Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ડ્રેસવાલા શો રૂમની ૭II લાખની ચોરીમાં બાસવાડા ગેંગના બે ઝડપાયા

ત્રીજી તારીખે હિમતનગર, વિજાપુર, દાંતા, અંબાજી, નડિયાદ, આણંદ, અમદાવાદમાં રેકી કરી પણ મેળ ન પડ્યોઃ ૭મીએ ભાવનગરમાં ચોરી કર્યા બાદ બપોરે ધર્મેન્દ્ર રોડ પર આવી શો રૂમ જોઇ ગયા, ૮મીએ રાતે પાછળ બનતા નવા કોમ્પલેક્ષના દાદરે થઇ શો રૂમમાં ઘુસી ગયા અને હાથફેરો કરી પાઇપ વાટે ઉતરી ભાગી ગયા'તા : ક્રાઇમ બ્રાંચે સીસીટીવી ફૂટેજને આધારે તસ્કરોના વાહન નંબર શોધી એપ્લીકેશનની મદદથી પગેરૂ મેળવ્યું: રાજસ્થાન પોલીસની મદદથી ઉદયલાલ ચરપોટા અને બાપુલાલ નિનામાની ધરપકડઃ ૪ લાખની રોકડ કબ્જેઃ કામગીરી કરનાર ટીમને ૧૫ હજારનું ઇનામ આપતાં પોલીસ કમિશનર અગ્રવાલ : હેડકોન્સ. મયુરભાઇ પટેલ, પ્રદિપસિંહ જાડેજા અને યોગીરાજસિંહ જાડેજાની બાતમી પરથી એસીપી જયદિપસિંહ સરવૈયા, પીઆઇ એચ. એમ. ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડાની ટીમની કામગીરી

ડિટેકશનઃ તસ્વીરમાં પીઆઇ એચ. એમ. ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડા અને ટીમ તથા ઝડપાયેલા બંને શખ્સ અને જપ્ત થયેલી કાર જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૫: શહેરના ધર્મેન્દ્ર રોડ પર આવેલા ડ્રેસવાલા શો રૂમમાંથી તા. ૮ જાન્યુઆરીના રોજ રૂ. ૭ લાખ ૫૨ હજારની રોકડની ચોરી થઇ હતી. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચની ટીમે ઉકેલી નાંખી રાજસ્થાનની બાસવાડા ગેંગના બે તસ્કર ઉદયલાલ કચરૂલાલ ચરપોટા (આદિવાસી) (ઉ.૨૩-રહે. લક્ષમણ ગઢ, બાસવાડા-રાજસ્થાન) અને બાપુલાલ કુબેરલાલ નિનામા (આદિવાસી) (ઉ.૩૦-રહે. સેવના તા. જી. બાસવાડા)ને દબોચી લઇ રૂ. ૪ લાખની રોકડ તથા કાર કબ્જે કર્યા છે. ત્રીજા આરોપી ભુરાલાલ ગોપાલલાલ મહિડાનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. આ તસ્કરોએ ૭મીએ બપોરે ત્રણેક વાગ્યે શો રૂમે આવી રેકી કરી લીધી હતી અને ત્રણેય માળે કપડા જોવાના બહાને આટાફેરા કરી લીધા હતાં. એ પછી રાત્રીના સમયે એક શખ્સ કાર લઇને શાસ્ત્રી મેદાનમાં ઉભો હતો અને બીજા બેે શો રૂમમાં પાછળ નવા બની રહેલા કોમ્પલેક્ષના દાદરા વાટે થઇ અંદર પ્રવેશી હાથફેરો કરી લીધો હતો અને પાઇપ વાટે નીચે ઉતરી ભાગી ગયા હતાં.

ચોરીનો ગુનો એ-ડિવીઝનમાં નોંધાયા બાદ ક્રાઇમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જોડાઇ હતી. આસપાસના સીસીટીવી ફૂટેજ, આઇ-વે પ્રોજેકટના સીસીટીવી કેમેરા ટેકનીકલ ટીમની મદદ લઇ ચેક કરવામાં આવતાં પોલીસને શંકાસ્પદ રાજસ્થાન પાસીંગની કાર નજરે ચડી હતી. તેના આધારે તપાસ શરૂ થતાં પગેરૂ રાજસ્થાનના બાસવાડા સુધી પહોંચ્યું હતું અને તસ્કરોને ઝડપી લેવામાં સફળતા મળી હતી. બે આરોપીનેઝડપી લઇ રૂ. ૪,૦૩,૨૦૦ની રોકડ કબ્જે લીધી છે. ત્રીજા આરોપી ભુરાલાલ ગોપાલલાલનુંનામ ખુલતાં તેની શોધખોળ કરવા અને બાકીની રકમ રિકવર કરવા તપાસ યથાવત રખાઇ છે.

પોલીસે સેરવોલેટ કંપનીની કાર પણ કબ્જેક રી છે. ઝડપાયેલા બંને તસ્કર અને તેની ટોળકી આંતરરાજ્ય ગેંગ ધરાવે છે. તેઓ જમ્મુ-કાશ્મીરથી કેરળ, નેપાળ, ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના રાજ્યોમાં રાત્રીના સમયે કપડાના શો રૂમ, મોલમાં ઉપરના ભાગેથી અથવા પાછલા દરવાજેથી પ્રવેશી ચોરી કરી પોતાના વાહનમાં કે એસટી બસમાં બેસી તુરત જ જે તે શહેર છોડી ભાગી જવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.

પોલીસ તપાસમાં ઝડપાયેલા બંનેએ કબુલ્યું હતું કે તા. ૩ના રોજ હિમતનગર, વિજાપુર, વિસનગર, દાંતા, અંબાજી, આણંદ, નડિયાદ, અમદાવાદમાં અલગ-અલગ શો રૂમ-દૂકાનોમાં રેકી કરી હતી. પરંતુ મેળ પડ્યો નહોતો. એ પછી ભાવનગર ગયા હતાં. જ્યાં ત્રણ દૂકાનોમાં ચોરી કરી હતી. એ પછી ૭મીએ રાજકોટ ઝડપાયેલા બંને અને ત્રીજો એમ ત્રણ રાજકોટ પહોંચ્યા હતાં. અહિ ગ્રીનલેન્ડ ચોકડી આસપાસ કાર રાખી દીધી હતી અને રિક્ષા ભાડે બાંધી કપડાની મોટી બજાર હોય ત્યાં લઇ જવાનું કહેતાં રિક્ષાચાલક ત્રણેયને ધર્મેન્દ્ર રોડ પર ઉતારી ગયો હતો. અહિ અલગ-અલગ શો રૂમમાં ફરીને છેલ્લે ડ્રેસવાલામાં ત્રાટકવાનું નક્કી કરી લઇ ત્રણેય માળે કપડા જોવાના બહાને આટાફેરા કરી રેકી કરી લીધી હતી.

રાત્રે શાસ્ત્રીમેદાનમાં કાર રાખી દીધી હતી. એક શખ્સ ત્યાં રોકાયો હતો અને ઉદયલાલ તથા બાપુલાલ ધર્મેન્દ્ર રોડે પહોંચ્યા હતાં. પાછળના ભાગે નવા બનતા કોમ્પલેક્ષના દાદરેથી થઇ ડ્રેસવાલાની અગાસીએ પહોંચી ત્યાંથી અંદર ઘુસ્યા હતાં અને ચોરી કર્યા બાદ પાઇપ વાટે નીચે ઉતરીને શાસ્ત્રી મેદાન પહોંચી ભાગી ગયા હતાં. ત્રીજો શખ્સ ઝડપાયા બાદ બાકીની રકમ રિકવર થશે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ડિટેકશનની કામગીરી કરનાર ટીમને રૂ. ૧૫ હજાર રોકડ પુરષ્કાર આપ્યું હતું અને કામગીરીને વખાણી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જયદિપસિંહ એચ. સરવૈયાની સુચના હેઠળ પી.આઇ. એચ. એમ. ગઢવી અને ટીમના પીએસઆઇ પી.એમ. ધાખડા,  એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા, ફિરોઝભાઇ શેખ, પ્રતાપસિંહ ઝાલા, અમિતભાઇ અગ્રાવત, કોન્સ. નગીનભાઇ ડાંગર, સંજયભાઇ રૂપાપરા, કુલદીપસિંહ જાડેજા, હિરેનભાઇ સોલંકી, યોગીરાજસિંહ જાડેજા, સોકતખાન ખોરમ સહિતે હેડકોન્સ. મયુરભાઇ પટેલ, પ્રદિપસિંહ જાડેજા અને યોગીરાજસિંહ જાડેજાની બાતમી પરથી આ કામગીરી કરી હતી. ટીમે રાજસ્થાનના બાસવાડાના ગામોમાં પહોંચી ત્યાંની પોલીસની મદદથી ગાડી નંબરને આધારે ગાડીના માલિકને શોધી ગુનો ડિટેકટ કર્યો હતો.

ટોળકીનો ઉદયલાલ અને બાપુલાલ અગાઉ બાસવાડા, સુરજપોલ, ઉદયપુર, રતલામ, ઇન્દોર, રાજસ્થાનમાં ચોરી-લૂંટ સહિતના ગુનામાં પકડાઇ ચુકયા છે. આજે ડીસીબીના નવા પોલીસ બિલ્ડીંગનું ડિજીટલ ખાતમુહુર્ત થવાનું છે ત્યારે જ ડીસીબી પોલીસ દ્વારા લાખોનો દારૂ પકડવા ઉપરાંત લાખોની ચોરીનો ગુનો ડિટેકટ કરવામાં આવ્યો છે.

(3:43 pm IST)