Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

આરટીઓ પાસેની મનહર સોસાયટીમાં બંગડીના છોલના ગોડાઉનમાં ભિષણ આગઃ લાખોનું નુકસાન

શોર્ટ સરકિટથી આગ ભભૂકયાની શકયતાઃ પ્લાસ્ટીકની બંગડીનો વેસ્ટેજ છોલનો જથ્થો સહિતની ચીજવસ્તુ ખાકઃ નવીનભાઇની માલિકી

તસ્વીરમાં જ્યાં આગ ભભૂકી એ ગોડાઉન અને અંદર રખાયેલો પ્લાસ્ટીક છોલનો મોટો જથ્થો બળી રહ્યો છે તે તથા આગ બુઝાવવાની કામગીરી કરી રહેલા ફાયર બ્રિગેડના જવાનો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા) (૧૪.૧૨)

રાજકોટ તા. ૨૫: શહેરની આરટીઓ કચેરી પાસે મનહર સોસાયટીમાં આવેલા બંગડીના છોલનો મોટો જથ્થો ભરેલા ગોડાઉનમાં સવારે ભિષણ આગ ભભૂકી ઉઠતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. પ્લાસ્ટીકનો વેસ્ટેજ છોલનો મોટો જથ્થો અહિ રખાયો હોઇ તેના સહિતની ચીજવસ્તુઓ બળી જતાં લાખોનું નુકસાન થયું છે.

આરટીઓ પાસે આવેલી મનહર સોસાયટીમાં આવેલા નવીનભાઇની માલિકીના ગોડાઉનમાં સવારે આગ ભભૂકતાં અને મોટી જ્વાળાઓ સાથે ધૂમાડાના ગોટેગોટા નીકળવા માંડતા લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતાં. ગોડાઉનના વંડામાં પ્લાસ્ટીકની બંગડીના છોલનો વેસ્ટેજ જથ્થો મોટા પ્રમાણમાં રાખવામાં આવ્યો હતો. જેમાં આગ ભભૂકી હતી.

બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં ત્રણ ફાયર ફાઇટર તાબડતોબ પહોંચ્યા હતાં અને પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. આગમાં પ્લાસ્ટીક છોલનો મોટો જથ્થો ખાક થઇ ગયો હોઇ લાખોનું નુકસાન થયું છે. ગોડાઉનના પટ સાથે ત્રણ ઓરડીઓ છે. તેમાં રાખેલો માલ પણ બળી ગયાનું જાણવા મળ્યું છે. ચીફ ફાયર ઓફિસર ઇલેશભાઇ ખેર, શૈલેષભાઇ નળીયાપરા, હાર્દિકભાઇ, ફાયરમેન ભુપતભાઇ, જયેશભાઇ, મહેશભાઇ, જયદિપસિંહ, અનીલભાઇ, પ્રકાશભાઇ, ભીખાભાઇ સહિતની ટીમે આગને કાબુમાં લેવા મહેનત કરી હતી. શોર્ટ સરકીટથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે. ગોડાઉનની બાજુમાં રહેતાં જીતેન્દ્રભાઇ નામના નાગરિકે ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરી હતી. બંગડી બનાવતી વખતે નીકળતા વેસ્ટેજ છોલને અહિ મોટા પ્રમાણમાં સાચવવામાં આવ્યો હતો.

(6:01 pm IST)