Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

જિલ્લા પંચાયતની ૬ અને રાજકોટ તાલુકા પંચાયતની રર બેઠકો માટે બુધવારે ભાજપ સેન્સના 'પોટલા' બાંધશે

નિરીક્ષક તરીકે પાડલિયા, ઢોલરિયા, સીમાબેનની વરણીઃ પ્રમુખ બાબુલાલની રાહબરીમાં તૈયારી

રાજકોટ તા. રપ :.. તાલુકા - જિલ્લા પંચાયતની ર૮ ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણી માટે જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ તાલુકા પંચાયતની ૩ર બેઠકો અને તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની ૬ બેઠકો માટે તા. ર૭ મીએ સવારથી શહેરની બેડીપરા પટેલવાડી ખાતે સેન્સ પ્રક્રિયા થશે. બાકીના તાલુકાઓમાં આવતીકાલે તા. ર૬ મીએ સેન્સ લેવાશે. જિલ્લા ભાજપ દ્વારા રાજકોટ તાલુકા માટે મહેન્દ્ર પાડલિયા, અલ્પેશ ઢોલરીયા અને સીમાબેન જોષીની નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે.

જિલ્લાના રાજકારણમાં રાજકોટ તાલુકો ભાજપ માટે સૌથી વધુ 'સંવેદનશીલ' ગણાય છે. આ તાલુકામાં જિલ્લા પંચાયતની ૬ બેઠકો આવે છે. ર૦૧પ ની ચૂંટણીમાં ભાજપને રાજકોટ અને ગોંડલ તાલુકામાંથી એક - એક સહિત કુલ બે જ બેઠકો મળેલ. નવા સીમાંકન અને જિલ્લા ભાજપમાં નેતૃત્વ પરિવર્તન પછી પ્રથમ વખત ચૂંટણી આવી રહી છે. રાજકોટ તાલુકામાં જિલ્લા પંચાયતની આણંદપર, બેડી, કુવાડવા, બેડલા, ત્રંબા, અને સરધાર બેઠકનો સમાવેશ થાય છે. સરધાર-ત્રંબા સિવાઇ ચારેય બેઠકો મહિલા માટે અનામત છે. અપેક્ષિત કાર્યકરોની સેન્સ લેવાશે. પાર્ટીએ દાવેદારો માટે ખાસ ફોર્મ તૈયાર કર્યા છે. સ્થળ પર પણ ફોર્મ ભરી શકાશે.

સેન્સ પ્રક્રિયા માટે તાલુકા ભાજપ પ્રમુખ બાબુલાલ નસિતના માર્ગદર્શન હેઠળ તૈયારી થઇ રહી છે. ભાજપ માટે કાર્યકરો સારું વાતાવરણ હોવાનું માની રહ્યા હોવાથી ટીકીટ માટે લાઇન લાગવાના એંધાણ છે.

(4:15 pm IST)