Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

હડતાલ ન સમેટાતા યાર્ડના શાસકો આકરા પાણીએ

યાર્ડમાં કામ ન કરવા માંગતા વેપારીઓ અને કમિશન એજન્ટોને ત્રણ દિવસમાં લાયસન્સ પરત કરવા તાકિદ

આઠમાં દિવસે રાજકોટ યાર્ડ બંધઃ વેપારીઓ અને દલાલો હડતાલ સમેટે અન્યથા સહકારી મંડળીઓ મારફત ખેડૂતોની ખેતપેદાશોનું વેચાણ કરવા વૈકલ્પીક વ્યવસ્થા ગોઠવાશેઃ ચેરમેન ડી.કે. સખીયા, વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજા, ડાયરેકટર પરસોતમભાઈ સાવલિયા તથા પ્રવીણભાઈ અણદાણીની હાજરીમાં મળેલ બેઠકમાં નિર્ણય લેવાયો

રાજકોટ, તા.  ૨૫ :.  રાજકોટની ભાગોળે આવેલ બેડી માર્કેટયાર્ડ પાસે આજી ડેમ-૨ના કારણે મચ્છરોના ઉપદ્રવથી ત્રસ્ત વેપારીઓએ  રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે લાઠીચાર્જ કરતા તેના વિરોધમાં તથા મચ્છરોના ઉપદ્રવ પ્રશ્ને આજે આઠમા દિવસે યાર્ડના વેપારીઓએ  બંધ પાળ્યો હતો. યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ યાર્ડના હિતમાં વેપારીઓ અને દલાલોને હડતાલ સમેટવા અપીલ કરી છે તેમજ વેપારીઓ અને કમિશન એજન્ટોને યાર્ડમાં કામગીરી કરવા માંગતા ન હોય તો ૩ દિવસમાં લાયસન્સ પરત કરવા તાકીદ કરી યાર્ડના શાસકોએ હડતાલ સામે આકરૂ વલણ અપનાવ્યુ છે.

રાજકોટ (બેડી યાર્ડ) નજીક પસાર થતા ગટરના પાણીના કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ થવાથી ખેડૂતો, વેપારીઓ અને મજુરો ત્રાહીમામ પોકારી ગયા હતા. મચ્છરોના ઉપદ્રવ મામલે કોઈ કાર્યવાહી ન કરાતા વેપારી એસોસીએશનને ગત સોમવારે હડતાલની ચિમકી આપી હતી. ત્યાર બાદ વેપારીઓ અને મજુરોએ રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને પોલીસની ફરજમાં રૂકાવટ કરી ચક્કાજામ કરનાર વેપારી સહીત ૩ર વ્યકિતઓની પોલીસે ધરપકડ કરી હતી.

દરમિયાન લાઠીચાર્જના  વિરોધમાં તથા મચ્છરોના ઉપદ્રવ પ્રશ્ને વેપારીઓ દ્વારા રાજકોટ યાર્ડની અચોક્કસ મુદતનું બંધનું એલાન આપ્યું છે. તે અંતર્ગત આજે આઠમાં દિવસે રાજકોટ યાર્ડ બંધ રહ્યુ હતું. યાર્ડ બંધ રહેતા યાર્ડને દૈનિક ૮ કરોડનું નુકશાન થઈ રહ્યુ છે. વેપારીઓ, દલાલો અને ખેડૂતો તથા મજુરોને પણ આર્થિક મુશ્કેલી ભોગવવી પડી રહી છે.

દરમિયાન યાર્ડના વેપારીઓએ તેની સામેના પોલીસ કેસ પાછા ન ખેંચાય ત્યાં સુધી યાર્ડ બંધ રાખવાની જાહેરાત પર મક્કમ રહેતા છેલ્લા ૮ દિ'થી યાર્ડમાં કરોડોનું ટર્નઓવર ખોરવાઈ ગયુ છે.

દરમિયાન યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યુ હતુ કે આજે બપોરે યાર્ડના વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજા, ડાયરેકટર પરસોતમભાઈ સાવલિયા તથા પ્રવીણભાઈ અણદાણીની હાજરીમાં બેઠક મળી હતી. આ બેઠકમાં વેપારીઓ, મજુરો અને દલાલો યાર્ડના તથા ખેડૂતોના હિતમાં હડતાલ સમેટવા અપીલ કરી હતી. જે કંઈ પ્રશ્ન છે તેનો નિવેડો લાવવાનો પ્રયત્ન કરાશે.

યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે બેડી મુખ્ય યાર્ડમાં ઉદભવેલ મચ્છર ઉપદ્રવ હલ કરવા માટેની કામગીરી ચાલુ છે અને પ્રશ્નનો મહદઅંશે ઉકેલ આવી રહેલ છે ત્યારે યાર્ડના તમામ વેપારી અને કમિશન એજન્ટો પોતાની કામગીરી ચાલુ કરી દયે તે બાબત તમામના હિતમાં છે. જે તે વેપારીઓ કે કમિશન એજન્ટો યાર્ડની કામગીરી કરવા માંગતા ન હોય તેઓ દિવસ ૩માં બજાર સમિતિ રાજકોટનું લાયસન્સ પરત જમા કરાવી આપે તેમજ બજાર સમિતિ રાજકોટ દ્વારા વૈકલ્પીક વ્યવસ્થા તરીકે સહકારી મંડળીઓ મારફત ખેડૂતોની ખેત પેદાશોનું વેચાણ કરવાની વૈકલ્પીક વ્યવસ્થા વિચારણા હેઠળ છે.

યાર્ડના શાસકોના આકરા વલણ સામે વેપારીઓ અને કમિશન એજન્ટો શું કાર્યવાહી કરે છે ? તે તરફ સૌની મીટ મંડાઈ છે.

(3:37 pm IST)