Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ભવાનીનગરના સલિમને રાતે ૧૨ના ટકોરે સ્મશાનમાં બોલાવી ઘુસ્તાવી નાંખ્યોઃ ગનના કૂંદા પણ ફટકાર્યા

સલિમનો મિત્ર વિજય માંગીને તેનું બાઇક લઇ ગયા બાદ બારોબાર જીતુ રજપૂત પાસે ગિરવે મુકી ૪૦ હજાર લીધા'તા...તેની સામે ૭૦ ચુકવ્યા છતાં વધુ માંગી આરસી બૂક ફસાવી રાખી'તી

રાજકોટ તા. ૨૫: રામનાથપરા મેઇન રોડ પર ભવાનીનગર-૨માં રહેતાં સલિમ ગફારભાઇ ભુવર (ઘાંચી) (ઉ.વ.૨૨)ને રાતે બારેક વાગ્યે રામનાથપરાના જીતુ રજપૂતે બાઇકની આર.સી. બૂક લઇ જવાના બહાને રામનાથપરા સ્મશાનમાં બોલાવ્યા બાદ ઢીકા-પાટુનો માર મારી તેમજ છરી અને ગનના કૂંદાથી માર મારતાં હોસ્પિટલના બિછાને પહોંચ્યો છે.

સલિમ મોડી રાતે સારવાર માટે દાખલ થતાં ચોકીના સ્ટાફે એ-ડિવીઝન પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવી હતી. જેમાં તેને રામનાથપરા સ્મશાનમાં બોલાવી માર મારી  છરીના હાથા અને ગનના કૂંદાથી ફટકારાયાની નોંધ છે.

સલિમે જણાવ્યું હતું કે તે ઘર નજીક  જ ઇંડાની લારી રાખી ધંધો કરે છે. અગાઉ તેનું બાઇક મિત્ર વિજય આટો મારવાના બહાને લઇ ગયો હતો અને જીતુ પાસે ગિરવે મુકી રૂ. ૪૦ હજાર ઉપાડ્યા હતાં. આ રકમ સામે તેણે ૭૦ હજાર અત્યાર સુધી ચુકવ્યા છે. બાઇક તો પાછુ આપી દેવાયુ હતું પણ તેની આર.સી. બૂક જીતુએ રાખી લીધી હતી. આ બૂક પોતે વારંવાર તેની પાસે માંગતો હતો. દરમિયાન રાતે પોતે ઘરે હતો ત્યારે ફોન કરી આર.સી. બૂક લઇ જવાનું કહી પોતાને રામનાથપરા સ્મશાનમાં બોલાવતાં ત્યાં જતાં જીતુ સહિતના પાંચ શખ્સોએ બીજા સિતેર હજાર આપી જાજે અને આર.સી. બૂક લઇ જજે તેમ કહી મારકુટ કરી હતી. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(12:10 pm IST)