Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

નિતીન ધોકો લઇ પડોશીના ઘરમાં ઘુસ્યો...બધાને મારી નાંખવા છે કહી સગર્ભાને પેટમાં ફટકાર્યો

મોરબી રોડ શિવ વિહારમાં માવતરે આટો દેવા ગયેલી પરિણિતા પર હુમલો : તેણીના માતા અને ભાઇને પણ ઇજાઃ સગર્ભાનો ભાઇ નિતીન વારાની દિકરી સામે જોતો હોવાના આક્ષેપ મામલે અને નિતીનના સાળાને રોડ સુધી મુકવા જવા મામલે થયેલી ચડભડ કારણભુત

રાજકોટ તા. ૨૫: મોરબી રોડ તિરૂપતી સોસાયટીમાં સાસરૂ ધરાવતી રક્ષિતાબેન યાજ્ઞિક રામાણી (ઉ.વ.૨૪) નામની સગર્ભા ગઇકાલે રવિવારે મોરબી રોડ શિવવિહાર સોસાયટી રઘુવીર પાનવાળી શેરી-૧માં રહેતાં પોતાના માવતરના ઘરે હતી ત્યારે માવતરના પડોશી નિતિન ઇશ્વરભાઇ વારાએ ધોકા સાથે ઘરમાં ઘુસી જઇ 'આજ તો બધાને મારી જ નાંખવા છે' કહી ધોકાથી હુમલો કરી રક્ષિતાબેન, તેના માતા અને ભાઇને ઇજા કરતાં ફરિયાદ થઇ છે.

બી-ડિવીઝન પોલીસે રક્ષિતાબેનની ફરિયાદ પરથી નિતીન વારા સામે આઇપીસી ૪૫૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. તેણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પતિ સાથે રહું છું અને હાલમાં મારા પેટમાં ચાર માસનો ગર્ભ છે. છએક દિવસ પહેલા મારા કાકાજી સસરા દિનેશભાઇ કે જેઓ ગુજરી ગયા હોઇ મારા પતિ પ્રાઇવેટ નોકરી કરતાં હોઇ મને ગર્ભ હોવાથી સારસંભાળ રહે તે માટે મને રવિવારે મારા માવતર ભાનુબેન વશરામભાઇ સંખાવરા કે જે મોરબી રોડ શિવવિહારમાં રહે છે ત્યાં મુકી ગયા હતાં. બે દિવસ પહેલા મારો ભાઇ રવિ (ઉ.વ.૨૧)ને અને મારા માતુશ્રીને સામેના મકાનમાં રહેતાં નિતીન વારા સાથે માથાકુટ થઇ હતી. તેણે તમારો રવિ અમારી દિકરીની સામે જોવે છે તેવો આક્ષેપ કર્યો હોઇ મારા માતા ભાનુબેને નિતીનભાઇનેસમજાવ્યા હતાં કે તમારી દિકરી સાથે રવિને અગાઉ મિત્રતા હતી. પણ હવે કંઇ નથી. તમારી પત્નિ બીનાબેન જ મારા દિકરા રવિને તમારી દિકરી સાથે વાત કરવાનું ફોન કરીને કહે છે તેમ કહેતાં ચડભડ થઇ હતી.

આ વાત મારા માતાએ મને કરી હતી. દરમિયાન નિતીનભાઇના સાળા જામનગરથી આટો મારવા આવ્યા હોઇ તેને રોડ સુધી મોટરસાઇકલમાં મુકી આવવા  કહેવાતાં મારો ભાઇ રવિ તેને રોડ સુધી મુકીને પાછો આવતાં મારા માતાએ મારા ભાઇને 'તું શું કામ નિતીનભાઇના સાળાને મુકવા ગયો હતો?' તેમ પુછતાં નિતીન વારા ઘર પાસે જ ઉભા હોઇ તે આ વાત સાંભળી જતાં મારા માતા પાસે આવેલ અને કહેલ કે તમને શું વાંધો છે એ મારા સાળાને મુકવા ગયો એમાં? તેમ કહી ગાળો દઇ ધમકી આપવા માંડેલ અને બાદમાં ધોકો લઇ અમારા ઘરમાં ઘુસી ગયેલ અને હવે તો બધાને મારી જ નાંખવા છે તેમ કહી મારા પિતા વશરામભાઇને ધોકો મારવા જતાં હું વચ્ચે પડતાં મને પેટના ભાગે મારી દીધો હતો. તેમજ મારા માતા, ભાઇને પણ હાથમાં ઇજા પહોંચાડી હતી. લોકો ભેગા થઇ જતાં કોઇએ ફોન કરતી પોલીસ આવી જતાં નિતીનભાઇ ભાગી ગયેલ. મને પેટમા દુઃખાવો ઉપડતાં મારા પતિને જાણ કરતાં તે મને હોસ્પિટલે લાવ્યા હતાં.

હેડકોન્સ. હિતેષભાઇ જે. જોગડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:29 pm IST)