Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

અદ્ભૂત અવિસ્મરણય શિસ્તબદ્ધ વિદ્યાર્થી-કાર્નિવલ તથા વિદ્યાર્થી દેશ-ભકિત સમૂહગાન યોજાયા

રાજકોટ : એક સાથે રર૦૧પ સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓ તથા નગર પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવનાથી રેસકોર્ષ રીંગ રોડને પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાર્થક બનાવી સમગ્ર રાજકોટ શહેરને રાષ્ટ્રીય એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડયું. કાર્નિવલને નિહાળવા હજારોની સંખ્યામાં રાજકોટના નગરજનો ઉમટી પડયા હતા. સમગ્ર રાજકોટને રાષ્ટ્રભકિતથી તરબોળ કરી દીધા હતા.  વિદ્યાર્થીઓએ કુલ ૩૧ સ્ટેજ ઉપરથી જુદા જુદા રાજયોના લોકનૃત્ય તેમના જ પહેરવેશમાં રજૂ કરીને રાજકોટ પ્રજાજનોના દિલ જીતી લીધી. સાંજે ૬-૪પ વાગ્યે મુખ્યમંત્રીના હસ્તે કાર્નિવલ ઉદ્ઘાટન વખતે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. ઉદ્ઘાટન બાદ ખુલ્લી જીપમાં મુખ્યમંત્રી સાથે મેયર, ધારાસભ્યો તેમજ સ્વનિર્ભર શાળા સંચાલકના હોદેદારો સાથે પુરા રેસકોર્ષ રીંગ રોડ ઉપર ૩૦ મિનિટ સુધી રાઉન્ડ લગાવી અને વિદ્યાર્થીઓને ઉત્સાહિત કર્યા. મુખ્યમંત્રી જયારે દરેક કાર્નિવલ સ્ટેજ પાસેથી પસાર થતાં હતાં ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આનંદની ચિચિયારીઓથી વધાવી લીધા હતા. આ સાથે અત્યાર સુધીનો એક સાથે સમૂહગાનનો ૧પ૦૦૦ વિદ્યાર્થીઓનો હતો તે કાલે રર૦૧પ વિદ્યાર્થીઓના સમૂહગાન સાથે રેકર્ડ કરી 'ઇન્ડીયા બુક ઓફ રેકર્ડ'માં સ્થાન મેળવ્યું છે તે અત્રેનો મેડલ તેમજ સર્ટીફીકેટ ઇન્ડીયા બુક ઓફ રેકર્ડના પ્રતિનિધિ દ્વારા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઇ પટેલ, જીનીયસ ગ્રુપના ડી.વી. મહેતા તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના તમામ કારોબારી સભ્યો તેમજ હોદેદારો, મહામંત્રી અવધેષ કાનગડ, ડી.કે. વાડોદરીયા, પરિમલ પરડવા, હસુભાઇ માયાણી, હારૂનભાઇ નાકાણી, રાણાભાઇ ગોજીયા, અજય રાજાણી, વિપુલ પાનેલીયા, પુષ્કર રાવલ, રાજ ઉપાધ્યાય, જીતેશ મકવાણા, પરેશભાઇ રોલા, રાજેષભાઇ મહેતા, કલ્પેશ સંખારવા, જયદીપ જલુ, મેહુલભાઇ પરડવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગુજરાતના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા તેમજ ઉપપ્રમુખ જતીનભાઇ ભરાડ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, કામનાથ ગ્રુપનો પણ આભાર વ્યકત કર્યો હતો. આજે રાજયના શિક્ષણમંત્રી પણ ઉપસ્થિત રહેવાના હોય તો રાજકોટની જાહેર જનતાને વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-રાજકોટ દ્વારા આમંત્રિત કરવામાં આવે છે. જીનીયસ ગ્રુપ કે જેઓએ સમગ્ર કાર્યક્રમ માટે ખૂબજ સુંદર વ્યવસ્થા તેમજ માર્ગદર્શન આપેલ હોવાથી શ્રી ડી.વી. મહેતા તેમજ સમગ્ર જીનીયસ ગ્રુપનો આભાર વ્યકત કરેલ છે.

(4:00 pm IST)