Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

કાલે ભૂપેન્દ્રસિંહજીના હસ્તે રાજકોટમાં રાષ્ટ્રધ્વજ લહેરાવાશે

રવિવારે શાનદાર રિહર્સલ યોજાયું : કોરોના - દેશભકિત ઉપર ત્રણ સાંસ્કૃતિક કાર્યક્રમો : રાજકોટ - જેતપુરના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વિવિધ સરકારી વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારનું સન્માન થશે : ચૌધરી હાઇસ્કુલ ખાતે શહેર - જિલ્લામાં સવારે ૯ વાગ્યાથી સાથે કાર્યક્રમ કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવા સૂચના

રાજકોટ તા. ૨૫ : આવતીકાલે ભારતના પ્રજાસત્તાક પર્વની રાજકોટમાં ચૌધરી હાઇસ્કુલ મેદાન ખાતે શાનદાર ઉજવણી થશે. રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાના હસ્તે સવારે ૯ વાગ્યે ભારતની શાન એવા ત્રીરંગાને લહેરાવાશે.

આ વખતે શહેર - જિલ્લાનો બંનેનો એકસાથે કાર્યક્રમ ચૌધરી હાઇસ્કૂલ મેદાન ખાતે યોજાઇ રહ્યો છે.

રાષ્ટ્રધ્વજને સલામી બાદ ઘોડેશ્વારી સહિતની શાનદાર પરેડ યોજાશે. જેમાં રાજકોટ પોલીસ, એસઆરપી, એનસીસી, એનએસએસ સહિતની બટાલીયન ભાગ લેશે.

પરેડ બાદ કોરોના જાગૃતિ તથા દેશભકિત અંગે શહેરની ત્રણ સ્કૂલો દ્વારા ત્રણ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત રાજકોટ - જેતપુરના સ્વાતંત્ર્ય સેનાનીઓનું તેમના વારસદારોની હાજરીમાં સન્માન થશે, ત્યારબાદ શહેર - જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર - ફરજ બજાવનાર ૭૦ થી ૮૦ કર્મચારી - અધિકારીઓનું સન્માન થશે. કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ઉપરાંત કલેકટર, પોલીસ કમિશનર, મ્યુ. કમિશનર, ડીડીઓ, એસપી, એડી. કલેકટર, તમામ પ્રાંત મામલતદારો, આમંત્રીત નાગરિકો, મહેમાનો ખાસ હાજર રહેશે. કોરોના ગાઇડ લાઇન મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવાઇ છે. ગઇકાલે રાજકોટમાં પ્રજાસત્તાક પર્વ સંદર્ભે શાનદાર રિહર્સલ યોજાયું હતું.

(11:32 am IST)