Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

રૈયાધારમાં ભીલ યુવાન રાજૂ ઉર્ફ મિથુનની હત્યા

છુટાછેડા બાદ વર્ષોથી રખડતું જીવન જીવતોઃ ગાંધીગ્રામ પોલીસ મથક નજીક એક ઓફિસ પાસે સુઇ રહેતો અને કોઇ જમાડે તો જમી લેતોઃ નશાની ટેવ હતી પણ એ કારણે કોઇ સાથે કદી માથાકુટ થઇ નહોતીઃ રાત્રે કોઇ નશાખોરો સાથે ડખ્ખો થતાં ઢાળી દેવાયાની ચર્ચાઃ આસપાસના રહેવાસીઓની પુછતાછ : લોહીના ડાઘવાળા લાકડુ અને પથ્થર કબ્જે, તેનો હત્યામાં ઉપયોગ થયાની શકયતાઃ હત્યાનો ભોગ બનનારના ભાઇઓ રૈયાધારમાં જ રહે છેઃ સવારે ભત્રીજાએ લાશ જોતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરીઃ ઝડપથી ભેદ ઉકેલાઇ જવાની આશા

વધુ એક હત્યાઃ શહેરના રૈયાધારમાં ભીલ યુવાન રાજૂ ઉર્ફ મિથુનની હત્યા થતા એસીપી ટંડેલ, પીઆઇ ડી. વી. દવે તથા કાફલો પહોંચ્યો હતો. પ્રથમ તસ્વીરમાં મૃતદેહનું નિરીક્ષણ કરતાં પી.આઇ. દવે, સાથે શૈલેષપરી તથા બીજો સ્ટાફ, રાજૂ ઉર્ફ મિથુનનો નિષ્પ્રાણ દેહ તથા ઘટના સ્થળે લોકોના ટોળા, લોહીવાળુ લાકડુ તથા હત્યાનો ભોગ બનનારના પરિવારજનો પાસેથી માહિતી મેળવતા પોલીસમેન ગિરીરાજસિંહ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૪: શહેરમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો છે. રૈયાધારમાં રવેચી હોટેલ સામેના અવાવરૂ જેવા પટમાંથી સવારે રાજેશ ઉર્ફ રાજુ ઉર્ફ મિથુન ઉકાભાઇ ઘટાર (ઉ.૪૦) નામના ભીલ યુવાનને માથામાં પથ્થર, લાકડુ કે કોઇ બોથડ પદાર્થના ઘા ફટકારી હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર જાગી છે. હત્યાનો ભોગ બનનાર યુવાન દારૂનો નશો કરવાની ટેવ ધરાવતો હતો અને ભાઇઓના પરિવારથી અલગ રહી રખડતા જેવું જીવન જીવતો હતો. રાત્રે નશાની બાબતે કોઇ નશાખોરો સાથે ચડભડ થતાં ઢાળી દેવાયાની ચર્ચા વચ્ચે યુનિવર્સિટી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ રૈયાધારમાં રવેચી હોટેલ સામેના પટમાં સવારે એક યુવાનની લોહીલુહાણ લાશ પડી હોઇ લોકોનું ટોળુ ભેગુ થઇ ગયું હતું. જેમાં એક વ્યકિતએ આ લાશ રૈયાધાર ઇન્દિરાનગર મારવાડીવાસમાં રહેતાં લાલા ઘટાર (ભીલ)ના કાકા રાજુ ઉર્ફ મિથુન ઘટારની હોવાનું ઓળખી કાઢી લાલાને જાણ કરતાં લાલો, તેનો ભાઇ, કાનો પિતા અશોકભાઇ ઘટાર તેમજ બીજા પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને પોલીસને જાણ કરી હતી.

હત્યાની બનાવની જાણ થતાં એસીપી એસ. આઇ. ટંડેલ, યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. ડી. વી. દવે, પીએસઆઇ એમ. વી. રબારી, રાઇટર હેડકોન્સ. શૈલેષપરી ગોસાઇ, એએસઆઇ વિવેકભાઇ, ગિરીરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ, પ્રદિપભાઇ કોટક, અમીનભાઇ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઘટના સ્થળ નજીકથી પોલીસને લોહીના ધાબાવાળુ મોટુ લાકડુ તથા એક નાનો પથ્થર મળતાં તે કબ્જે કર્યા હતાં. માથામાં લાકડા-પથ્થરના ઘા ફટકારાયાની શકયતા જણાઇ હતી.

પોલીસે હત્યાનો ભોગ બનનારના મોટા ભાઇ અશોકભાઇ ઉકાભાઇ ઘટારની પુછતાછ કરતાં તેણે જણાવ્યું હતું કે હત્યાનો ભોગ બનેલો તેના નાના ભાઇ રાજુ ઉર્ફ મિથુનના લગ્ન વીસ વર્ષ પહેલા થયા હતાં. પરંતુ સંસાર ન ચાલતાં છુટાછેડા થઇ ગયા હતાં. તેને સંતાન નહોતું. રાજુ અને તેના પત્નિ બંનેને વાઇનું દર્દ હતું. માતા-પિતા પણ હયાત નથી. છુટાછેડા બાદ રાજુ ઉર્ફ મિથુન તેની રીતે રખડતું જીવન જીવતો હતો. અઠવાડીયે-દસ દિવસે રૈયાધારમાં પોતાની ઘરે આટો મારવા આવતો હતો. ગઇકાલે બપોરે જ તે ટ્રેકટરનો ફેરો કરવા રૈયાધાર તરફ આવ્યો હતો.

હાલમાં રાજુ ઉર્ફ મિથુન ગાંધીગ્રામ પોલીસ મથક નજીક મોદી સ્કૂલની ડાબી બાજુએ આવેલી ટ્રાન્સ્પોર્ટની ઓફિસ પાસે ઓટલા પર સુઇ રહેતો હતો અને ત્યાં જ કોઇ જમાડે તો જમી લેતો હતો. વણઝારા લોકો રેતી કપચીના ફેરાની મજુરી કરતાં હોઇ રાજુ પણ કયારેક ગમે તેના ફેરા મળે તો ફેરા કરવા જતો હતો. તેને દારૂ પીવાની ટેવ હતી. પણ આ ટેવને કારણે તે કદી પણ કોઇ  સાથે ઝઘડ્યો હોઇ તેવું સામે આવ્યું નહોતું. તે નશો કરતો પણ કોઇને નડતો નહિ અને ખોટા ઝઘડા પણ કરતો નહોતો. ગત રાત્રે કદાચ રૈયાધાર મારવાડી વાસ તરફ તેના ભાઇના ઘર તરફ આવતો હશે ત્યારે તેના જ કોઇ પરિચીત નશાખોરો સાથે નશો કરવા બાબતે કે અન્ય બાબતે ચડભડ થતાં વાત હત્યા સુધી પહોંચ્યાની શકયતા છે. પોલીસે હત્યાનો ભોગ બનેલા રાજુ ઉર્ફ મિથુનના ભત્રીજા લાલો અશોકભાઇ ઘટાર (ઉ.૨૪)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. મૃતકની સાથે ઉઠક-બેઠક ધરાવતાં શખ્સોની તથા લાશ જ્યાંથી મળી તે સ્થળ આસપાસ રહેતાં લોકોની પુછતાછ કરી હત્યાનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

લાશ મળી ત્યાંથી થોડે જ દૂર વિજથાંભલામાં પણ લોહીના ડાઘા

. રાજૂ ઉર્ફ મિથુનની લાશ જ્યાંથી મળી ત્યાંથી વીસેક મિટર દૂર સિમેન્ટનો વિજ થાંભલો છે. તેમાં પણ લોહીના ડાઘા દેખાયા છે. પહેલા થાંભલા પાસે હુમલો થયા બાદ રાજૂ ભાગીને થોડે દૂર જતાં ફરીથી હત્યારાઓએ પીછો કરી હુમલો કરી ઢાળી દીધાની શકયતા છે.

રાજૂ ખિસ્સામાં હમેશા માતાજીનો ફોટો રાખતો અને કોઇપણ સામે મળે તો જય માતાજી કહેતો

ચાર ભાઇ અને બે બહેનમાં ચોથો હતોઃ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન નજીક સુઇ રહેતો'તો

.હત્યાનો ભોગ બનનાર રાજૂ ઉર્ફ મિથુન ચાર ભાઇ અને બે બહેનમાં ચોથો હતો. તેનાથી મોટા ભાઇઓના નામ જસુભાઇ ઉકાભાઇ ઘટાર, અશોકભાઇ ઉકાભાઇ ઘટાર અને બહેનોના નામ હકુબેન તથા બકુબેન તથા સોૈથી નાના ભાઇનું નામ મુન્નો ઘટાર છે. રાજૂ પોતાના છુટાછેડા થયા બાદ ભાઇઓથી અલગ એકલો ગાંધીગ્રામ પોલીસ મથક નજીક આવેલી ટ્રાન્સપોર્ટ ઓફિસના ઓટા પર સુઇ રહેતો હતો અને ત્યાં જ આજુબાજુમાંથી કોઇ મજૂરી મળે તો કરતો હતો. તેમજ ગમે ત્યાં જમી લેતો હતો. જો કે મોટે ભાગે તે આ ઓફિસ પાસે જ રહેતો હતો. તેને નશો કરવાની ટેવ હોવાનું ઓફિસ ધારકોએ પણ કહ્યું હતું. જો કે નશો કરીને તે કદી કોઇ સાથે ઝઘડા કરતો નહોતો. તે ખિસ્સામાં માતાજીનો ફોટો સાથે રાખતો હતો અને કોઇપણ સામે મળે તો તેને જય માતાજી કહેતો હતો. આ યુવાનની હત્યાથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

(3:45 pm IST)