું. એ પછી અમદાવાદ હીરા બતાવવા જતાં ૮ાા લાખ ભાવ મળશે તેવું કહેવાયું હતું. આથી યોગીરાજસિંહે મને પરત મુંબઇ હીરા આપવા જવાની વાત કરતાં અમે ત્યાં ગયા હતાં. પરંતુ ત્યાં પણ પચાસ હજારની ખોટ ખાવી પડે તેમ જણાવાતાં યોગીરાજસિંહે ગુસ્સે થઇ 'હવે તારે મને ખોટની રકમ સામે પંદર લાખ દેવા પડશે' તેમ કહી ઝઘડો કર્યો હતો અને રાજકોટ આવી ગયા હતાં. એ પછી તે અવાર-નવાર હીરામાં ખોટ ગઇ હોઇ તેના પૈસાની મારી પાસે ઉઘરાણી કરતાં હતાં અને સોમવારે કાવત્રુ ઘડી તેના ત્રણ માણસોને મોકલી મારા પર હુમલો કરાવ્યો હતો.

વિશાંતની આ કેફીયત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. યોગીરાજસિંહના પિતા અગાઉ શહેર પોલીસમાં ફરજ બજાવતાં હતાં. આરોપી પકડાયા બાદ બીજી વિગતો સામે આવશે.

(11:40 am IST)