Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

મોરબી રોડ આર.ડી. રેસિડેન્સીમાં જસવંત બારોટને બનેવીએ માથામાં પંખો ફટકાર્યો

તેના પિતા બાબુભાઇ વચ્ચે પડતાં તેનું માથુ દિવાલમાં અથડાવ્યું: જસવંતની બહેન રિસામણે આવતાં બનેવી ચિરાગ, તેના ભાઇ નિરજ સહિતનાએ ઘરે આવી માથાકુટ કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૪: મોરબી રોડ પર આર. ડી. રેસિડેન્સીમાં રહેતાં જસવંત બાબુભાઇ બારોટ (ઉ.૨૨) નામના યુવાન પર નજીકમાં જ રહેતાં તેના બનેવી ચિરાગ કનુભાઇ અજાણી, તેના ભાઇ નિરજ કનુભાઇ સહિતનાએ હુમલો કરી માથામાં ટેબલ પંખો ફટકારી દેતાં તેમજ તેના પિતા બાબુભાઇ વેલજીભાઇ બારોટ (ઉ.૭૦) બચાવવા વચ્ચે પડતાં તેને ધક્કો દઇ માથું દિવાલમાં અથડાવી ઇજા કરતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

રાત્રીના સાડા બારેક વાગ્યે આ બનાવ બન્યો હતો. જસવંત અને તેના પિતા બાબુભાઇ સિવિલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી. પિતા-પુત્રએ પ્રાથમિક સારવાર બાદ રજા લીધી હતી. ટેલિફોનીક વાતચીતમાં જસવંતે કહ્યું હતું કે તે ચાંદી કામ કરે છે. તેના લગ્ન ચિરાગની બહેન હીમાલી સાથે થયા છે અને તેની બહેન દક્ષાના લગ્ન ચિરાગ સાથે થયા છે. પોતાની બહેન દક્ષાને માથાકુટ થતાં તેણી પોતાની ઘરે માવતરે આવી જતાં પોતાની પત્નિ હિમાલી પણ તેના માવતરે જતી રહી હતી. આ બાબતે મનદુઃખ રાખી બનેવી અને તેના ભાઇ સહિતનાએ હુમલો કર્યો હતો. પોતાને પંખો પત્નિએ ફટકાર્યાનું પણ જસવંતે જણાવ્યું હતું. (૧૪.૬)

(4:10 pm IST)