Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

ધોળકીયા સ્કુલ દ્વારા કાલથી ચાર દિવસીય બિઝનેશ ફેર

વિદ્યાર્થીઓને વેપાર વાણિજયનું જ્ઞાન મળે તેવો હેતુ : મવડી ચોકડી પાસેના સોરઠીયા ગ્રાઉન્ડમાં ૩૦૦ થી વધુ સ્ટોલ : ૧૫૦૦ વિદ્યાર્થીઓની મહેનત : ૭૫ હજાર મુલાકાતી ભાગ લેશે

રાજકોટ તા. ૨૫ : વિદ્યાર્થીઓને અભ્યાસ કરતા કરતા જ વેપાર વાણિજયનું વ્યવહારૃ જ્ઞાન મળે તેવા હેતુથી ધોળકીયા સ્કુલ દ્વારા કાલથી ચાર દિવસીય 'બિઝનેસ ફેર'નું આયોજન કરાયુ છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા શાળાની ટીમે જણાવ્યુ હતુ કે કાલથી રાજકોટના મવડી ચોકડી પાસે, બાપા સીતારામ ચોક સામેના સોરઠીયા ગ્રાઉન્ડમાં આ બિઝનેશ ફેરનો પ્રારંભ થશે. જેમાં ૧૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે અને જુદા જુદા ૩૦૦ થી વધુ સ્ટોલ લગાવશે. કાચા માલની ખરીદીથી લઇને વેંચાણ કરવા સહીતની તમામ વ્યવસ્થા વિદ્યાર્થીઓ જાતે જ કરશે. ઘર વપરાશની ચીજવસ્તુઓ, કપડા, ફુટવેર, સ્ટેશનરી, મોબાઇલ એસેસરીઝ, ગૃહ સજાવટની વસ્તુઓ, હેન્ડીક્રાફટ, હેલ્થકેર પ્રોડકટસ, ઓર્ગેનીક ફ્રુટસ અને વેજીટેબલ્સ સહીતની વસ્તુઓના સ્ટોલ ઉભા કરાશે.

સાથે મનોરંજન માટે વિવિધ રાઇડ્સ, ચકરડી, જમ્પીંગ જેક સહીતના આનંદ પ્રમોદના સાધનો પણ ગોઠવાશે. ફુડઝોન, આઇસ્ક્રીમ, લાઇવ ચોકલે, ચા-કોફી, સ્નેકસ અને ક્રન્ચી બાઇટસ પણ ઉપલબ્ધ હશે.

અંદાજીત ૭૫ હજારથી વધુ લોકો આ બિઝનેશ ફેરની મુલાકાત લ્યે તેવી તૈયારી કરાઇ છે.

અહીં ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે શાળાના આવા બિઝનેશ ફેરમાં વેપાર ૧ કરોડના આંકને આંબી ગયો હતો. આ વર્ષે તેને પણ વટી જાય તેવી તડામાર તૈયારીઓ કરાઇ છે. જે કંઇ નફો થશે તે વિવિધ સેવા પ્રવૃતિઓમાં વપરાશે. તેમ શાળાની ટીમના આગેવાનોએ જણાવ્યુ હતુ.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ધોળકીયા સ્કુલના ટ્રસ્ટી જીતુભાઇ ધોળકીયા, પ્રિન્સીપાલ હિતેષભાઇ કોટેચા, પ્રિન્સીપાલ શાલીનભાઇ રાવરાણી, પ્રિન્સીપાલ રાહુલભાઇ રાવલ તેમજ વિદ્યાર્થીઓ ચેલ્સી પીપળીયા, રાજવી શીંગાળા, વિશ્વા વિસોડીયા, પાર્થ રાજવીર, સોહમ માખેચા, કૌશલ સોનૈયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:18 pm IST)