Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

મણિમા તપોમય જીવનથી માતાજી જાનકીદાસ બન્‍યા

૩૫ વર્ષની વયે ઘર છોડીને ગિરનાર પહોંચ્‍યા : જંગલમાં વરૂડી માતા, ખોડિયાર માતા, મેલડી માતાના ફળા સ્‍થાપ્‍યા : તપ-સેવાથી જીવન દીપાવ્‍યું

ભવનાથથી બોરદેવી જતાં વચ્‍ચે ખોડિયારની ઘોડી આવે છે. આ જગ્‍યાએ ખોડિયાર માતાજીનો જૂનો થાપો છે. અહીં જાનકીદાસ કરીને એક માતાજી થઈ ગયા. તેઓએ અહીં મધ્‍ય જંગલમાં પાણીનું પરબ બાંધેલું. જાનકીદાસજી આવતાં જતાં યાત્રિકો અને કઠિયારાઓને પાણી પાતાં, દૂર દૂર જંગલમાંથી  પાણી ભરી લાવતાં અને વટેમાર્ગુઓની તરસ છિપાવતાં. માતાજી સાલસ, નમ્ર અને ભોળાં હતાં. અહીં મધ્‍ય જંગલમાં એક સ્ત્રીને રહેવું અતિ દુષ્‍કર હતું પણ ગિરનારી મહારાજની કૃપાથી માતાજી ઝુંપડી બાંધીને જીવનના અંત સુધી રહ્યાં. નોખા નોખા વેષે કેટલાયે ગિરનારી આત્‍માઓ તેમના હાથનું પાણી પીવા આવતા. માતાજી સાવ ખાલી હાથ તદ્દન નિર્ધન અવસ્‍થામાં રહેતાં અને જેમતેમ કરીને જીવન નિર્વાહ ચલાવતાં.

જાનકીદાસ માતાજીનું મૂળ નામ મણિબહેન હતું. તેઓ ધોરાજી પાસેના ગામ તરવડામાં રહેતા ખાંટ જ્ઞાતિના શ્રી ભગવાનજીભાઈ ઝાલાના દીકરી હતાં. તેમને જેતપુર પરણાવવામાં આવેલાં. લગ્ન જીવન દરમિયાન તેમને દીકરો અને દીકરી એમ બે સંતાનો પ્રાપ્ત થયાં હતાં. માનું જીવન ભક્‍તિમય હતું. સંસાર અસાર લાગવાથી તેમનાથી તેઓ છૂટવા મથતાં હતાં. આખરે હ્રદય કઠણ કરીને તેઓ લગભગ ૩૫ વર્ષની વયે બધું મૂકીને ગિરનાર જવા નીકળી પડ્‍યાં. ગિરનારમાં કેટલાક આશ્રમોમાં રહ્યા અને ત્‍યાં ખૂબ સેવા કરી. જંગલમાંથી તેઓ જાતે લાકડાના ભારા ઉપાડી લાવતાં. છેલ્લે ખોડિયારની ધાર ઉપર આવી અહીં ઝુંપડી બાંધી. ખોડિયાર માતાનું જૂનું સ્‍થાપન રસ્‍તા પરના ગોખમાં હતું. માતાજીએ અહીં આથમણા ઢોરા પર ખોડિયાર માતાજી અને વરૂડી માતાજીના ફળાંની સ્‍થાપના કરી. ઢોરા પર જે મોટા ઓટલા પર છે તે ખોડિયાર માતાજી છે અને તેની દક્ષિણમાં નીચે સ્‍થાપન છે તે આઈ વરૂડી માતાજીનું છે. જોકે હાલ ફળાં પરથી સિંદૂર ભૂંસાઈ ગયો છે. આ ખોડિયાર માતાજીની જગ્‍યાથી દૂધવન તરફ એક કેડી જાય છે. માત્ર થોડે જ જતાં રાયણનું એક જૂનું ઝાડ આવે છે. આ ઝાડના થડની બખોલમાં મેલડીમાનો એક જૂનો થાપો એટલે કે ત્રિશૂળ માત્ર હતું. ત્‍યાં કોઈ અગમ્‍ય પ્રેરણાથી માતાજીએ મેલડીમાના ફળાની સ્‍થાપના કરી. મણિમા આ ત્રણ જગ્‍યાઓ- ખોડિયારમા, વરૂડીમા અને મેલડીમાએ નિત્‍ય સેવાપૂજા કરતાં. તેઓ અહીં ઘોર જંગલના એકાન્‍તમાં ગિરનારી મહારાજની સાક્ષીએ બેસી રહેતા. આ જગ્‍યાએ જંગલી જનાવરો- સાવજ, દીપડાનો ભય હતો પણ મા નિર્ભય થઈ ગયાં હતાં. ખોડિયારની ઘોડી એક એવો ત્રિભેટો છે કે અહીંથી અસૂર સવાર ઘણા મહાત્‍માઓ પસાર થતા હોય છે. માતાજીને આવા મહાત્‍માઓ સાથે સત્‍સંગ થતો. અહીંથી ઉત્તર દક્ષિણ મુખ્‍ય રસ્‍તો તો ભવનાથથી બોરદેવીનો છે, પણ ઉગમણે કેડીથી ઘોડમુખાની ગુફા થઈને સીધા કમંડળકુંડ જવાય. સિદ્ધ મહાત્‍મા નેપાળીબાપુ આ રસ્‍તેથી ચાલતાં. ટાટંબરીબાપુ નિયમિત પરિક્રમા કરતા, તેઓ પણ આ રસ્‍તેથી જ પસાર થતા. અહીંથી નૈઋત્‍યે દૂધવનની જગ્‍યા આવેલી છે, ત્‍યાં હનુમાનદાસબાપુ રહેતા. તેઓ યાત્રિકોને જમાડ્‍યા વિના જવા ન દેતા. દૂધવનથી આથમણે નવગજા થઈને સીધું ઉપલા દાતાર જઈ શકાતું. વચ્‍ચે કલંદરી ગુફા પણ આવતી. ત્‍યાં ઉદાસીન મહાત્‍મા બનારસીદાસબાપુએ ભજન કરેલું.

 બોરદેવીની જગ્‍યાના સંતો જનાર્દનદાસબાપુ અને તેમના ગુરૂભાઈ રાઘવદાસબાપુને માતાજી પ્રત્‍યે અનન્‍ય ભાવ હતો. રાઘવદાસબાપુ ગુરૂ રામલખનદાસબાપુ રાજકોટ પાસેના ગઢકાની પ્રભુ પગલાંની કે અઠ્ઠે દ્વારકાની જગ્‍યાના મહંત હતા. તેઓ રામાનંદી વૈષ્‍ણવ વૈરાગી પરંપરાના સાધુ હતા. તેમના પવિત્ર જીવનથી પ્રેરાઈને મણિમાએ રાઘવદાસબાપુ પાસેથી વૈરાગી સાધુની દીક્ષા લીધી અને જાનકીદાસ નામ ધારણ કર્યું. માએ શ્વેત વષાો ધારણ કર્યાં અને તુલસીની માળા પહેરી. માતાજીએ વર્ષો સુધી યાત્રિકોની નિસ્‍વાર્થ ભાવે સેવા કરી અને કઠિન તપોમય જીવન વિતાવ્‍યું.

માતાજી વયોવૃદ્ધ થઈ ગયાં હતાં. તેમનું શરીર તેમને સાથ ન્‍હોતું આપતું. છેવટે તેઓ માંદાં પડી ગયાં. આ વાતની જાણ તેમના પુત્રને થતાં તેઓ માતાજીને તેમના ઘેર તેડી ગયાં. ત્‍યાં માતાજીએ વિ. સં. ૨૦૪૧ મહાસુદી-૧૧ શુક્રવાર ને તા. ૦૧-૦૨-૧૯૮૫ના રોજ લગભગ નેવું વર્ષની વયે દેહ ત્‍યાગ કર્યો. તેમના અગ્નિ સંસ્‍કાર કરવામાં આવ્‍યા. તેમના અસ્‍થિફૂલને ખોડિયારની ધાર પર લાવી પધરાવવામાં આવ્‍યાં અને તેમની પર ચરણપાદુકાનું સ્‍થાપન કરવામાં આવ્‍યું. આજે જોકે કોઈએ માતાજીની ચરણપાદુકા ઉખેડી નાખી છે અને ત્‍યાં ઓટા પર ઝાડી ઝાંખરાં ઊગી ગયાં છે. જાનકીદાસ માતાજીના વંશજો વર્ષમાં એકવાર અહીં સમાધિ જુવારવા આવે છે.(૨૧.૨૪)

સૌરાષ્ટ્રનો અમર વારસો

: આલેખન :

ડો. જીત જોબનપુત્રા

મો. ૮૩૨૦૭ ૨૧૦૫૩

(3:57 pm IST)