Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

આ મહિનાના અંતમાં ફરી ઠંડીનો રાઉન્ડ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાદળો છવાયાઃ કાલથી વાતાવરણ ચોખ્ખુ : સોમ- મંગળ (તા.૨૭-૨૮) વાતાવરણમાં અસ્થિરતા-ઝાકળવર્ષાઃ તા.૨૯,૩૦ ફરી ઠંડીના ચમકારા

રાજકોટ,તા.૨૫: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. આવતીકાલે વાતાવરણ ચોખ્ખુ થઈ જવા સંભવ છે. દરમિયાન તા.૨૭, ૨૮ જાન્યુઆરી (સોમ- મંગળ)ના વાતાવરણમાં ફરી અસ્થિરતા સર્જાશે. કયાંક- કયાંક સિમિત વિસ્તારમાં છાટા છુટીની પણ સંભાવના છે. ત્યારબાદ તા.૨૯, ૩૦ના ફરી ઠંડીના ચમકારાનો અનુભવ થશે. તેમ વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે.

 

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં આજે સવારથી ઘનઘોર વાદળો છવાઈ ગયા હતા. સૂરજદેવતાએ પણ મોડા દર્શન દીધા હતા. ઠંડીમાં મહત્તમ ઘટાડો થયો છે. લઘુતમ અને મહતમ તાપમાન ઉચકાયું છે. પૂર્વ દિશાના પવન ફૂંકાતા હોય ભેજનું પ્રમાણ પણ વધ્યું છે.

વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે કે આવતીકાલે વાતાવરણ ચોખ્ખુ થઈ જવાની સંભાવના છે. જયારે તા.૨૭, ૨૮ (સોમ- મંગળ)ના વાતાવરણમાં ફરી અસ્થિરતા જોવા મળશે. આ બન્ને દિવસ સવારે ઝાકળવર્ષા થશે. તા.૨૭ના બપોર થી ૨૮મીના બપોર સુધી કોઈ- કોઈ સિમિત વિસ્તારમાં છાંટાછુટીની શકયતા છે. ફરી બે દિવસ વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. ત્યારબાદ તા.૨૯, ૩૦ના ફરી ઠંડીના ચમકારા અનુભવાશે. ૩૧મી થી ન્યુનતમ તાપમાન નોર્મલ આસપાસ આવી જશે. અમુક સેન્ટરોમાં ન્યુનતમ તાપમાન નોર્મલથી નીચુ પહોંચી જશે.

(12:54 pm IST)