Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

BSF - CRPF - એરફોર્સ RPF ગુજરાત પોલીસ દ્વારા શહેરમાં શાનદાર શસ્ત્ર પ્રદર્શન

સ્નાઇપર ગન - એ.કે. ૪૭ રાઇફલ - LMG ગન - ઈન્ટીગ્રેટેડ ટેલીસ્કોપ ખાસ આકર્ષણ

રાજકોટ તા. ૨૫ : ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે ભવ્યાતિભવ્ય થઇ રહી છે. આ ઉજવણી અંતર્ગત ચૌધરી હાઇસ્કુલ, ખાતે ગુજરાત અને રાજકોટ પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પ્રદર્શન ૨૦૨૦નુ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શુભારંભ કરાવ્યો હતો.

ગુજરાત પોલીસ દ્વારા આયોજીત આ પ્રદર્શનમાં બી.એસ.એફ, સી.આર.પી.એફ રેપીડ એકશન ફોર્સ સહિત ગુજરાત પોલીસ દળ દ્વારા વપરાતા સુરક્ષાને લગતા અત્યાધુનિક સાધનો જેવા કે એ.કે.૪૭, રાયફલ, એલ.એમ.જી. ગન , ઈન્ટિગ્રેટેડ ટેલીસ્કોપ , સ્નાયપર ગન સહિત અત્યાધુનિક ઈકવીપમેન્ટસ અને આતંકવાદીઓ પાસેથી પકડાયેલા હથિયારોનું અદભુત નિદર્શન કરાયુ છે. આ પ્રદર્શન આજ અને કાલે જાહેર જનતા માટે ખુલ્લુ રહેશે. જેનો નાગરિકને બહુધા પ્રમાણમાં લાભ લેવા રાજકોટ પોલીસ દ્વારા અનુરોધ પણ કરાયો છે. આ સમગ્ર પ્રદર્શનને મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ રસપુર્વક નિહાળ્યુ હતુ. અને પ્રદર્શન વિશે વિસ્તૃત માહિતી પણ મેળવી હતી.

આ પ્રસંગે રાજકોટ કલેકટર શ્રી રૈમ્યા મોહન , રાજકોટ મ્યુનિસિપલ ઉદિત અગ્રવાલ , પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ સહિત જિલ્લા વહીવટી તંત્રના વડાઓએ મુખ્યમંત્રીશ્રી રૂપાણીને મશાલ પીટીનો મોમેન્ટો આપી સન્માન કર્યુ હતુ.

આ પ્રસંગે રાજકોટના મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા , ગુજરાત મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખ ભંડેરી, ધારાસભ્યો સર્વશ્રી લાખાભાઇ સાગઠીયા, શ્રી ગોવિંદભાઇ પટેલ શ્રી અરવિંદભાઇ રૈયાણી સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ શસ્ત્ર પ્રદર્શનમાં સ્નાઇપર રાઇફલ મુખ્ય આકર્ષણ રહ્યુ હતુ. આર્મીના અધિકારીઓના જણાવ્યા મુજબ ૫૦ થી ૧૦૦ જણા વચ્ચે કોઇ એકને આ રાયફલ દ્વારા ટારગેટ કરી શકાય છે. તેની રેન્જ ૩૦૦ મીટરની હોય છે. ટેલીસ્કોપ દ્વારા આ રેન્જ ૮૦૦ મીટર સુધી પહોંચી શકે છે. આ રાયફલ દૂનિયામાં સૌથી મજબૂત રાયફલ ગણાય છે. ત્રાસવાદીઓ આ રાયફલનો ઉપયોગ કરતા હોય છે.

(4:01 pm IST)