Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

યાત્રાધામ બેટ દ્વારકામાં ડૂબી જતા રાજકોટનો ઈમ્તિયાઝનું મોત

ડની ટાપુ પોઇન્ટ પર ફરવા ગયેલ :સેલ્ફીના ચક્કરમાં ડૂબ્યો હોવાનું પ્રાથમિક તારણ

યાત્રાધામ બેટ દ્વારકામાં ડૂબી જવાથી રાજકોટના એક યુવાનનું મોત થયું છે. બેટ દ્વારકાની પાછળ આવેલા ડની ટાપુ પોઇન્ટ પર ફરવા ગયેલા યાત્રાળુઓ પૈકી રાજકોટના ઇમ્તિયાઝ ઇસ્માઇલનું ડૂબી જવાથી મોત થયું છે પ્રાથમિક તારણમાં આ યુવાન સેલ્ફી લેવાના ચક્કરમાં ડૂબ્યો હોય તેવી આશંકા વ્યક્ત કરાઇ રહી છે.

યુવકને મીઠાપુરની ટાટા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો મૃતક યુવક ઇમ્તિયાઝ ઇસ્માઇલ રાજકોટનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

આ  યુવકના મોતને લઇને વહીવટીતંત્રની વ્યવસ્થા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. કેમ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ ડની ટાપુ પર જવા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં આ યાત્રાળુઓ કઇ રીતે ડની ટાપુ પર પહોંચ્યા હતા પેસેન્જર બોટને માત્ર ઓખાથી બેટ દ્વારકા જ ફેરીની મંજૂરી અપાઇ છે. તો પછી યાત્રાળુઓ સાથેની બોટ આ વિસ્તારમાં કઇ રીતે પહોંચી. યાત્રાળુઓ કઇ બોટ મારફતે ડની ટાપુ પર પહોંચ્યા. કચ્છમાંથી પાકિસ્તાની બોટ પકડાયા બાદ ઓખામાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમ છતાં યાત્રાળુઓ પ્રતિબંધિત વિસ્તારમાં પહોંચ્યા હતા. જેના કારણે સુરક્ષા એજન્સીઓની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

(1:10 am IST)