Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

કુંભારવાડાનો બનાવઃ કાકા સાથે ચડભડ થતાં આઇટી કંપનીમાં જોબ કરતાં સ્મિત ગોરવાડીયાનો આપઘાત

એમબીએ પુરૂ કર્યા પછી બરોડામાં નોકરી મળી હતીઃ ગઇકાલે જ કંપનીનું કામ પુરૂ કરી ઘરે આવ્યા બાદ પગાર મામલે માથાકુટ થયા પછી સ્યુસાઇડ નોટ લખી પગલુ ભર્યુ

રાજકોટ તા. ૨૫: કેનાલ રોડ પર કુંભારવાડા-૬માં રહેતાં અને આઇટી કંપનીમાં નોકરી કરતાં સ્મિત જીતેન્દ્રભાઇ ગોરવાડીયા (પ્રજાપતિ) (ઉ.વ.૨૩) નામના યુવાને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. કાકા સાથે ચાર મહિનાના પગારના હિસાબ પ્રશ્ને ચડભડ થતાં સ્યુસાઇડ નોટ લખીને આ પગલુ ભરી લીધાનું બહાર આવ્યું હતું.

જાણવા મળ્યા મુજબ કુંભારવાડામાં રહેતો સ્મિત ગોરવાડીયા ગઇકાલે જ ટૂરમાંથી ઘરે આવ્યો હતો. એ પછી કાકા મહેન્દ્રભાઇ સાથે પગાર પ્રશ્ને ચડભડ થઇ હતી. રાતે સ્યુસાઇડ નોટ લખીને ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધું હતું. સ્મિતએ મારવાડી કોલેજમાં એમબીએનો અભ્યાસ કર્યો હતો. હાલમાં તે બરોડાની આઇટી કંપનીમાં નોકરી કરતો હતો. હવે તેને પ્રમોશન મળતાં જુનાગઢ, જામનગર, ભાવનગરનું માર્કેટીંગનું કામ કરવાનું હતું. ગઇકાલે જ તે આઇટી કંપનીની એપ્લીકેશનના કામની ટૂર પુરી કરીને ઘરે આવ્યો હતો. એક મહિનાના પગારના પચ્ચીસ હજાર લેખે ચાર મહિનાના એક લાખ વીસ હજાર થતાં હતાં. જેમાં પચ્ચીસ હજાર ઓછા હોઇ તે બાબતે સ્મિતને કાકા સાથે ચડભડ થઇ હતી.

આ કારણે તેણે સ્યુસાઇડ નોટ લખી છતના હુકમાં દોરી બાંધી દેહ લટકાવી દીધો તો. બનાવની જાણ થતાં પીએસઆઇ જે. બી. વસાવા, હેડકોન્સ. મોૈનિકભાઇ, રાજુભાઇ સહિતે જરૂરી કાર્યવાહી હતી. આપઘાત કરનાર સ્મિત બે ભાઇમાં નાનો અને અપરિણિત હતો. યુવાન અને આશાસ્પદ દિકરાના પગલાથી પ્રજાપતિ પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

(3:22 pm IST)