Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

યુરીયા ખાતરની અછત દૂર કરોઃ પોટાશયુકત ખાતરમાં આવેલ ભાવ વધારો પાછો ખેંચો

ખેડૂતો લૂંટાઈ રહ્યા છેઃ આમ આદમી પાર્ટીનું આવેદન

રાજકોટ, તા. ૨૫ :. આમ આદમી પાર્ટી રાજકોટ એકમે મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી યુરીયા ખાતરની અછત દૂર કરી, પોટાશ યુકત ખાતરોમાં લાદવામાં આવેલ ભાવ વધારો પરત ખેંચવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતુ કે, છેલ્લા ૬ મહિનાથી યુરીયા ખાતરની અછત જોવા મળી રહી છે. હાલ ખેડૂતોને યુરીયા ખાતરની શિયાળુ પાક માટે તાતી જરૂર છે. યુરીયા ખાતરના અભાવે શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ છે એવા સમયે જ ખાતર પૂર્ણ માત્રામાં મળતુ નથી. ખાતરના ડીલરો પણ ઓર્ડર આપે ત્યાર પછી ૨ મહિના સુધી ખાતર મોડું આપવામાં આવે છે.

યુરીયા ખાતરની અછત તાત્કાલિક દૂર કરી, ખેડૂતને પુરતા પ્રમાણમાં યુરીયા ખાતર મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે એવી ખેડૂતો વતી માંગણી છે.

ગત વર્ષે રાસાયણિક ખાતરમાં એક સાથે ૫૦ ટકા જેટલો ભાવ વધારો આવ્યા બાદ ૯ એપ્રિલના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી હતી કે ખેડૂતો પર ખાતરના ભાવ-વધારાનો બોજ નહિ પડે. જે ભાવ વધારો થયો છે તે સરકાર સબસીડી પેટે ખાતર બનાવતી સંસ્થાઓને ચૂકવી આપશે ત્યાર બાદ પણ પોટાશ યુકત ખાતરમાં મોટા પ્રમાણમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે જે ભાવ વધારો માત્રને માત્ર ખેડૂતોના ઘેરથી ખાતર પાડવાનું ષડયંત્ર છે. ગત એપ્રિલ મહિનામાં સરકારે સબસિડી પેટે ભાવ વધારો કરી આપ્યો છે ત્યાર બાદ પણ સહકારી સંસ્થાઓ ધીમી ગતિએ ભાવ વધારો કરી સરકારની રહેમ નજર નીચે ખેડૂતોને લૂંટી રહી છે. આ લૂંટ બંધ કરવામાં આવે અને ભાવ વધારો પરત ખેંચવામાં આવે એવી અમારી માંગણી છે.

(2:52 pm IST)