Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

રાજકોટ સહિત દેશભરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ઇ-એપીકનું લોન્ચીંગ : શ્રેષ્ઠ BLO - સુપરવાઇઝરનું સન્માન કરાયું

૯૫ થી ૧૦૦ વર્ષના મતદારોનું પણ સન્માન : મતદાન અંગે પ્રતિજ્ઞા લેવાઇ : ૫૭ હજાર નવા મતદારો ઉમેરાયા૧લી ફેબ્રુઆરીથી નવા મતદારો - ઇ-એપીક - એપ્લીકેશન ડાઉનલોડ કરી પોતાનું ઓળખપત્ર કાર્ડ જાતે મેળવી શકશે

રાજકોટ તા. ૨૫ : આજે રાજકોટ સહિત દેશભરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની શાનદાર ઉજવણી થઇ રહી છે, ગુજરાતમાં દરેક જિલ્લામાં મુખ્ય કાર્યક્રમો યોજાયા છે, તો તાલુકા લેવલે પણ મતદારોનંુ સન્માન થઇ રહ્યું છે.

રાજકોટમાં સવારે ૧૦ વાગ્યે કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષપદે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ હતી.

આ પ્રસંગે ચૂંટણીપંચની ઓળખપત્ર કાર્ડ માટેની ઇ-એપીક એપ્લીકેશનનું ખાસ લોન્ચીંગ કરાયું હતું. ફિલ્મ દ્વારા એપ્લીકેશન કઇ રીતે ડાઉનલોડ કરવી અને મતદારોએ પોતાનું ઓળખપત્ર કાર્ડ કઇ રીતે ડાઉનલોડ કરવું - પ્રિન્ટ મેળવવી તેની સમજ અપાઇ હતી.

તાજેતરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં રાજકોટ શહેર - જિલ્લામાં કુલ ૫૭ હજારથી વધુ નવા મતદારો ઉમેરાયા છે, તે તમામ મતદારો ૧લી ફેબ્રુઆરીથી ઉપરોકત ઇ-એપીક એપ્લીકેશન ડાઉનલોડ કરી પોતાનું કાર્ડ જાતે મેળવી શકશે, હવે ચૂંટણી સ્ટાફ ઘરે ઓળખપત્ર કાર્ડ દેવા આવે તેની રાહ નહિ જોવી પડે.

કાર્યક્રમમાં યુવા મતદારો ઉપરાંત ૯૫ થી ૧૦૦ વર્ષની વયના વૃધ્ધ મતદારોનું સન્માન કરાયું હતું. આ ઉપરાંત ૨૪થી વધુ શ્રેષ્ઠ બીએસઓ - સુપરવાઇઝર અને કેમ્પસ એમ્બેસેડરનું સન્માન કરી પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા. કાર્યક્રમના અંતે મતદાન અચુક અંગે પ્રતિજ્ઞા લેવાઇ હતી.

કાર્યક્રમમાં કલેકટરશ્રી ઉપરાંત એડી. કલેકટર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, અન્ય અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(12:02 pm IST)