Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

યુવા મતદારો મતદાર યાદીમાં અચૂક નામ નોંધાવે : દરેક મતદાતા તેમના મતાધિકારનો ખાસ ઉપયોગ કરે : કલેકટરની હૃદયસ્પર્શી અપીલ

સમાવેશી - સુગમ - સહભાગિતાના સૂત્ર સાથે રાજકોટમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની શાનદાર ઉજવણી :શ્રેષ્ઠ BLO - સુપરવાઇઝર - કેમ્પસ એમ્બેસેડર જાહેર : તમામ અધિકારીઓ - મતદાતાઓ દ્વારા ખાસ પ્રતિજ્ઞા લેવાઇ : રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ R.O. તરીકે રાજકોટના રાજેશ આલ

રાજકોટ તા. ૨૫ :  લોકતાંત્રિક ચૂંટણી પ્રક્રિયામાં દરેક પાત્ર નાગરિકને સહભાગી બનાવવા, દરેક પાત્ર નાગરિકને મતદાર તરીકે નોંધણી કરાવવા અને ચૂંટણી વખતે મતદાન કરીને પોતાનો સક્રિય અને અર્થપૂર્ણ ફાળો આપવા માટે પ્રેરિત કરવાના હેતુ સાથે વર્ષ ૨૦૧૧ થી દર વર્ષે ૨૫ જાન્યુઆરીના રોજ 'રાષ્ટ્રીય મતદાતા' દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના અનુસંધાને રાજયકક્ષાની વર્ચ્યુઅલ  ઉજવણીમાં રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર જોડાયું હતું.  

આ તકે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ આજના દિવસનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, કોઈપણ એલિજિબલ મતદાતા મતદાન કરે તે માટે તંત્ર દ્વારા જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. મહિલાઓ, વૃદ્ઘો, દિવ્યાંગો સહિત તમામ મતદાતાઓ માટે મતદાન બુથ પર વિશેષ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

આ તકે તેમણે યુવા મતદારો તેમના નામ મતદાર યાદીમાં નોંધાવે અને દરેક મતદાતા તેમના મતાધિકારનો ઉપયોગ કરી ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બને તે માટે ખાસ અનુરોધ કર્યો હતો.

રાજકોટ જિલ્લામાં શ્રેષ્ઠ બી.એલ.ઓ., સુપરવાઈઝર, કેમ્પસ એમ્બેસેડર જાહેર કરવામાં આવ્યા હતાં તેમજ શ્રેષ્ઠ સુપરવાઈઝર અને બી.એલ.ઓ. ની કામગીરીને કલેકટરશ્રીએ બિરદાવી હતી. રાજય કક્ષાએ રાજકોટ જિલ્લાના ગોંડલના  રાજેશ આલ તેમજ બી.એલ.ઓ.  પ્રજ્ઞાબેનની કામગીરીને રાજય કક્ષાએ  સરાહના  કરવામાં આવી હતી. 

જિલ્લા કક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ દ્વારા મતદાર પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

આજના કાર્યક્રમમાં પ્રયાસ પેરેન્ટ્સ સંસ્થા દ્વારા મતદાન જાગૃતિ અંગે એક વિડીયો ફિલ્મ દર્શાવવામાં આવી હતી. જીનિયસ સ્કૂલના સ્પીકર રોહિત સિક્કા દ્વારા યુવા મતદારોને મોટિવેશન પૂરું  પાડવામાં આવ્યું હતું.

મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી સુશીલ ચન્દ્રાએ વિડીયો મેસેજ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં કરવામાં આવતી કામગીરી અંગે માહિતી પુરી પાડી ચૂંટણી પ્રક્રિયા વધુ સુદ્રઢ બને તે  માટે ટેકનોલોજી અને એપનો મહત્ત્।મ ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું તેમજ કોરોના સમયે ખાસ એસ.ઓ.પી. સાથે ચૂંટણી પ્રક્રિયા  હાથ ધરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું. ગાંધીનગરથી રાજય ચૂંટણી અધિકારીશ્રી દ્વારા ખાસ મતદાતા જોગ સંદેશ પાઠવવામાં આવ્યો હતો. 

આ પ્રસંગે જીનીયસ સ્કુલ,આત્મીય યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહીત  યુવાનો  ઓનલાઇન જોડાયા હતાં

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા આ વર્ષના 'રાષ્ટ્રીય મતદાતા દિવસ'ની નક્કી કરવામાં આવેલ થીમ છે - ''ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ.'' આ વિષય વસ્તુ આધારે સમાવિષ્ટ ચૂંટણી પ્રક્રિયામાં મહિલા મતદારો, યુવા મતદારો,  થર્ડ જેન્ડર, સ્થળાંતરિત સમૂહો વિગેરેનો સમાવેશ થાય છે. દિવ્યાંગ મતદારો, શારિરિક અક્ષમ અને વયસ્ક મતદારો માટે સુગમ ચૂંટણી અને દિવ્યાંગજનો માટે કાર્યરત સંસ્થાઓ, અંધજન મંડળ, મહિલા સામાખ્ય, NCC, NSS જેવી સંસ્થાઓ અને વિવિધ સામાજીક સેવા સંગઠનોના સહયોગથી સહભાગી ચૂંટણી પ્રકિયાનો અર્થ સૂચવે છે.  

આજના કાર્યક્રમમાં  પ્રાંત અધિકારી  કે.બી. ઠક્કર, અધિક કલેકટર એન. આર. ધાધલ, નાયબ ચૂંટણી અધિકારી સિદ્ઘાર્થ ગઢવી સહીત ચૂંટણી શાખાના અધિકારી તેમજ કર્મચારીઓ જોડાયા હતાં.  ડેપ્યુટી કલેકટર  પૂજાબેન જોટાણીયાએ આભારવિધિ કરી હતી.

(3:25 pm IST)