Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

શહેરમાં ગેરકાયદે બાંધકામોની ભરમારઃ મેયર - કમિશ્નરને ધોધમાર ફરિયાદો

શાંતિ નિકેતન સોસાયટી, શ્રીનાથજી સોસાયટી, યુનિવર્સિટી રોડ પર સ્કુલ સહિતના બાંધકામોની તપાસ કરવા રજૂઆત

રાજકોટ તા. ૨૪ : શહેરના યુનિવર્સિટી રોડ, શાંતિ નિકેતન અને શ્રીનાથજી સોસાયટીના વિસ્તારોમાં ટાઉન પ્લાનીંગ નિયમો વિરૂધ્ધ માર્જીન - પાર્કિંગ અને રસ્તામાં અડચણ પેદા કરતા ગેરકાયદે બાંધકામો થઇ રહ્યાની અને આ અંગે તપાસ કરાવી નિયમ મુજબ પગલા લેવા મ્યુ. કમિશ્નર તથા મેયર સમક્ષ લેખીત ફરિયાદોના ઢગલા થયા છે. આ અંગે ફરિયાદીઓએ કરેલી રજુઆતો આ મુજબ છે.

કાલાવડ રોડ જલારામ-૨ સોસાયટીનાં રહેવાસીએ મેયર ડો. જૈમન ઉપાધ્યાય તથા મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીને કરેલી લેખીત ફરિયાદમાં જણાવેલ છે. શાંતિ નિકેતન સોસાયટીમાં જુનુ મકાન તોડીને છેલ્લા ૬ મહિનાથી ૪ માળનું નવુ મકાન બાંધવામાં આવે છે અને ટાઉન પ્લાનીંગના નિયમોનો ઉલાળીયો કરીને બાંધકામ થઇ રહ્યું છે. આ ફરિયાદ ૨૩ ફેબ્રુઆરીએ મ્યુ. કમિશ્નરના જનરલ રજીસ્ટ્રી વિભાગમાં ઇન્વર્ડ નં. ૫૬૦૮થી કરાઇ છે.

તેવી જ રીતે શ્રીનાથજી સોસાયટીમાં શેરી નં. ૧૧માં લતાવાસીએ તા. ૨૩ ફેબ્રુઆરીએ જનરલ રજીસ્ટ્રી વિભાગમાં ઇન્વર્ડ નં. ૫૬૦૯થી રસ્તાઓ ઉપર કેટલાક ગેરકાયદે બાંધકામો થઇ રહ્યાની રજૂઆત કરી છે.

આ ઉપરાંત યુનિવર્સિટી રોડ ઉપર રાજકીય વગ ધરાવનારા વ્યકિતએ ૪ માળનું સ્કુલનું બિલ્ડીંગ ખડકી દીધું છે અને ઉપર પાંચમો માળ પણ મંજુરી વગર બનાવી લઇ માર્જીન - પાર્કિંગ છોડયા વગર બાંધકામ કર્યાની રજૂઆત થયેલ છે.

આમ, શહેરનાં ગેરકાયદે બાંધકામો થઇ રહ્યાની ઢગલાબંધ ફરિયાદો ઉઠી છે.

(10:28 am IST)