Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

રાપરની જાહેરસભામાં વજુભાઇ વાળાની જીભ લપસીઃ એટ્રોસીટી એકટ હેઠળ પગલાની માંગ

રાજકોટ પોલીસ કમિશ્નર સમક્ષ યુવા ભીમ સેનાની લેખિત રજુઆત

રાજકોટ તા.ર૪ : ગઇકાલે કચ્છના રાપર વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાના પ્રચાર અર્થે યોજાયેલ જાહેરસભામાં કર્ણાટકના પુર્વ ગર્વનર અને ભાજપના સિનિયર મોસ્ટ નેતા વજુભાઇ વાળાએ પોતાના ભાષણ દરમિયાન અનુસુચિત જાતિ, વર્ગનું જાહેરમાં ગેરબંધારણીય શબ્દો વાપરી ખુલ્લેઆમ અપમાન કર્યાની લેખિત ફરીયાદ આજે રાજકોટ પોલીસ કમિશ્નર સમક્ષ યુવા ભીમ સેનાના ડી.ડી. સોલંકી અને કાર્યકરોએ કરી, ચુંટણી આચારસંહિતા ભંગ અને એટ્રોસીટી એકટ ભંગ બદલ પગલા લેવા માંગણી કરી હતી.

લેખિત રજુઆતમાં જણાવાયું છે કે ભારત સરકારના દ્વારા જે શબ્દોને ગેરબંધારણીય જાહેર કરવામાં આવેલ છે તેવા શબ્દો બોલવા કે લખવા કે પ્રદર્શિત કરવા ઉપર મનાઇ હોય છે અને જોઆવું કોઇ ગેરબંધારણીય કૃત્ય થાય તો તેની સામે અનુસુચિત જાતી, અનુસુચિત જનજાતિ અત્યાચાર વિરોધી કાયદો ૧૯૮૯ મુજબ ગુનો બને છે હાલમાં ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ આવી રહી હોય, રાજયમાં આચારસંહિતા લાગુ છે આ દરમિયાન  ગઇકાલે વજુભાઇ વાળા દ્વારા રાપરની ચુંટણીસભામાં માઇક દ્વારા પોતાના પ્રવચનમાં અનુસુચિત જાતિને અપમાનીત કરતા શબ્દો 'તમે કેટલા પૈસાદાર છો તે મહત્વનું નથી, પૈસાદાર તો ઢે....છે' (ગેર બંધારણીય શબ્દ પ્રયોગ)નો ઉપયોગ કરે છે આ વિડીયો વાઇરલ થયો છે. ઉપરોકત શબ્દો વાપરી વજુભાઇ વાળાએ અમો અનુસુચિત જાતીના સભ્યોનું જાહેર અપમાન કર્યુ છે તો આ બાબતમાં એટ્રોસીટી એકટ મુજબ તાત્કાલીક ગુનો નોંધવા માંગણી છે તેવું ફરિયાદી ડી.ડી. સોલંકી, સંસ્થાપક-યુવા ભીમસેના રહે. આંબેડકરનગર શેરી નં.ર, એસ.ટી.વર્કશોપ પાછળ, ગોંડલ રોડ રાજકોટ દ્વારા લેખિત ફરિયાદમાં જણાવાયું છે.

(3:34 pm IST)