Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

કૌટુંબીક કાકાના હથિયાર સાથેનો ફોટો ફેસબુકમાં અપલોડ કરવાનું ભારે પડયું !

ફોટો અપલોડ કરનાર પાંચ તલાવડાના સંજય મેણીયા અને હથિયાર આપનાર : મોટી લાખાવડના મગન મેણીયા સામે રૂરલ એસઓજીની કાર્યવાહી

રાજકોટ તા. ૨૫ : કૌટુંબીક કાકાના હથિયાર સાથેનો ફોટો ફેસબુકમાં અપલોડ કરનાર કોટડાસાંગાણીના પાંચ તલાવડાના યુવાન અને તેના કૌટુંબીક કાકા સામે રૂરલ એસઓજીએ ગુન્‍હો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

મળતી વિગતો મુજબ કોટડાસાંગાણીના પાંચ તલાવડા ગામે રહેતા સંજય સવાભાઇ મેણીયા (ઉ.૨૭)એ પોતાના શોખ માટે બીજાના પરવાનાવાળા બારબોરના હથિયાર સાથેનો ફોટો પાડી પોતાના ફેસબુક આઇડી ઉપર અપલોડ કરતા અને આ અંગે રૂરલ એસઓજીને જાણ થતાં પીઆઇ કે.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.સી.મિયાત્રા તથા સ્‍ટાફે તપાસ હાથ ધરી પાંચ તલાવડાના સંજયને પકડી પૂછતાછ કરતા આ હથિયાર તેના કૌટુંબિક કાકા મગન આંબાભાઇ મેણીયા રે. મોટી લાખાવડ તા. વિંછીયાનું હોવાનું અને થોડા સમય પૂર્વે તે કાકાના ઘરે ધાર્મિક પ્રસંગમાં ગયો હતો ત્‍યારે તેની પાસેથી હથિયાર લઇ ફોટો પાડયા બાદ આ ફોટો ફેસબુકમાં અપલોડ કર્યાની કેફીયત આપી હતી. રૂરલ એસઓજીએ હથિયાર પરવાનો ન હોવા છતાં હથિયાર સાથેનો ફોટો ફેસબુકમાં અપલોડ કરનાર સંજય મેણીયા તથા તેના કૌટુંબિક કાકા મગન મેણીયા સામે હથિયાર લાયસન્‍સની શરત ભંગનો ગુન્‍હો દાખલ કરી બંનેની ધરપકડ બાદ કાર્યવાહી કરી હતી.

(3:17 pm IST)