Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

કોરોનાની વકરેલી સ્થિતિઃ કર્ફયૂના બેવડા મારથી ફરી વેપારીઓ હેરાન

હોટલ અને ખાણી-પીણીની લારીઓવાળાને સૌથી વધુ મુશ્કેલી : માંડ વેપાર-ધંધા બેઠા થયાં ત્યાં રાત્રી કર્ફયૂને કારણે ઠેરના ઠેર

રાજકોટ, તા.૨૪: દિવાળી બાદ કોરોના વાઇરસે માથુ ઉચકતાં ફરી વેપારીઓની હાલત કફોડી બની છે. તેમાય ગુજરાત સરકારે રાત્રે ૯ થી સવારના ૬ વાગ્યા સુધી જાહેર કરેલા કફ્ર્યૂના કારણે હોટલ, રેસ્ટોરાં અને ખાણી પાણીની લારીઓવાળાઓને ફરી રોવાનો વારો આવ્યો છે.

લોકડાઉન ખુલ્યા બાદ દિવાળીને કારણે વેપાર ધંધામા તેજી નોંધાઈ હતી. દિવાળીની ખરીદી કરવા માટે શહેરીજનો દ્યરની બહાર નિકળ્યા હતા. જેમા તેઓએ સરકારની ગાઈડલાઈનનુ ચુસ્ત રીતે પાલન ન કરતા શહેરમા પણ હવે કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોના વાઇરસની વકરતી સ્થિતિને ધ્યાનમાં લઇ હાલ રાજય સરકારે વડોદરામાં પણ રાત્રી કરફ્યૂ લાદી દીધો છે. કરફ્યૂના કારણે ખાસ કરીને રાત્રીના રોજગાર ધંધા પર નભતાં હોટલ, રેસ્ટોરાં અને ખાણી પાણીની લારીવાળા સૌથી વધુ હેરાન પરેશાન થઇ ગયા છે. રાત્રે માંડ ધંધો જામ્યો હોય ત્યાં જ નાઇટ કરફ્યૂનો અમલ શરૂ થઇ જતો હોવાથી વેપારીઓને ધંધો રોજગાર સમેટી લેવો પડી રહ્યો છે. નોંધનીય છે કે, લોકડાઉન બાદ તહેવારોના સમયમાં માંડ માંડ રોજગાર ધંધા બેઠા થયા હતા. ત્યાં જ કોરોના વાઇરસના કહેર અને કફ્ર્યૂએ ફરી વેપારીઓની હાલત કફોડી કરી નાખી છે. આ ઉપરાંત અન્ય રોજગાર વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને પણ ધંધામાં ઇફેકટ થઇ છે. કોરોનાનો આતંક વહેલી તકે દૂર થાય અને ફરી સારાવાના થાય તેવી પ્રાર્થના વેપારીઓ કરી રહ્યા છે.(૨૩.૬)

કર્ફયુના કારણે રાત્રે મિત્રો સાથે ગપગોળા મારવાનું બંધ થયું

મોડી રાત સુધી મિત્રો સાથે ગપગોળા મારતાં લોકોને હવે કર્ફયુના કારણે ઘરમાં પુરાવાનો વારો આવ્યો છે જેના કારણે તેઓ પરિવારને પૂરતો સમય પણ આપી રહ્યા છે. આ અંગે જસ્મીન શાહનું કહેવું છે કે, હું સ્વતંત્ર વ્યવસાય કરૂ છું, કર્ફયુ પહેલા હુ મોડી સાંજે મારી ઓફીસેથી ઘરે આવતો હતો. જેને કારણે પરિવારના સભ્યો સાથે રહેવાનો સમય ઓછો મળતો હતો. હવે પરિવાર સાથે સમય વિતાવું છું.

શિયાળાની શરૂઆતમાં જ જીમ સંચાલકોની સ્થિતિ પણ કથળી

શિયાળાની શરૂઆતમાં જ કોરોના વાઇરસના વધી રહેલા કેસોને કારણે જીમ સંચાલકોની હાલત પણ કફોડી બની છે. આ અંગે જીમ ચલાવતા માઝ વોરાએ જણાવ્યું હતું કે, કફ્ર્યુ પહેલા જીમ સવારે ૫ વાગે ખોલતા હતા અને રાત્રિના ૧૦ વાગે બંધ કરતા હતા. શિયાળામા અને ઓફિસ સમયને કારણે જીમના સભ્યો વહેલી સવારે ૫ થી ૭ દરમિયાન આવતા હતા જે હવે બંધ થઈ ગયા છે. ઉપરાંત ઓફિસના સમય બાદ પણ જીમના સભ્યો ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન આવતા હતા. આ સભ્યો પણ હવે કફ્ર્યુને કારણે બંધ થઈ ગયા છે.(૨૩.૬)

કર્ફયૂની જાહેરાત બાદ ફરી બજારમાં મંદીનો માહોલ

ટાઈલ્સની દુકાન ધરાવતા અજીઝ કેમ્પવાલાએ જણાવ્યું હતું કે, લોકડાઉન બાદથી અમારા ધંધામાં મંદીનો માહોલ હતો. દિવાળી દરમિયાન ધીરે ધીરે સ્થિતિ થાળે પડી રહી હતી. ત્યાં જ કફ્ર્યૂની જાહેરાત થતાં અમારે ઘરે પહોંચવાનું હોવાથી રાત્રે દોઢ કલાક પહેલા દુકાન બંધ કરવી પડે છે. જેથી ગ્રાહક પણ આવતા અચકાય છે. જેના કારણે અમારે ફરીથી મંદીનો સામનો કરવો પડી રહ્યો છે.(૨૩.૬)

કર્ફયૂના કારણે રાત્રીના ઓર્ડર મળવાના બંધ થયાં

રાત્રી કર્ફ્યૂનો અમલ શરૂ થતાં જ દ્યરેથી કે સ્પેશિયલ કિચન ઉભુ કરી ઓર્ડર પ્રમાણે જમવાનું પહોંચાડતાં નાના મોટા વેપારીઓ પણ અટવાઇ ગયા છે. આ અંગે હેમંત નિરાલેએ જણાવ્યું હતું કે, હું હોમ મેડ બિઝનેસ કરૂ છું. જેના ઓર્ડર હું મોટા ભાગે સાંજના સમયે જ લેતો હોવ છું. પરંતુ, રાત્રી કફ્ર્યુને કારણે ઓર્ડર મળવાના બંધ થઇ ગયા છે જેના કારણે અમારે પણ મંદીનો સામનો કરવો પડી રહ્યો છે.

(12:00 pm IST)