Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

કોઠારીયા ચોકડી નજીક બાઇકની ઠોકરે ચડી જતાં ૭ વર્ષના રોનકનું મોતઃ નાના-નાનીને ઇજા

ધોરાજી છાડવાવદરનો બાળક રાજકોટ નાના-નાની સાથે ભણતો હતોઃ ત્રણેય મેંદરડાથી આવી રસ્‍તો ઓળંગતા હતાં ત્‍યારે અકસ્‍માત નડયોઃ આહિર પરિવારમાં શોકઃ નાની જયાબેન ગંભીર

રાજકોટ તા. ૨૪: કોઠારીયા ચોકડીથી ગોંડલ ચોકડી વચ્‍ચે જીવલેણ અકસ્‍માત સર્જાયો હતો. ગોંડલ રોડ બાયપાસ પરની ગણેશ સોસાયટીમાં રહેતું આહિર દંપતિ અને સાત વર્ષનો દોહિત્ર રસ્‍તો ઓળંગી રહ્યા હતાં ત્‍યારે બાઇકની ઠોકરે ચડી જતાં ત્રણેયને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ સાત વર્ષના બાળકનું મોત નિપજ્‍યું હતું. જ્‍યારે નાનીને ગંભીર ઇજા પહોંચી હોઇ સારવાર માટે દાખલ કરાયા હતાં. ધોરાજીના છાડવાવદરના આ ટેણીયો રાજકોટ નાના-નાની સાથે રહીને ભણતો હતો.

જાણવા મળ્‍યા મુજબ ગણેશ સોસાયટીમાં રહેતાં અને ડ્રાઇવીંગ કરતાં હાજાભાઇ માંડણભાઇ જીલરીયા (ઉ.૫૩) અને તેના પત્‍નિ જયાબેન હાજાભાઇ જીલરીયા (ઉ.૫૦) પોતાના દોહિત્ર રોનક દિપકભાઇ કાનગડ (ઉ.૭)ને લઇને કામ માટે મેંદરડા ગયા હતાં. ગત રાતે ત્‍યાંથી પરત આવ્‍યા અને કોઠારીયા ચોકડી નજીક રિક્ષામાંથી ઉતરી સામેની તરફ જવા રસ્‍તો ઓળંગી રહ્યા હતાં ત્‍યારે અચાનક પૂર ઝડપે બાઇક ધસી આવતાં પહેલા જયાબેન ઠોકરે ચડયા હતાં અને તેની પાછળ રહેલા પતિ પણ ફેંકાઇ ગયા હતાં. ત્‍યારબાદ બાઇકે રોનકને પણ ઉલાળી દેતાં ગંભીર ઇજા પહોંચી હતી.

ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ રોનકનું મોત નિપજ્‍યું હતું.

જ્‍યારે નાનીની હાલત ગંભીર હોઇ સારવાર હેઠળ છે. મૃત્‍યુ પામનાર રોનક બે ભાઇમાં મોટો હતો. તેના પિતા દિપકભાઇ પેથાભાઇ ખેતી કરે છે. માતાનું નામ ભારતીબેન છે. રોનક રાજકોટ નાના નાની સાથે રહી એચકેજીમાં ભણતો હતો. બનાવથી આહિર પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આજીડેમ પોલીસે બાઇક ચાલક અંગે તપાસ હાથ ધરી છે.

(11:48 am IST)