Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ગવરીદળ પાસે ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ ૫.૧૮ લાખનો દારૂ જપ્ત

'કટીંગ' કરી બામણબોરના અજય ચાવડાએ મેપા જાદવની ઓરડીમાં જથ્થો ઉતાર્યાની માહિતી હતીઃ ૧૭૨૫ બોટલ કબ્જેઃ અજયની શોધઃ એએસઆઇ બી. જી. જાડેજા, મહિપાલસિંહ ઝાલા અને ચેતનસિંહ ગોહિલની બાતમી પરથી રાત્રે દરોડો

રાજકોટ તા. ૨૫: દારૂના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવવાનું પોલીસે યથાવત રાખ્યું છે. છેલ્લા એક અઠવાડીયામાં જ પંદરેક લાખનો દારૂ ક્રાઇમ બ્રાંચ અને અલગ-અલગ પોલીસ સ્ટેશનોની ટીમો દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. વધુ એક દરોડામાં ક્રાઇમ બ્રાંચે ગવરીદળથી આણંદપર (ધાર) તરફ જવાના રસ્તા પર ટીડાબાપાની સુરાપુરાની દેરી નજીક આવેલી મેપા લાલજીભાઇ જાદવની ઓરડીમાં દરોડો પાડી રૂ. ૫,૧૮,૪૦૦નો ૧૭૨૫ બોટલ દારૂનો જથ્થો કબ્જે કર્યો છે.

ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા અને ચેતનસિંહ ગોહિલને પાક્કી બાતમી મળી હતી કે બામણબોરના અજય દિનેશભાઇ ચાવડાએ 'કટીંગ' કરીને તેનો દારૂનો જથ્થો ગવરીદળથી આણંદપર જવાના રસ્તે મેપા જાદવની ઓરડીમાં ઉતાર્યો છે. આ માહિતી પરથી દરોડો પાડવામાં આવતાં અજય મળ્યો નહોતો. પરંતુ ઓરડીમાંથી રૂ. ૫,૧૮,૪૦૦નો ૧૭૨૫ બોટલ દારૂ મળી આવતાં કબ્જે કરી અજય ચાવડા તથા તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવા તજવીજ કરવામાં આવી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાએ પ્રજાસત્તાક પર્વ અંતર્ગત સતત પેટ્રોલીંગ રાખવા અને દારૂની બદ્દી નાબુદ કરવા સુચના આપતાં તે અંતર્ગત પી.આઇ. એચ. એમ. ગઢવી અને ટીમના બી. જે. જાડેજા, મહિપાલસિંહ, ચેતનસિંહ ગોહિલ, કુલદીપસિંહ રાણા, વિરેન્દ્રસિંહ જાડેજા, સહિતની ટીમ દારૂના કેસો શોધવા પેટ્રોલીંગમાં હતાં ત્યારે બાતમી પરથી આ કાર્યવાહી થઇ હતી. નોંધનીય છે કે છેલ્લા એકાદ અઠવાડીયમાં દારૂના દરોડાનો દોર સતત વધી ગયો છે. શહેરની ક્રાઇમ બ્રાંચ તેમજ અન્ય પોલીસ મથકોની ટીમોએ અલગ-અલગ દરોડાઓમાં અંદાજે પંદરેક લાખનો દારૂનો જથ્થો ઝડપી લઇ કાર્યવાહી કરી છે. આ વખતે પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી રાજકોટ ખાતે થઇ રહી હોઇ પોલીસે પખવાડીયા અગાઉથી જ તૈયારીઓ કરી હતી. બંદોબસ્તની કામગીરીઓની સાથે-સાથે ગુનાખોરી ડામવાની કામગીરી પણ વેગીલી રાખવામાં આવી છે. જેમાં બુટલેગરો પર લાંબા સમયથી શરૂ થયેલી ધોંસ યથાવત રાખી સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.

(12:11 pm IST)